• Gujarati News
  • National
  • 84 Doctors At NMCH Hospital In Patna Come Out Positive For Corona, Vaccination Of 15 18 Year Old Children Starts From Today

કોરોના દેશ LIVE:કોવિડ ટાસ્ક ફોર્સના ચીફે કહ્યું- દેશમાં થર્ડવેવ શરૂ; કોરોનાની ગતિ વધી તેનું સૌથી મોટું કારણ ઓમિક્રોન, મેટ્રો શહેરોમાં જ 75% કેસ

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1- 9 અને 11 ઓનલાઇન જ ચાલશે
  • બિહારની હોસ્પિટલમાં 84 ડૉક્ટર કોરોના પોઝિટિવ
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 32 હજારથી વધુ નવા કેસ અને 116નાં મોત

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન આનું સૌથી મોટું કારણ છે. કોવિડ ટાસ્ટ ફોર્સના ચીફ ડૉ. એનકે અરોડાએ આ વાતની પુષ્ટિ કરી છે.

ન્યૂઝ ચેનલ NDTV સાથેની વાતચીતમાં ડૉ. અરોડાએ જણાવ્યું કે દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ ગત વર્ષે ડિસેમ્બરના પ્રથમ અઠવાડીયામાં આવ્યો હતો. જે બાદ આ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે લગભગ તમામ રાજ્યો (કેટલાંક રાજ્યોને બાદ કરતા)માં ઓમિક્રોનના કેસ જોવા મળે છે.

સૌથી મોટી ચિંતા દિલ્હી, મુંબઈ અને કોલકત્તા જેવા મહાનગરોને લઈને છે, જ્યાં નવા વેરિયન્ટના સંક્રમિત લોકોની સંખ્યાએ એક મહિનામાં સ્પીડ પકડી છે. આ શહેરોમાં ઓમિક્રોનના કુલ કેસના 75% સંક્રમિત મળી રહ્યાં છે. ઓમિક્રોનની સાથે જ દેશભરમાં કોરોનાના કેસ પણ ઘણી જ ઝડપથી વધી રહ્યાં છે. એવામાં ત્રીજી લહેર આવી ગઈ તે વાતથી ઈનકાર ન કરી શકાય.

સ્પષ્ટ રીતે ત્રીજી લહેર
ડૉ. અરોડાએ NDTVને કહ્યું કે ભારતમાં પહેલાં જ ઓમિક્રોનના 1700 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 510 કેસ છે. દેશમાં કોરોનાના કેસમાં પણ 22%નો વધારો થયો છે. છેલ્લાં 4-5 દિવસના રિપોર્ટ તે વાતનો જ ઈશારો કરે છે કે દેશમાં ત્રીજી લહેર આવી ગઈ છે. ભારતમાં સ્પષ્ટ રીતે થર્ડ વેવ આવી ગઈ છે અને આ દ્રશ્યોને જોતા નવો વેરિયન્ટ તેમાં સૌથી વધુ હાવી છે અને તે ઓમિક્રોન છે.

એક સપ્તાહમાં જ બેગણી થઈ સ્પીડ
ડૉ. અરોડાએ ઓમિક્રોનને લઈને એક મોટી વાત જણાવી છે. તેઓએ કહ્યું કે દેશમાં જે વેરિયન્ટના જિનોમ સિક્વેન્સિંગ કરાઈ તે રીતે છેલ્લાં સપ્તાહમાં નેશનલ લેવલ તમામ વેરિયન્ટમાંથી 12% ઓમિક્રોનના જ કેસ છે. પરંતુ ગત સપ્તાહે આ એવરેજ 28% સુધી પહોંચી ગઈ છે. એવામાં આ કોરોનાના અન્ય વેરિયન્ટની તુલનાએ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવાં મોટાં શહેરોમાં તે વધી રહ્યો છે તે ચિંતાની વાત છે.

પ્રિયંકા ગાંધીના પરિવાર અને સ્ટાફના એક-એક મેમ્બર કોરોનાથી સંક્રમિત, કોંગ્રેસ નેતાએ પોતાને આઈસોલેટ કર્યા
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પરિવારમાં વધુ એક સભ્ય અને તેમના સ્ટાફનો સભ્ય રવિવારે કોરોનાથી સંક્રમિત થયો છે. જો કે પ્રિયંકા ગાંધી વાડ્રાનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જો કે ડોકટરની સલાહ બાદ હાલ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાને આઈસોલેટ કરી દીધા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર લખ્યું છે કે- મારા પરિવારનો એક સભ્ય અને મારા સ્ટાફનો એક મેમ્બર કાલે કોરોનાથી સંક્રમિત થયા છે, મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોકટરની સલાહ બાદ હું પોતાને આઈસોલેટ કરું છું અને થોડાં દિવસ બાદ ફરી ટેસ્ટ કરાવીશ.

મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1- 9 અને 11 ઓનલાઇન જ ચાલશે
કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ધોરણ 1-9 અને ધોરણ 11 સુધીના ક્લાસ ઓનલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધુ 510 ઓમિક્રોનના કેસ છે.

જીતનરામ માંઝી તેમનો પરિવાર કોરોના સંક્રમિત
બિહારના ભૂતપુર્વ મુખ્યમંત્રી અને હમ (હિન્દુસ્તાન આવામ મોરચા)ના વડા જીતનરામ માંઝી કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. માંઝી ઉપરાંત તેમની પત્ની, દીકરી, વહુ અને 2 સ્ટાફ મેમ્બર સહિત 18 સુરક્ષા કર્મચારીઓને પણ કોવિડ પોઝીટીવ જોવા મળ્યા છે.

જયપુરમાં ધોરણ-1થી 8 સ્કૂલ બંધ રહેશે
કોરોનાના વધતા કેસને પગલે રાજસ્થાન સરકારે પણ નિયંત્રણો કડક કરી દીધા છે. જયપુરના બે નગર નિગમ વિસ્તારોમાં આજથી 9 જાન્યુઆરી સુધી ધોરણ-1થી 8 સુધી સરકારી અને ખાનગી શાળા બંધ કરવામાં આવી છે. અન્ય વિસ્તારો કે જિલ્લામાં શાળા યથાવત રાખવી કે પછી બંધ કરવી તે અંગે કલેક્ટર અને શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

ગોવામાં કોરોનાના 988 કેસ સામે આવ્યા
ગોવામાં સોમવારે કોરોનાના 988 કેસ સામે આવ્યા હતા, જ્યારે પોઝિટિવિટી દર 10.7% થયો છે. જોકે હાલમાં એક્ટિવ કેસ 1,671 છે. નવા વર્ષની ઉજવણી બાદ કોરોનાના નવા કેસ અને પોઝિટિવિટી દરમાં વધારો નોંધાયો છે. ગોવામાં મોટી સંખ્યામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે આવે છે. ત્યારે હવે કોરોનાના કેસમાં વધારો નોંધાતાં રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યૂ સહિત કેટલાક પ્રતિબંધો લગાવવાની તૈયારીઓ કરી રહી છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને રાજ્ય મંત્રીને કોરોના થતાં CM મમતા બેનર્જી આઈસોલેટ થયા
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને રાજ્ય મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્ય સચિવ અને એક રાજ્ય મંત્રીને કારાના થયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પોતે આઈસોલેટ થઈ ગયા છે.

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં 2 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 1.23 લાખ કેસ નોંધાયા છે. આ પહેલાંના સપ્તાહ (20થી 26 ડિસેમ્બર)માં 41,169 કેસ સામે આવ્યા હતા, એટલે કે એક જ સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણના દરમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. કોરોનાના નવા કેસમાં 82 હજારનો વધારો નોંધાયો છે.

બંગાળ રણજી ટ્રોફી ટીમના 7 સભ્ય કોરોના પોઝિટિવ
13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. બંગાળ રણજી ટીમના 6 ખેલાડી અને એક આસિસ્ટન્ટ કોચ કોરોના પોઝિટિવ મળ્યા છે. હવે BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની શરુઆત પહેલાં ઈમર્જન્સી બેઠક યોજી શકે છે અને વર્તમાન પરિસ્થિતિને જોતાં રણજી ટ્રોફીનું આયોજન આગળ વધારવા અંગે પણ વિચારણા કરી શકે છે. ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળના સચિવ સ્નેહાશિષ ગાંગુલીએ કહ્યું હતું કે વર્તમાન મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંગાળના ક્રિકેટ એસોસિયેશને સુરક્ષાના પગલા તરીકે બંગાળના તમામ ક્રિકેટરોનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. એમાં 7 ખેલાડી પોઝિટિવ જોવા મળ્યા છે.

બિહારની હોસ્પિટલમાં 84 ડૉક્ટર કોરોના પોઝિટિવ
પટનાની NMCH (નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ) હોસ્પિટલમાં 84 ડોક્ટરને કોરોના થયો છે. NMCHમાંથી 194 લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. હવે અહીં સારવાર લઈ રહેલા મોટા ભાગના દર્દીઓ પણ સંક્રમિત આવી શકે છે. હોસ્પિટલના અન્ય સ્ટાફને પણ અસર થઈ શકે છે, કારણ કે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે તબીબો ફરજ પર હતા. તેઓ તબીબી સ્ટાફ તેમજ દર્દીઓ સાથે પણ સંપર્કમાં હતા.

લાઈવ અપડેટ્સ

  • કર્ણાટકમાં 10 ઓક્ટોબર પછી પહેલીવાર કોરોનાના એક્ટિવ કેસ 10 હજારને પાર થયા.
  • કર્ણાટકમાં 10 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા, બેંગલુરુમાં 8 કેસ નોંધાયા.
  • ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ઓમિક્રોન વાઈરલ તાવ જેવો છે, તકેદારી રાખો.
  • કેરળમાં 45 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા.
  • દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું, છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસમાં 84% ઓમિક્રોનના કેસ છે
  • દિલ્હીમાં સંક્રમણનો દર વધીને 6.5% થઈ શકે છે. હાલમાં દિલ્હીની હોસ્પિટલામાં 202 દર્દી દાખલ છે.

આજથી બાળકોનું વેક્સિનેશન
કોરોનાના ત્રીજી લહેરના સંકેતો વચ્ચે દેશમાં પ્રથમ વખત 15થી 18 વર્ષની વયનાં બાળકોનું કોરોના વેક્સિનેશન આજથી શરૂ થઈ રહ્યું છે. આ વય જૂથ માટે ભારત બાયોટેક કંપનીની કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.

બંગાળમાં બેલુર મઠ આગામી આદેશ સુઘી બંધ કરાયો
બંગાળમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે બેલુર મઠ આગામી આદેશ સુધી બંધ કરી દીધો છે. આ પહેલાં પણ મમતા સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ કહ્યું હતું કે સોમવારથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કચેરીઓ 50% ક્ષમતા સાથે કામ કરશે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 32 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા
કોરોના અને એનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ સતત વઘી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 32 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. અને 116 લોકોનાં મોત થયાં છે. આ સાથે 10 હજારથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. કોવિડ સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર ટોપ પર છે. આ રાજ્યમાં 11877 કોવિડના નવા કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 6153, દિલ્હીમાં 3194, કેરળમાં 2802 અને તામિલનાડુ અને કર્ણાટકમાં એક દિવસમાં એક હજારથી વધુ કોરોનાના કેસ મળ્યા છે.

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 11,877 નવા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે, જેમાંથી એકલા મુંબઈમાં રવિવારે 8063 કોવિડના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ઓમિક્રોનના 50 દર્દી અહીં જ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં 24 કલાકમાં 9 મોત પણ નોંધાયાં છે.

પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા 6153
બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા 6153 પર પહોંચી ગઈ છે. એકલા કોલકાતાએ 3000નો આંકડો પાર કર્યો. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3194 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 8 મૃત્યુ પણ નોંધાયા છે. આ સાથે બંગાળમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 17038 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...