દિલ્હીના દ્વારકામાં એક છોકરાએ એક શાળાની વિદ્યાર્થિની પર એસિડ વડે હુમલો કર્યો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. દિલ્હી પોલીસને સવારે 9 વાગ્યે મોહન ગાર્ડન પાસે વિદ્યાર્થિની પર એસિડ ફેંકવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિનીની ઉંમર 17 વર્ષ છે. તે તેની નાની બહેન સાથે ઊભી હતી. ત્યારે બાઇકસવાર બે યુવકે તેના પર એસિડ ફેંક્યું હતું. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
સગીરાને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એસિડથી તેનો ચહેરો દાઝી ગયો છે. પૂછપરછમાં સગીરાએ 2 લોકો પર શંકા વ્યક્ત કરી હતી.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે બે યુવક બાઇક પર આવે છે અને વિદ્યાર્થિની પર એસિડ ફેંકે છે. બંને યુવકે મોઢાં ઢાંકેલાં હતાં. આ પછી બંને બાઇક પર ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ આ યુવકની શોધખોળ હાથ ધરી હતી.
પિતાએ કહ્યું- દીકરીની હાલત ગંભીર છે
છોકરીના પિતાએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતુું કે દીકરીની હાલત ગંભીર છે. મારી દીકરીઓ એકસાથે ઘરથી બહાર નીકળી હતી. એસિડ ફેંકનારા બંને આરોપીનાં મોઢાં ઢાંકેલાં હતાં. અત્યારે સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે સવારે આ ઘટના અંગેની જાણકારી મળી હતી. પીડિતાની બહેને બે પરિચિત પર શંકા વ્યક્ત કરી છે. પોલીસે તેમાંથી એકની ધરપકડ કરી છે અને બીજાની શોધખોળ હાથ ધરી છે.
મહિલા આયોગે સરકારને નોટિસ પાઠવી
ઘટનાની માહિતી મળતાં જ દિલ્હી મહિલા આયોગ (DCW)એ પોલીસને નોટિસ પાઠવી છે. DCW ચીફ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું છે કે પીડિતાની મદદ માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. એસિડને લઈને સરકારોના નબળા વલણ પર સવાલ ઉઠાવતાં માલીવાલે કહ્યું હતું કે દેશમાં એસિડ પર પ્રતિબંધ મૂકવા માટે પાંચ વર્ષથી લડત ચલાવી રહી છે. સરકારો ક્યારે જાગશે?
આ બિલકુલ સહન કરી શકાય એવું નથીઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના વિશે કહ્યું હતું કે આ બિલકુલ સહન કરી શકાય નહીં. ગુનેગારોને આટલી હિંમત કેવી રીતે આવી? ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. દિલ્હીમાં દરેક બાળકીની સુરક્ષા અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.