મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફ બાલુ ધનોરકરે નાણામંત્રી નિર્મલા સીતારામનને એક પત્ર લખીને પૂર્વ સાંસદોનું પેન્શન બંધ કરવાની અપીલ કરી છે. પૂર્વ સાંસદો પાછળ દર વર્ષે કરોડોનો ખર્ચ થાય છે એટલે તેમણે આર્થિક રીતે સંપન્ન સાંસદોનું પેન્શન તાત્કાલિક ધોરણે બંધ કરવાનું પણ સૂચન કર્યું છે.
ધનોરકરે પત્રમાં લખ્યું છે કે, હાલ દેશમાં લોકસભા અને રાજ્યસભાના કુલ 4,796 પૂર્વ સાંસદ છે, જેમના પેન્શન પાછળ દર વર્ષે રૂ. 70 કરોડનો ખર્ચ થાય છે. આ સિવાય પણ 300 પૂર્વ સાંસદ એવા છે, જેમનું નિધન થઈ ગયું છે અને તેમના પરિવારજનોને પેન્શન મળી રહ્યું છે.
રાહુલ બજાજ, સંજય દાલમિયા, રેખા, ચિરંજીવી જેવા ધનિક સાંસદોને પેન્શન
ધનોરકરે આ પત્રમાં એ પૂર્વ સાંસદોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જે આર્થિક રીતે મજબૂત છે અને છતાં પેન્શન લઈ રહ્યા છે. તેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર ઐયર, રેખા અને ચિરંજીવી સામેલ છે. આવા ધનિક સાંસદોનું પેન્શન બંધ કરવા સૂચન કરતા તેમણે કહ્યું છે કે, આવા પૂર્વ સાંસદો જે આવકવેરાના 30% સ્લેબમાં આવે છે, તેમને પેન્શનનો લાભ નહીં મળવો જોઈએ. મને વિશ્વાસ છે કે, એક પણ દેશભક્ત પૂર્વ સાંસદને આ નિર્ણય સામે વાંધો નહીં હોય.
{ 2019માં લોકસભા ચૂંટણી જીતનારા 539 સાંસદમાંથી 475 કરોડપતિ છે. ભાજપના 301 સાંસદમાંથી 265 સાંસદ કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 51માંથી 43 કરોડપતિ છે. એવી જ રીતે, ડીએમકેના 96% અને તૃણમૂલના 91% સાંસદ કરોડપતિ છે.
કાયદોઃ એક દિવસ માટે સાંસદ બને તો પણ પેન્શનના હકદાર
એવો કોઈ જ નિયમ નથી કે, સાંસદ કે ધારાસભ્યે પેન્શનનો લાભ લેવા એક ચોક્કસ સમય સુધી હોદ્દા પર રહેવું જોઈએ. તેથી કોઈ એક દિવસ માટે પણ સાંસદ કે ધારાસભ્ય બની જાય તો પણ તેમને આજીવન પેન્શન મળે છે. એટલું જ નહીં, પેન્શન સિવાયની સુવિધાઓ પણ મળે છે. વળી, કોઈ સાંસદ ધારાસભ્ય બની જાય તો તેને સાંસદના પેન્શનની સાથે ધારાસભ્યનો પગાર પણ મળશે. અને ધારાસભ્ય નહીં રહે તો સાંસદ-ધારાસભ્ય બંનેનો પગાર મળશે. આ ઉપરાંત પૂર્વ સાંસદ કોઈ સાથીદાર સાથે કોઈ પણ ટ્રેનમાં સેકન્ડ એસીમાં ફ્રીમાં પ્રવાસ કરી શકે છે. જો તેઓ એકલા પ્રવાસ કરતા હોય તો ફર્સ્ટ એસીમાં પણ કરી શકે છે.
પેન્શનઃ લોકસભાના કાર્યકાળ માટે 25, રાજ્યસભા માટે 27 હજાર
લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગાર-પેન્શન માટે 1954થી કાયદો છે, તેમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા છે. લોકસભાનો એક કાર્યકાળ એટલે કે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે માસિક રૂ. 25 હજાર પેન્શન મળે છે. એવી જ રીતે, રાજ્યસભામાં છ વર્ષનો એક કાર્યકાળ પૂરો થાય ત્યારે માસિક રૂ. 27 હજાર પેન્શન મળે છે. આમ, કોઈ બે વાર એટલે કે 12 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે તો દર મહિને રૂ. 39 હજાર પેન્શન મળે છે. એક અહેવાલ પ્રમાણે આરટીઆઈ જવાબમાં સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસે જણાવ્યું હતું કે, પૂર્વ સાંસદોના પેન્શન પાછળ 2021-22માં રૂ. 78 કરોડથી વધુ ખર્ચ થયો હતો, જ્યારે 2020-21માં આ આંકડો રૂ. 99 કરોડથી પણ વધુ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.