દેશની મોટાભાગની વસતી નાના અને મધ્યમ કદની 30 હજાર બ્રાન્ડ્સની ઘરવપરાશની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે જ્યારે માત્ર 20 ટકા વસતી જ મોટા કોર્પોરેટ ગૃહોની આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના એક સરવે મુજબ, 30 હજાર સ્મોલ અને મીડિયમ બ્રાન્ડ્સની એફએમસીજી પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ ભારતની 80 ટકા વસતી સુધી પહોંચે છે.
ખાદ્યાન્ન, તેલ, કરિયાણું, પર્સનલ કોસ્મેટિક્સ, ઇનર વૅર, રેડીમેડ ગારમેન્ટ્સ, બ્યુટી એન્ડ બૉડીકેર, ફુટવેર, ટોઇઝ, એજ્યુકેશનલ ગેમ્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ સહિતની વસ્તુઓના ઉપયોગના આધાર પર આ સરવે હાથ ધરાયો હતો. CAITના જણાવ્યાનુસાર, ‘કોર્પોરેટ ગૃહોની 3 હજાર મોટી બ્રાન્ડ્સ દેશની જનતાની ખાસ કરીને એફએમસીજી સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કોસ્મેટિક્સ વગેરેની જરૂરિયાતો સંતોષતી હોવાની વાત માત્ર ભ્રમણા છે. હકીકતમાં દેશની જનતાની માગને પહોંચી વળવામાં સૌથી મોટું યોગદાન રિજનલ લેવલની 30 હજારથી વધુ સ્મોલ અને મીડિયમ બ્રાન્ડ્સનું છે.’
CAITના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે સરવેના તારણોના આધારે જણાવ્યું કે નાના ઉત્પાદકોની છૂટકમાં વેચાતી પ્રોડક્ટ્સ દેશની મોટાભાગની વસતીની જરૂરિયાતો સંતોષે છે. મોટી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સની માગ ફક્ત હાયર ક્લાસ અને અપર-મિડલ ક્લાસમાં વધુ છે અને તે પણ વ્યાપક મીડિયા અને આઉટડોર પબ્લિસિટી તથા સેલિબ્રિટીઝ દ્વારા કરાતા એન્ડોર્સમેન્ટને કારણે. બીજી તરફ નાના ઉત્પાદકોની પ્રોડક્ટ્સ ગ્રાહકો અને દુકાનદારો વચ્ચેના વન-ટુ-વન કોન્ટેક્ટથી તથા મીડિયમ અને લોઅર-મીડિયમ ઇનકમ ગ્રુપ્સના કે આર્થિક પછાત વર્ગોના લોકોમાં જે-તે પ્રોડક્ટ અંગેના પોતાના અનુભવ બાબતે તેમની વચ્ચે થતી વાતચીતના આધારે વેચાય છે.
ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રિટેલ માર્કેટ
ભારત સરકારના ઇન્વેસ્ટ ઇન્ડિયા પોર્ટલ મુજબ ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું 793 અબજ ડોલરનું માર્કેટ છે અને વર્ષ 2030 સુધીમાં આ માર્કેટ દોઢ લાખ કરોડ ડોલરનું થઇ જવાનો અંદાજ છે. ખંડેલવાલે ઉમેર્યું કે જો સરકાર નોન-કોર્પોરેટ સેક્ટરને જરૂરી સપોર્ટ પોલિસીઝ આપે અને ઇ-કોમર્સ કંપનીઓ માટેની નીતિ અને કાયદાનું તેમની પાસેથી કડકપણે પાલન કરાવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન અનુસાર દેશમાં રિટેલ ટ્રેડ નવી ઊંચાઇઓ સુધી પહોંચી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.