• Gujarati News
  • National
  • 8.5% In Gujarat, 25.4% In Madhya Pradesh Fatal Lead cadmium Causing Kidney heart Disease In Vegetables

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો અહેવાલ:શાકાહારીઓ માટે આરોગ્યનું જોખમ; ગુજરાતમાં 8.5%, મધ્યપ્રદેશમાં 25.4% શાકભાજીમાં લીડ કેડમિયમનું ઘાતક પ્રમાણ, કિડની-હૃદયને નુકસાન પહોંચાડી શકે છે

નવી દિલ્હી3 વર્ષ પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર: સરેરાશ 9.21% શાકભાજીમાં લીડ કેડમિયમ જેવી હેવી મેટલ્સનું પ્રમાણ નક્કી માત્રા કરતાં બેથી ત્રણ ગણું વધારે હાલમાં જોવા મળ્યું છે. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર: સરેરાશ 9.21% શાકભાજીમાં લીડ કેડમિયમ જેવી હેવી મેટલ્સનું પ્રમાણ નક્કી માત્રા કરતાં બેથી ત્રણ ગણું વધારે હાલમાં જોવા મળ્યું છે.
  • ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ પ્રથમ વખત દેશવ્યાપી અભ્યાસ કરીને તારણો મેળવ્યા
  • દેશને પાંચ ઝોનમાં વહેંચીને કુલ 3323 નમૂના લેવાયા, એમાંથી 9.21% નિષ્ફળ, ફક્ત સાઉથ ઝોન પાસ

સ્વસ્થ રહેવાથી લઈને ઈમ્યુનિટી વધારવા સુધીની બાબતમાં ડૉક્ટરો શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. જોકે દેશનાં ખેતરોમાં ઊગેલા અને વેચાઈ રહેલી સરેરાશ 9.21% શાકભાજીમાં લીડ કેડમિયમ જેવી હેવી મેટલ્સનું પ્રમાણ નક્કી માત્રા કરતાં બેથી ત્રણ ગણું વધારે હોય છે. આ ઘટસ્ફોટ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કરેલા સંશોધનમાં કરાયો છે.

ઓથોરિટીએ દેશભરમાં શાકભાજીની ગુણવત્તા વિશે પહેલીવાર આવો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં સૌથી ખતરનાક સ્થિતિ મધ્યપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં શાકભાજીના 25% નમૂનામાં હેવી મેટલ્સનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. ત્યાર પછી છત્તીસગઢમાં 13.6% અને બિહારમાં 10.6% શાકભાજીના નમૂના બિનઆરોગ્યપ્રદ નોંધાયા છે.

આ અભ્યાસ માટે દેશને પાંચ ઝોનમાં વહેંચી દેવાયો હતો. એફએસએસએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ સિંઘલે કેન્દ્રીય જળશક્તિ, પર્યાવરણ અને કૃષિ મંત્રાલયને પત્ર લખીને આ દિશામાં યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે.

આવો દેશવ્યાપી અભ્યાસ પહેલીવાર કરાયો છે. આ માટે દેશને પાંચ ઝોનમાં વહેંચીને ત્રણ પ્રકારની શાકભાજીના નમૂના લેવાયા હતા. પાંદડાંવાળાી, વેલા પર ઊગતી શાકભાજી અને કંદમૂળના કુલ 3323 નમૂના લેવાયા હતા. આ રીતે સમગ્ર વર્ષ અભ્યાસ કરાયો અને છેલ્લા બે મહિનામાં એનો રિપોર્ટ તૈયાર કરાયો. આ અધ્યયનમાં 306 એટલે કે 9.21% નમૂના નિષ્ફળ ગયા.

ક્યાંથી આવ્યાં આ ઘાતક હેવી મેટલ્સ

  • આ રિપોર્ટ પ્રમાણે, શાકભાજીમાં હેવી મેટલ્સનું પ્રમાણ જંતુનાશકોના ઉપયોગ અને ગંદાપાણીથી ખેતી કે કોઈ પ્રકારના સોઈલ કોન્ટામિનેશનથી વધ્યું છે.
  • આ અભ્યાસમાં વધુ ચોક્કસ આંકડા જાણવા મોટે પાયે અભ્યાસની જરૂર છે, જેથી હોટ સ્પોટની ઓળખ થઈ શકે.

ભોપાલ એનજીટીના નિર્દેશ પછી અભ્યાસ શરૂ થયો હતો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ-ભોપાલમાં ડૉ. સુભાષ પાંડેએ અરજી દાખલ કરી હતી. તેમણે શાકભાજીમાં હેવી મેટલ્સનું ઊંચું પ્રમાણ હોવાનું જણાવ્યું હતું. બાદમાં એનજીટીએ એપ્રિલ-2017માં એફએસએસએઆઈને આ અભ્યાસ કરવા નિર્દેશ આપ્યો હતો.

સેન્ટ્રલ ઝોનની સ્થિતિ ખરાબ

ઝોનનમૂના નિષ્ફળ%
સેન્ટ્રલ15.7
ઈસ્ટ12.12
વેસ્ટ7.2
નોર્થ5.13
સાઉથ0

જાણો... અગ્રણી રાજ્યોમાં કેટલા ટકા નમૂના અભ્યાસમાં નિષ્ફળ ગયા

મધ્યપ્રદેશ25.4 %
છત્તીસગઢ13.6 %
બિહાર10.6 %
ગુજરાત8.7 %
ચંદીગઢ8.2 %
મહારાષ્ટ્ર6.9 %

મધ્યપ્રદેશમાં તો ટામેટાંમાં નક્કી માત્રાથી 6 ગણું અને ભીંડામાં 10 ગણું વધારે લીડ મળ્યું
306 નમૂના નિષ્ફળ ગયા, 206માં લીડનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. પાંદડાંવાળી શાકભાજીના છોડમાં લીડનું પ્રમાણ પ્રતિ કિલોગ્રામ 100 માઈક્રોગ્રામ છે, જ્યારે મધ્યપ્રદેશમાં ટામેટાંમાં 600 માઈક્રોગ્રામ અને ભીંડામાં 1000 માઈક્રોગ્રામ લીડ મળ્યું છે. મધ્યપ્રદેશમાં ભોપાલ, ઈન્દોરથી નમૂના લેવાયા હતા.