ભારતીય ફાર્મા કંપનીએ યુએસ માર્કેટમાંથી આઇ ડ્રોપ્સનો તેનો માલસામાન પરત મગાવ્યો છે. તાજેતરમાં, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ લોકોને આ દવાની ખરીદી અને ઉપયોગ તાત્કાલિક બંધ કરવા અપીલ કરી હતી. CDC દાવો કરે છે કે આંખના ટીપાં દ્વારા ચોક્કસ ઈન્ફેક્શન ફેલાય છે. અત્યાર સુધીમાં 55 લોકો તેનાથી પ્રભાવિત થયા છે. એક વ્યક્તિનું મોત પણ થયું છે.
ચેન્નાઈમાં બનેલા આઈ ડ્રોપ્સની તપાસ ચાલી રહી છે
આંખના ટીપાંનું નામ એઝરીકેર આર્ટિફિશિયલ ટીયર્સ છે. તેનું ઉત્પાદન ચેન્નાઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા કરવામાં આવે છે. હાલમાં, CDC દવાની ન ખોલેલી બોટલોની તપાસ કરી રહી છે. બીજી તરફ, કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આઇ ડ્રોપ્સના તમામ લોટ એક્સપાયર થયા તે પહેલા પરત મગાવવામાં આવ્યા છે.
દવાથી આંખો ગુમાવવાનું અને મોતનું જોખમ
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન (FDA)એ એક સૂચનામાં જણાવ્યું છે કે આ આંખના ટીપાં કોઈપણ બેક્ટેરિયાથી દૂષિત હોવાની આશંકા છે. લોકોએ તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો જોઈએ. દૂષિત દવાનો ઉપયોગ કરવાથી આંખનું ખતરનાક ઈન્ફેક્શન થઈ શકે છે, તેનાથી આંખ ગુમાવવાથી લઈને મોત સુધીનું જોખમ છે.
12 રાજ્યોમાં 55 લોકો સંક્રમિત છે
CBS ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આઇ ડ્રોપ્સના ઉપયોગથી અમેરિકાના 12 રાજ્યોમાં સ્યુડોમોનાસ એરુગિનોસા નામના બેક્ટેરિયાનો ચેપ ફેલાઈ રહ્યો છે. આ બેક્ટેરિયા માનવ લોહી, ફેફસાં અને અન્ય અંગોને ચેપ લગાડે છે. અત્યાર સુધીમાં 55 લોકો તેનાથી સંક્રમિત થયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય 11 લોકોએ આંખોની રોશની ગુમાવી છે.
બેક્ટેરિયાનો ઈલાજ કરવો અઘરો
હેલ્થ એક્સપર્ટના મતે, હાલ સ્યુડોમોનાસ એરુગિનોસાના ચેપનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આ બેક્ટેરિયા પહેલા કરતા વધુ ખતરનાક બની ગયો છે. હવે સામાન્ય દવાઓથી પણ તેની સરળતાથી સારવાર થઈ શકતી નથી. આ બેક્ટેરિયા પાણી અને જમીનમાં પણ ફેલાઈ શકે છે.
WHOએ 2 ભારતીય દવાઓ પર એલર્ટ જારી કર્યું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOએ ગયા મહિને બે ભારતીય કફ સિરપના ઉપયોગને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વાસ્તવમાં, 22 ડિસેમ્બરે, ઉઝબેકિસ્તાને 19 બાળકોના મૃત્યુ માટે નોઈડાના મેરિયન બાયોટેકમાં બનેલી એમ્બ્રોનોલ અને ડોક-1 મેક્સ કફ સિરપને જવાબદાર ઠેરવી હતી. WHOને પણ તેની તપાસ કરવા કહ્યું.
ગામ્બિયાએ 70 બાળકોનાં મૃત્યુ માટે ભારતમાં બનેલી 4 કફ સિરપને પણ જવાબદાર ગણાવી છે. WHOએ પણ આ કફ સિરપના ઉપયોગ અંગે ચેતવણી જારી કરી હતી. જોકે ભારતે કહ્યું હતું કે અમે કફ સિરપનું પરીક્ષણ કર્યું છે. તેમની ગુણવત્તા યોગ્ય જણાઈ હતી. આ પછી, ગામ્બિયન સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારતીય સીરપને તેમના દેશમાં બાળકોના મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.