અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ એક્સપર્ટ કમિટીની રચના કરશે. ગુરુવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. નિવૃત્ત ન્યાયાધીશ અભય મનોહર સપ્રે કમિટીના ચીફ હશે. જસ્ટિસ સપ્રે ઉપરાંત કમિટીમાં ઓપી ભટ, જસ્ટિસ જેપી દેવદત્ત, એમવી કામથ, નંદન નીલેકણી અને સોમશેખર સુંદરેશનનો પણ સમાવેશ થશે.
સુપ્રીમ કોર્ટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને સેબીના નિયમોની કલમ 19નું ઉલ્લંઘન થયું છે કે કેમ એની તપાસ કરવા પણ નિર્દેશ આપ્યા છે. આ કમિટીને મામલાની તપાસ સોંપવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીના સ્ટોકના ભાવમાં પણ ફેરફાર બાબતનો પણ તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. સેબીએ 2 મહિનામાં સ્ટેટસ રિપોર્ટ આપવો પડશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કમિટીની રચના કરીને બજાર નિયામક સેબીની સ્વતંત્રતા અને તેની તપાસ પ્રક્રિયામાં કોઈ અડચણ નહીં આવે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને ચુકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું- 'અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે. સત્યની જીત થશે'
એક્સપર્ટ કમિટીમાં આ મોટાં નામો સામેલ
નંદન નીલેકણી: દેશને આધાર કાર્ડ, UPI, ફાસ્ટેગ, GST જેવી ટેક્નોલોજી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઈન્ફોસિસના ફાઉન્ડર નંદન નીલેકણીનો આ છ સભ્યની તપાસ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કે. વી. કામથઃ દેશના પ્રખ્યાત બેંકર કે. વી. કામથને તો આપ જાણતા જ હશો. IIM અમદાવાદથી પોસ્ટગ્રેજ્યુએટ, કામથ 1971માં ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન (DFI) ICICIમાં જોડાઈને પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ ICICI બેંકના MD-CEO પણ બન્યા હતા. તેઓ નેશનલ બેન્ક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
અભય મનોહર સપ્રેઃ અભય મનોહર સપ્રે વર્ષ 1978માં બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કર્યા પછી, 1999માં તેઓ એમપી હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ રાજસ્થાન, છત્તીસગઢ અને મણિપુર હાઈકોર્ટમાં પણ જજ રહ્યા છે. તેમને 2014માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2019માં નિવૃત્ત થયા હતા.
ઓપી ભટ્ટ: ઓમ પ્રકાશ ભટ્ટ એક ભારતીય બેંકર છે અને જૂન 2006થી માર્ચ 31, 2011 સુધી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI ચેરમેન)ના ચેરમેન રહ્યા હતા. હાલમાં, તેઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ, ટાટા સ્ટીલ લિમિટેડ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના બોર્ડમાં ઈન્ડિપેંડેન્ટ ડિરેક્ટર તરીકે સામેલ છે.
જસ્ટિસ જેપી દેવધર: બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવનાર નિવૃત્ત જસ્ટિસ જેપી દેવધર 1977માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ 1982થી યુનિયન ઓફ ઈન્ડિયાના વકીલ છે અને 1985થી ઈન્કમટેક્સ વિભાગના વકીલ પણ છે. 12 ઓક્ટોબર, 2001ના રોજ તેમને હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.
સોમશેખર સુંદરેસન: એડવોકેટ સોમશેખર સુંદરેસન કોમર્શિયલ લોમાં વિશેષતા ધરાવે છે.
આ પહેલાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તેઓ મીડિયા રિપોર્ટિંગ ના રોકી શકે. ત્યારે કોર્ટે એવું પણ કહ્યું હતું કે તેઓ આ કેસમાં કમિટી વિશેનો તેમનો નિર્ણય સુરક્ષિત રાખે છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી શકીએ નહીં
સુપ્રીમ કોર્ટે શુક્રવારે અદાણી-હિંડનબર્ગ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી શકીએ નહીં. કોર્ટે કહ્યું હતું કે આ મામલાની તપાસ કરવા માટે તેણે સમિતિની રચના અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ અરજી એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા કરવામાં આવી હતી.
અદાણી-હિંડનબર્ગ કેસમાં 4 અરજી SCમાં
આ મામલામાં અત્યાર સુધીમાં 4 જાહેરહિતની અરજી કરવામાં આવી ચૂકી છે. એડવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસનેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર મુકેશ કુમારે આ અરજી કરી છે. આ મામલે પહેલી સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા તથા જેબી પારડીવાલાએ 10 ફેબ્રુઆરીએ કરી હતી.
અરજીઓમાં FIR નોંધવાની અને તપાસની માગ
હિંડનબર્ગના અહેવાલે રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું હતું
પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંડનબર્ગે શેરોને શોર્ટ સેલ કર્યા હતા, જેને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું તેમજ એવું જણાવાયું છે કે આ રિપોર્ટના કારણે દેશની છબિ ખરડાઈ છે. એની અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. આ સાથે જ રિપોર્ટ પર મીડિયા પ્રચારે બજારોને અસર કરી છે અને હિંડનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસન પણ ભારતીય નિયમનકાર સેબીને તેમના દાવાના પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.