ઉત્તરપ્રદેશના હમીરપુરમાં 12 એપ્રિલે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે એક ગુટકાના વેપારીના ઘરે રેડ કરી હતી. આ દરમિયાન વેપારી પાસેથી 6 કરોડ 31 લાખ 11 હજાર આઠ સો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ પૈસાને ગુટકા કારોબારીએ બેડ બોક્સની અંદર રાખ્યા હતા.
18 કલાક સર્ચ-ઓપરેશન ચાલ્યું
આ પૈસાની ગણતરી કરવા માટે સ્ટેટ બેન્કના કર્મચારી ત્રણ મશીન અને મોટી ટ્રક લઈને આવ્યા હતા. લગભગ 18 કલાકની ગણતરી પછી રૂપિયાને ટ્રકમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. ટીમની સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે આ અંગે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે જોઈન્ટ કમિશનરે સર્ચ વોરન્ટ આપ્યું હતું. એની પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો
સમેરપુરમાં રહેતા ગુટકાના વેપારી જગત ગુપ્તાને ત્યાં સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે રેડ કરી હતી. 15 સભ્યની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી 12 એપ્રિલના સવારના 6 વાગ્યાથી શરૂ થઈ હતી, જે 13 એપ્રિલની સાંજ સુધી ચાલી હતી. રાત થતાં બેન્કના કર્મચારીઓ રૂપિયા રાખવા માટે મોટી ત્રણ ટ્રક લઈને પહોંચ્યા હતા.
બોક્સમાં કરોડો રૂપિયા હોવાનું અનુમાન
ટ્રકમાં રૂપિયા મૂકીને એને હમીરપુરની સ્ટેટ બેન્કમાં મોકલવામાં આવ્યા છે. હાલ એમ કહેવાઈ રહ્યું છે કે વેપારીએ જીએસટી ડોક્યુમેન્ટમાં જે હેરાફેરી કરી છે એ અલગ છે. બોક્સમાં ભરેલા રૂપિયા કરોડોમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમની સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે તેમને જોઈન્ટ કમિશનરે સર્ચ વોરન્ટ આપ્યું હતું, એ અંતર્ગત કાર્યવાહી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.