તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનમાં જબરજસ્તીથી ધર્મપરિવર્તન:સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારના 60 હિન્દુને ઈસ્લામ ધર્મ કબૂલ કરવા મજબૂર કરાયા, વીડિયો વાઇરલ

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • પાક.માં સંસદીય સમિતિ હોવા છતાં ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે કોઈ કાર્યવાહી નહિ
  • હવે એવા દિવસો દૂર નથી કે અહીં એકપણ હિન્દુ હશે નહિઃ ડો.રાજકુમાર વણઝારા

પાકિસ્તાનમાં એક વખત ફરી જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એકસાથે 60 હિન્દુને ઈસ્લામ ધર્મ પાળવા મજબૂર કરાયા છે. ધર્મપરિવર્તન જે સમયે કરાયું એ સમયનો પણ વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીરપુર અને મીઠી વિસ્તારનો છે, જે જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવાનું ગઢ બની ગયો છે.

નિજામનીએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર આ વીડિયો મૂક્યો
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે એક મૌલવી 60 હિન્દુને ઈસ્લામના શપથ લેવડાવી રહ્યો છે અને ધર્મપરિવર્તન કરાવી રહ્યો છે. આ વીડિયો 7 જુલાઈનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પાકિસ્તાનના સિંધના મતલી નગર સમિતિના અધ્યક્ષ અબ્દુલ રઉફ નિજામનીએ પોતાની ફેસબુક પ્રોફાઈલ પર આ વીડિયો મૂક્યો છે.

મિયા મિઠ્ઠુ ગરીબ હિન્દુ છોકરીઓનું અપહરણ કરાવવા માટે કુખ્યાત
તેમણે આ અંગેનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે અલ્હામ્દુલિલ્લાહ આજે મારી નજર સમક્ષ 60 લોકો મુસલમાન થયા છે. મોટે પાયે થયેલા આ ધર્મપરિવર્તન પાછળ સિંધના કુખ્યાત મૌલવી મિયાં મિઠ્ઠુ અને અબ્દુલ રઉફ નિજામનીનો હાથ હોવાનું કહેવાઈ રહ્યું છે. મિયા મિઠ્ઠુ પાકિસ્તાનમાં ગરીબ હિન્દુ છોકરીઓનું અપહરણ અને જબરજસ્તીથી ધર્મપરિવર્તન કરાવવા માટે કુખ્યાત છે.

કરાચીના ડો.રાજકુમાર વણઝારાએ કર્યો કટાક્ષ
આ પહેલાં પણ મૌલવી મિયાં મિઠ્ઠુ અત્યારસુધીમાં પાકિસ્તાનમાં ઘણા હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવી ચૂક્યો છે. તેને લઈને પાકિસ્તાનના હિન્દુઓ ભયભીત છે. કરાચીના ડો.રાજકુમાર વણઝારા જે હિન્દુઓ પર થતા અત્યાચારોની વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે, તેમણે આ ઘટના પર કટાક્ષ કર્યો અને પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે તમામને અભિનંદન, ચિંતા ન કરો પાકિસ્તાન ઝડપથી 100 ટકા મુસ્લિમ દેશ બનવા જઈ રહ્યો છે. આજે 60 હિન્દુઓનું ધર્માતરણ કરાયું છે.

એ દિવસો દૂર નથી કે અહીં એકપણ હિન્દુ બચશે નહિઃ રાજકુમાર
રાજકુમારે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ધર્મપરિવર્તન હવે સામાન્ય થઈ ગયું છે. ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. બધું જાહેરમાં થાય છે. હવે એ દિવસો દૂર નથી કે અહીં એકપણ હિન્દુ બચશે નહિ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ધર્મપરિવર્તન પર એક સંસદીય સમિતિની રચના કરી છે, જે બળજબરીથી થતા ધર્મપરિવર્તનને રોકવા પર કામ કરી રહી છે. જોકે ઈમરાન ખાનના નવા પાકિસ્તાનમાં હવે આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...