• Gujarati News
  • National
  • 6.1 Magnitude Earthquake Shakes Northern India, People Rush Out Of Homes In Delhi NCR

ઉત્તર ભારતમાં ભૂકંપ:તાજિકિસ્તાનમાં 6.1નો ભૂકંપ; 3 દેશ અને ભારતના જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉ.પ્ર., પંજાબ, હરિયાણામાં અસર

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીમાં ભૂકંપ આવ્યા બાદ ડરીને લોકો ઘરની બહાર નીકળી ગયા. - Divya Bhaskar
દિલ્હીમાં ભૂકંપ આવ્યા બાદ ડરીને લોકો ઘરની બહાર નીકળી ગયા.

તાજિકિસ્તાન, પાકિસ્તાન અને ભારત તથા દેશનાં 7 રાજ્યમાં રાત્રે 10:31 વાગ્યા સુમારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત સંપૂર્ણ ઉત્તર ભારતમાં આ આંચકા અનુભવાયા હતા, જોકે એનાથી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં જમીન નીચે 10 કિ.મી. ઊંડે હતું. એની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 મપાઈ હતી. ભૂકંપના ડરથી અનેક લોકો ઘરોથી બહાર દોડી આવ્યા હતા. અમૃતસરમાં અમુક ઘરોમાં તિરાડ પડી હોવાના અહેવાલ હતા, જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં પણ શુક્રવારે 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિકાનેરથી લગભગ 420 કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં હતું. આ ભૂકંપ ભારતીય સમયનુસાર સવારે 8:01 વાગ્યે આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર, દિલ્હીમાં લોકો ગભરાટને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકો મોડી રાત સુધી ઘરમાં જતાં ડરતા હતા.

ભારત આશરે 47 મિ.મી. પ્રતિ વર્ષની ઝડપે એશિયા સાથે અથડાઈ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે ભારત આશરે 47 મિલીમીટર પ્રતિ વર્ષની ઝડપે એશિયા સાથે અથડાઇ રહ્યું છે. ટેક્ટોનિક પ્લેટોમાં આ ટક્કરને કારણે જ ભારતીય ઉપખંડમાં અનેકવાર ભૂકંપ આવતા રહે છે. ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા આવા જ ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે ભૂજળમાં ઘટાડો થવાથી ટેક્ટોનિક પ્લેટોની ગતિ ગત થોડાક સમયમાં ધીમી પડી છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ,6 કે એથી વધુના રિક્ટર સ્કેલ પર આવતા ભૂકંપ ખતરનાક હોય છે. તાજિકિસ્તાનમાં શુક્રવારે બપોરે પણ ભૂકંપના 2 આંચકા આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે વર્ષ 2005ના ભૂકંપ બાદ કોઈ આંચકાએ ઘરની બહાર નિકળવા માટે મજબૂર કરી દીધા છે. મેં એક કાબળો ઉઠાવ્યો અને ભાગ્યો. ધરતી ધ્રૂજી રહી હતી, તો મને ફોન સાથે લેવાનું પણ યાદ ન રહ્યું.

આ તસવીર શ્રીનગરની છે. આ તસવીર ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર શેર કરી.
આ તસવીર શ્રીનગરની છે. આ તસવીર ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર શેર કરી.

બે મહિના પહેલાં પણ અનુભવાયા હતા આંચકા
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી, જેનું એપી સેન્ટર રાજસ્થાનનું અલવરમાં હતું.

6 કે એનાથી વધુની તીવ્રતાવાળો ભૂકંપ ખતરનાક હોય છે
ભૂગર્ભ વૈજ્ઞાનિકો મુજબ, ભૂકંપનું સાચું કારણ ટેક્ટોનિક પ્લેટમાં જોરદાર હલચલ છે. આ ઉપરાંત ઉલ્કા પ્રભાવ અને જ્વાળામુખી વિસ્ફોટ, માઈટ ટેસ્ટિંગ અને ન્યૂક્લિયર ટેસ્ટિંગને કારણે પણ ભૂકંપ આવતા હોય છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ સ્કેલ પર 2 કે 3ની તીવ્રતાવાળો ભૂકંપ સામાન્ય ગણાય છે, જ્યારે 6ની તીવ્રતાવાળો ભૂકંપ શક્તિશાળી ગણાય છે.

ભારતીય ઉપમહાદ્વીપમાં અનેક વિસ્તારોમાં જોખમ
ભારતને ભૂકંપના ક્ષેત્રના આધારે ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5માં વહેંચવામાં આવેલું છે. ઝોન-2 સૌથી ઓછું જોખમ ધરાવતા વિસ્તારો અને ઝોન-5 એટલે સૌથી વધારે જોખમ ધરાવતા વિસ્તારો માનવામાં આવે છે. ઝોન-5માં કાશ્મીર, પશ્ચિમી અને મધ્ય હિમાલય, ઉત્તર અને મધ્ય બિહાર, ઉત્તર-પૂર્વ ભારતીય ક્ષેત્ર, કચ્છનું રણ તથા આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહનો સમાવેશ થાય છે.

મધ્ય ભારત ઓછા જોખમવાળા ઝોન-3માં આવે છે, જ્યારે દક્ષિણના મોટા ભાગના વિસ્તારો મર્યાદિત જોખમવાળા ઝોન-2માં આવે છે. જ્યારે ઝોન-4માં જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, ઉત્તર બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.