હોલી રંગો વિના કઈ રીતે રંગીન હોઈ શકે છે. એક બાજુ બજારમાં સિન્થેટિક કે કેમિકલ કલર્સ અને ગુલાલથી સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે, ત્યાં જ શહેરના લોકો નેચરલ રંગો તરફ આકર્ષિત થઈ રહ્યા છે. કેમિકલ રંગોથી લોકોને બચાવવા માટે જયપુરનું એક ગામ સંપૂર્ણ રીતે જોડાઇ ગયું છે. આ લોકો ગોબરથી ગુલાલ એટલે ગોયમ ગુલાલ બનાવી રહ્યા છે. આ કામમાં 64 પરિવારોની મહિલાઓ જોડાઇ ગઈ છે. આ મહિલાઓ પહેલાં બકરીઓ અને ગાયો ચરાવતી હતી. ખેતીનું કામ કરતી હતી. હવે પરિવારની લોન ચૂકવી રહી છે. ઇલાજનો ખર્ચ ઉઠાવી રહી છે.
જોકે, જયપુરમાં રહેનાર ગઉ સાર એનજીઓના સંચાલક સંજય છાબડા આ પહેલને આગળ વધારી રહ્યા છે. સંજયે જણાવ્યું કે આ ગુલાલ સંપૂર્ણ રીતે ઓર્ગેનિક હોવાની સાથે જ હેલ્થ માટે 100 ટકા સુરક્ષિત છે.
સંજયના જણાવ્યા પ્રમાણે તેમાં સુગંધ માટે પણ એકદમ પ્રાકૃતિક રીત અપનાવવામાં આવી છે, જેમાં ફૂલોની સુગંધ મિક્સ કરવામાં આવી છે. જોકે, ગોબરની દુર્ગંધને દૂર કરવા માટે સૌથી પહેલાં તેને તડકામાં સૂકવવામાં આવે છે. તે પછી ગુલાલ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે.
ફ્રીમાં આપવામાં આવે છે
આ પહેલને જયપુર પાસે કેશવપુરા ગામના 64 પરિવાર આકાર આપી રહ્યા છે. આ પરિવાર ગુલાલ બનાવવાની પ્રોસેસ સાથે જોડાયેલો રહે છે. ગુલાલ બનાવ્યા પછી તેનું ફ્રીમાં વેચાણ પણ કરવામાં આવે છે. આવતા વર્ષે આ પ્રોડક્ટને માર્કેટમાં ઉતારશે, જે અન્ય હર્બલ ગુલાલની રેન્જમાં લોકો માટે ઉપલબ્ધ રહેશે.
સંજયે જણાવ્યું કે મોટાભાગના પશુપાલક દૂધ આપવામાં અસમર્થ ગાયોને નિરાધાર છોડી દે છે. જો ગોમય ઉત્પાદનની ડિમાન્ડ વધશે તો તેમના ગૌમૂત્ર અને ગોબરની મહત્તાથી જ તેમનું સંરક્ષણ થવા લાગશે. આ રોજગારનો પણ સારો માર્ગ છે. કેશવપુરામાં આ ગુલાલ બનાવનારા 64 પરિવારોને પણ આર્થિક મદદ મળશે.
ગામમાં ગોબરથી ગુલાલ સિવાય પણ અન્ય પ્રકારનાં ઉત્પાદન બનાવવામાં આવી રહ્યાં છે. તેમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ, ટાઇલ્સ, ઘડિયાળ, નેમ પ્લેટ, કી-રિંગ અને રાખડી જેવી પ્રોડક્ટ પણ સામેલ છે.
ગાયના પેટમાંથી પ્લાસ્ટિક થેલી બહાર આવી તો પ્લાન બનાવ્યો
સંજયે જણાવ્યું કે, લગભગ ચાર વર્ષ પહેલાં ગાયોની સેવા માટે હેગોનિયા ગૌશાળા ગયા, જ્યાં એક ગાયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના પેટમાંથી અનેક કિલોગ્રામ પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી હતી. આ જોઈને નક્કી થયું કે ગાયોની સાચી સેવા માટે એક ટીમ બનાવીને કામ કરવું પડશે. તે પછી મેં એક એનજીઓ બનાવી અને ગાયના છાણમાંથી ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. ગામની પસંદગી કર્યા બાદ ત્યાંના લોકોને પણ જોડ્યા. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આ પરિવારોએ 20 લાખ રૂપિયાની આવક મેળવી છે. અમે પહેલાં મહિલાઓને ટ્રેનિંગ આપીએ છીએ અને પછી વિવિધ ઉત્પાદન બનાવીએ છીએ.
સંજયે જણાવ્યું કે- ગાયની સેવા માટે જ્યારે એનજીઓ બનાવ્યું ત્યારે ગોબરથી બનતી પ્રોડક્ટ્સની જાણકારી મળી. જેની થોડા લોકોને ટ્રેનિંગ અપાવી અને પછી ગામના લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપી. ત્યાર બાદ તેઓ પ્રોડક્ટ બનાવવા લાગ્યાં. બે વર્ષ પહેલાં ગોબરથી ગુલાલ બનાવવા અંગે જાણકારી મળી.
તે પછી અમે દેશભરમાં વિવિધ જગ્યાએ વિઝિટ કરી. તેના માટે અનેક જગ્યાએ વિવિધ રિસર્ચ કરવા જવું અને પછી અમારી ટીમના સભ્યોને ટ્રેનિંગ કરાવવામાં આવી. તે પછી ગામના લોકોને ગુલાલ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી.
થોડી મહિલાઓને ગુલાલ કેવી રીતે બને છે તે જોવા માટે દેશના વિવિધ ભાગમાં વિઝિટ કરાવવામાં આવી. ગામમાં વિવિધ જગ્યાએ મહિલાઓ ગ્રુપમાં અને પોતાના ઘરમાં ગુલાલ બનાવવાને લઇને કામ કરે છે. ગામમાં આ વખતે મોટાભાગની જગ્યાએ હોળી ઉપર આ ગુલાલનો પ્રયોગ કરવામાં આવશે.
ગોબરની રાખડી, ટાઇલ્સ અને ઘડિયાળ પણ બનાવી ચૂક્યા છે
ગુલાલ બનાવતાં પહેલાં ગોબરથી રાખડી, મૂર્તિ, ટાઇલ્સ, ઘડિયાળ, નેમ પ્લેટ પણ તૈયાર કરવામાં આવી છે. આ વખતે રક્ષાબંધનના તહેવાર માટે ગોબરથી બનેલી રાખડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ગામની મહિલાઓ મળીને ગોબરથી રાખડીઓનું નિર્માણ કરે છે. જેમાં ગોબર સાથે ગૌમૂત્ર અને હળદરનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે.
ગોબરની રાખડી પર્યાવરણ માટે પણ શ્રેષ્ઠ છે. ગાયના ગોબર સાથે હળદર એક એન્ટિ બાયોટિક તરીકે મિશ્રણમાં ભેળવવામાં આવે છે, જેથી ગોબર અને હળદરવાળી રાખડી સ્વસ્થ રાખે. તેને નાડાછડીના દોરાની જેમ તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી જેટલી પણ પ્રોડક્ટ બની, તેના માટે ગામના લોકોને 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ગુલાલ બનાવવા માટે અત્યાર સુધી 5 લાખ રૂપિયાની આવક મહિલાઓને થઈ છે
ગોબરના પ્રોડક્ટથી થયેલી કમાણીથી ગામના લોકોની સ્થિતિ સુધરી
ગોબરથી ગુલાલ બનાવવા માટે ગૌ સાર એનજીઓની ટ્રેનર પારુલ હલ્દિયાએ ગામની બધી મહિલાઓને ગોબરની પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ આપી છે.
આ ગામમાં રહેતી પ્રિયંકા સૈનીએ જણાવ્યું - આ કામથી મેં મારી માતાના ઓપરેશનનો ખર્ચ ઉઠાવ્યો, જે ગૌ સારના માધ્યમથી હોળી અને દિવાળીનું કામ કરવાથી શક્ય બન્યું.
મમતા દેવીએ કહ્યું- મેં અહીંથી થયેલી આવકથી મારાં બાળકો માટે કપડાં અને પુસ્તકો ખરીદ્યાં હતાં. મેં મારા પતિને તેના નાના ધંધામાં પણ મદદ કરી.
ચાર દીકરીઓની માતા સુનીતા દેવીએ જણાવ્યું કે, તેમણે મહેનત કરીને પૈસા કમાયા છે, જેથી તેમની દીકરીઓનું ભણતર અને ઘરખર્ચ સરળતાથી ચાલી રહ્યો છે.
છોટી દેવીએ જણાવ્યું કે- તેમની પાસે બકરીના ઉછેર સિવાય આવકનું બીજું કોઈ સાધન હતું નહીં. આ કામથી કમાયેલા પૈસા તેમણે પોતાના પરિવારમાં ખર્ચ્યા હતા. તેમણે પોતાનું દેવું પણ ચૂકવી દીધું.
60 વર્ષીય પપીતા દેવીએ જણાવ્યું કે- આ ઉંમરે પણ તેઓ બકરી ઉછેરમાંથી પોતાનો ખર્ચ ચલાવતી હતી, પરંતુ હવે ગોમયની વસ્તુઓ બનાવવાથી મળતી આવકમાંથી તેને વધારાની આવક મળી રહી છે, જે તેને એક અલગ જ સુખ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.