• Gujarati News
  • National
  • A 5,000 Page Chargesheet Was Filed Against The Farmers For Crushing Them With A Jeep

લખીમપુર ખીરી કેસ:ખેડૂતોને જીપથી કચડી નાંખવા મામલે 5 હજાર પેજની ચાર્જશીટ દાખલ કરાઈ

લખીમપુર ખીરી/ લખનઉ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17માંથી 3 આરોપી ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા, 14 જેલમાં, 208 સાક્ષી
  • મુખ્ય આરોપી તરીકે કેન્દ્રીય મંત્રીના પુત્રનું નામ

લખીમપુર ખીરીમાં જીપ દ્વારા કચડીને ચાર ખેડૂતોની હત્યા કરવાના કેસમાં એસઆઈટીએ સોમવારે ચાર્જશીટ દાખલ કરી હતી. ઘટનાના 88 દિવસ બાદ સોમવારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 5,000 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર અને મુખ્ય આરોપી આશિષ મિશ્રા મોનુ તેમજ ટેનીના સાળા વીરેન્દ્ર શુક્લાનું નવું નામ પણ સામેલ છે. પલિયા બ્લોકના પ્રમુખ શુક્લા પર પોલીસે પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. ચાર્જશીટમાં સેંકડો વીડિયો ફૂટેજ, સીસીટીવી ફૂટેજ અને ફોન કોલની વિગતો છે. તેની સાથે 208 સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ ચાર્જશીટમાં તપાસ ટીમે જણાવ્યું છે કે ઘટનાના સમયે આશિષ ઘટનાસ્થળે જ હતો. જ્યારે બેલેસ્ટિક રિપોર્ટના આધારે આશિષ અને તેના મિત્ર અંકિત દાસનાં લાઈસન્સવાળાં હથિયારોથી ફાયરિંગ કરાયાની પણ પુષ્ટી થઈ છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે વીરેન્દ્રનું વાહન ઘટનાસ્થળે જ હતું પણ તેણે આ વાત છુપાવી હતી. એસઆઈટીના ઈન્સ્પેક્ટર વિદ્યારામ દીવાકર તરફથી દાખલ ચાર્જશીટમાં 17 લોકોનાં નામ સામેલ છે તેમાં મુખ્ય આરોપી આશિષ સહિત 13 લોકો જેલમાં છે. વીરેન્દ્રની હજુ ધરપકડ થઇ નથી. જોકે શુભમ વાજપેયી, શ્યામ સુંદર નિષાદ અને જીપ ડ્રાઇવર હરિઓમ મૃત્યુ પામ્યા છે. હરિઓમને ઘટનાસ્થળે જ મારી નખાયો હતો.

ટેનીને બરતરફ કરવા માગ
ચાર્જશીટ દાખલ કરાયા બાદ કોંગ્રેસ અને સપા સહિત વિપક્ષી દળોએ ટેનીને મંત્રી મંડળમાંથી બરતરફ કરવા ઉગ્ર માગ કરી છે. ઉલ્લેખનીય છે કે ટેની કહે છે કે દીકરા વિરુદ્ધ પુરાવા મળે તો હું રાજીનામું આપી દઈશ. તેમણે દાવો કર્યો હતો કે હું અને મારો દીકરો ઘટનાસ્થળે હાજર જ નહોતા.

સુપ્રીમકોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરીના તિકુનિયામાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમાં બે એફઆઈઆર નોંધાઈ હતી. પહેલી ખેડૂતો તરફથી જેમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. બીજી ત્રણ લોકોને માર મારી મારી નાખવાના આરોપમાં 15થી 20 ખેડૂતો સામે દાખલ કરાઈ હતી. પહેલા યુપી સરકારે આ મામલે તપાસ એસઆઈટીને સોંપી હતી. જોકે સુપ્રીમકોર્ટે આ મામલે સુઓ મોટો હાથ ધરતા તપાસના નિરીક્ષણ માટે પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટના સેવાનિવૃત્ત જજ રાકેશ કુમાર જૈનના વડપણ હેઠળ ટીમની રચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...