જૂનના પ્રથમ સપ્તાહમાં દેશમાં કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા 7 દિવસના ટ્રેન્ડ પર નજર કરીએ તો દેશમાં કોરોનાના દર્દીઓ બમણા થઈ ગયા છે. 4 જૂને દેશમાં 4,270 પોઝિટિવ કેસ હતા. જ્યારે શુક્રવારે, 8,263 નવા કેસ મળી આવ્યા હતા, જે આ વર્ષનો સૌથી મોટો આંક છે. છેલ્લા 24 કલાકમાં 4,200 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 10 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા દેશમાં ગુરુવારે 7,584 લોકો પોઝિટિવ મળ્યા હતા અને 24 લોકો મૃત્યુ પામ્યા હતા.
કોરોનાના નવા કેસના મામલામાં મહારાષ્ટ્ર બીજા દિવસે પણ ટોપ પર રહ્યું છે, જ્યારે કેરળમાં પણ કોરોનાના કેસ ડરાવી રહ્યા છે. અહીં દરરોજ બે હજાર લોકો પોઝીટીવ મળી રહ્યા છે. જ્યારે, કર્ણાટક સરકારે રાજ્યમાં માસ્ક ફરજિયાત બનાવ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના શરૂઆતના દિવસોથી, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4 કરોડ 32 લાખથી વધું થઈ ગઈ છે. જ્યારે 5.24 લાખથી વધુ દર્દીઓના મોત થયા છે.
મહારાષ્ટ્ર સતત બીજા દિવસે ટોપ પર છે, છેલ્લા 24 કલાકમાં ત્રણ હજારથી વધુ પોઝિટિવ કેસ મળ્યા
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,081 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ છે. જ્યારે, શુક્રવારે 1,323 દર્દીઓ સાજા થયા હતા. જો કે એક પણ દર્દીનું મોત થયું નથી. શુક્રવારે એકલા મુંબઈમાં 1,956 નવા કેસ મળી આવ્યા હતા. અહીં 763 દર્દીઓ સાજા થયા છે. અહીં છેલ્લા 10 દિવસમાં (1 જૂનથી 10 જૂન) એક્ટિવ દર્દીઓમાં 136% નો વધારો થયો છે. અહીં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 9,191 છે.
ગુરુવારે, મહારાષ્ટ્રમાં કોવિડ-19 ના 2,813 નવા કેસ નોંધાયા હતા, ગઈકાલે એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું. બુધવારે રાજ્યમાં કોરોનાના 2,701 નવા કેસ નોંધાયા હતા. અહીં પોઝિટિવિટી રેટ 7.55% છે. મહારાષ્ટ્રમાં હાલમાં 13,329 એક્ટિવ કેસ છે.
કેરળમાં પણ બે હજારથી વધુ કેસ નોંધાયા
મહારાષ્ટ્ર બાદ નવા કેસમાં કેરળ બીજા નંબર પર છે. થોડા દિવસ પહેલા કેરળ ટોપ પર હતુ. રાજ્યમાં સતત બે હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 2,415 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 1,301 લોકો સાજા છયા અને 5 મોતને ભેટ્યા હતા. કેરળમાં પોઝિટિવિટી રેટ 13.19% છે, જેનો અર્થ છે કે 100 માંથી 13 દર્દીઓ પોઝિટિવ મળી રહ્યા છે, જે અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે.
દિલ્હીમાં પણ ફરી કેસમાં વધારો
ગુરુવારે રાજધાની દિલ્હીમાં નવા કેસમાં ફરી વધારો થયો છે. ગુરુવારે, દિલ્હીમાં 655 નવા દર્દીઓ મળ્યા, 419 દર્દીઓ સાજા થયા, જ્યારે 2લોકોનું મૃત્યુ થયું હતું. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે નવા કેસોમાં માત્ર 5%નો વધારો થયો હતો. ગુરુવારે 622 નવા સંક્રમિત મળી આવ્યા હતા. રાજધાનીમાં પોઝિટિવિટી રેટ 3.11% પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહેલ દર્દીઓની સંખ્યા 2,008 છે.
કર્ણાટકમાં ફરીથી માસ્ક જરૂરી
કર્ણાટકમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શુક્રવારે એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ, મોલ, જાહેર કાર્યક્રમો, હોટલ, પબ, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક કેન્દ્રો, ફેક્ટરીઓ, ઓફિસો, હોસ્ટેલમાં ફેસ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.