પુડુચેરીમાં શ્વાસ અધ્ધર કરનારી ઘટના:સ્કૂટરમાં ફટાકડા લઈને જતી વખતે માર્ગ પર વિસ્ફોટ થયો, પિતા અને 7 વર્ષના દીકરાનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તામિલનાડુમાં દિવાળીના દિવસે ચાલુ સ્કૂટરમાં માર્ગ વચ્ચે ફટાકડામાં વિસ્ફોટ થયો. ઘટનામાં પિતા અને તેમના 7 વર્ષના દીકરાનું મોત નીપજ્યાં હતાં. પિતા અને દીકરો બન્ને ફટાકડા ખરીદીને પરત ફરી રહ્યા હતા. જે બેગમાં ફટાકડા લઈને જઈ રહ્યા હતા એમાં ઓચિંતા જ વિસ્ફોટ થયો હતો અને બન્નેનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, મૃતકોની ઓળખ અરિયાનકુપ્પમ કે કલૈનેસન (37) તરીકે થઈ છે. તેમના 7 વર્ષના દીકરા પ્રદીપની સાથે ફટાકડાને લઈ પુડુચેરી તરફ જઈ રહ્યા હતા. ઘટના પુડુચેરી-વેલ્લુપુરમ સરહદ પર કોટ્ટાકુપ્પમ શહેરની છે. આ ઘટના નજીક આવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી.

વિસ્ફોટ બાદ 10-15 મીટર દૂર જઈને પડ્યા
પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા CCTV ફૂટેજમાં કલૈનેસન સ્કૂટર પર દેખાય છે. જ્યારે તેમનો દીકરાએ બેગ પકડી રાખેલી છે. પોલીસે કહ્યું- કોટ્ટાકુપ્પમ પાસે ફટાકડામાં વિસ્ફોટ થયો અને બન્ને સ્કૂટરથી 15-20 મીટર દૂર જઈ પડ્યા હતા. વિસ્ફોટથી 3 અન્ય મોટરચાલક-ગણેશ (45), સૈયદ અહેમદ (60), અને વિજી આનંદ (36)ને ગંભીર ઈજા પહોંચી હતી. આ તમામને પુડુચેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણેય વાહન પણ નુકસાનગ્રસ્ત થયા છે.

બે બેગમાં દેશી ફટાકડા હતા, કેસ દાખલ કરવામાં આવ્યો
વિલ્લુપુરમના DIG એમ પાંડિયન અને SP એન શ્રીનાથના ઘટનાસ્થળનું અવલોકન કરાયું. શ્રીનાથે કહ્યું-કલૈનેસને 3 નવેમ્બરના રોજ પુડુચેરીથી નાટ્ટુ પટ્ટાસુ (દેશી ફટાકડા)ની બે બેગ ખરીદી હતી અને તેને સાસરામાં રાખ્યા હતા. દિવાળીના દિવસે તેઓ કૂનીમેદુથી એક બેગ લઈ પુડુચેરી તરફ જઈ રહ્યા હતા, એ દિવસે દુર્ઘટના થઈ છે. એવું પણ બની શકે છે ફટાકડામાં ગરમીને લીધે વિસ્ફોટ થયો છે. પોલીસે કુનીમેદુથી દેશી ફટાકડાની એક બોરીને જપ્ત કરી છે અને ભારતીય દંડ સંહિતા તથા વિસ્ફોટક અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યા છે.

ફટાકડા ફોડવા પર ચેન્નઈમાં 700 લોકો સામે FIR
દરમિયાન ચેન્નઈ પોલીસે 700થી વધારે લોકો સામે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે સવારે 6થી 7 વાગ્યા તથા સાંજના 7થી 8 વાગ્યા વચ્ચે ફટાકડા ફોડવાનો સમય નક્કી કર્યો હતો. આ અગાઉ શહેરમાં ફટાકડાની દુકાન સંચાલિત કરવા માટે નક્કી કરવામાં આવેલ નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં 239 દુકાનદારો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.