દિલ્હી ભાજપના નેતા તજિંદર બગ્ગાને હરિયાણા પોલીસે દિલ્હી પોલીસને સોંપી દીધા છે. દિલ્હી પોલીસ બગ્ગાને લઈને દિલ્હી પહોંચી ગઈ છે. બગ્ગાની પંજાબ પોલીસે શુક્રવાર સવારે દિલ્હીથી ધરપકડ કરી હતી. બગ્ગાને મોહાલી કોર્ટમાં રજૂ કરવા માટે પંજાબ લઈ જવાઈ રહ્યાં હતા. અધવચ્ચે જ પંજાબ પોલીસની ગાડીને હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં રોકી. તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ આમઆદમી પાર્ટીની ઓફિસની બહાર જોરદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યાં પોલીસે બેરીકેડ્સ લગાવ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ બેરીકેડ્સ તોડીને આપની ઓફિસમાં ઘુસવાના પ્રયાસ કરી રહ્યાં છે.
દિલ્હી પોલીસ દ્વારા બગ્ગાને સાથે લઈ જવાના વિરોધમાં પંજાબ સરકારે હાઈકોર્ટમાં પિટીશન કરી છે. સુનાવણી દરમિયાન પંજાબ સરકારે માગ કરી કે બગ્ગાને દિલ્હી જવાથી રોકવામાં આવે. તેને હરિયાણામાં જ રાખવામાં આવે. હાઈકોર્ટે તેમની આ માગ ફગાવી દીધી છે. દિલ્હી અને હરિયાણા પોલીસે પંજાબ પોલીસના કોઈ પણ અધિકારીને ડિટેન કરવાનો ઈનકાર કર્યો છે. આ મામલે હાઈકોર્ટે આજ સાંજ સુધીમાં બંનેને એફિડેવિટ ફાઈલ કરવાનું કહ્યું છે.
પંજાબ સરકારે હરિયાણા પર ખોટી રીતે પંજાબ પોલીસને રોકવાની વાત કરી. જેના જવાબમાં હરિયાણા સરકારે કહ્યું કે દિલ્હી પોલીસની પાસે દિલ્હી કોર્ટને બગ્ગાને શોધવા માટે સર્ચ વોરન્ટ હતો. તેમના મેનેજ પછી જ બગ્ગા અને પંજાબ પોલીસને કુરુક્ષેત્રમાં રોકવામાં આવ્યા. તે આધારે જ તેને રોકવામાં આવ્યા. દિલ્હી પોલીસનું કહેવું હતું કે દિલ્હી કોર્ટે બગ્ગાને શોધવા માટેનું સર્ચ વોરન્ટ જાહેર કરાયું. જે બાદ કોર્ટને જણાવ્યું કે બગ્ગાની લોકેશન હરિયાણાના કુરુક્ષેત્રની આવી રહી છે.
કેજરીવાલને ધમકી આપવામા મામલે કાર્યવાહી
દિલ્હી ભાજપના નેતા બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. સાયબર સેલની ટીમે આ કાર્યવાહી કરી છે. તેની સામે મોહાલી સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બગ્ગાને પંજાબ પોલીસ દ્વારા તપાસમાં જોડાવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે હાજર થયો નહોતો. તેના પર ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ બાબતે દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ છે.
બગ્ગાના નજીકના લોકોના જણાવ્યા મુજબ, 12 ગાડીમાં 50 પોલીસકર્મી તેમના દિલ્હી ખાતેના ઘરે પહોંચ્યા હતા. પરિવારે જણાવ્યું હતું કે પહેલા કેટલાક પોલીસકર્મી ઘરની અંદર આવ્યા હતા. તેમણે થોડીવાર વાત કરી હતી. એ બાદ બહારથી મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓ ઘરમાં ઘૂસી ગયા અને બગ્ગાને પકડીને લઈ ગયા હતા. બગ્ગાનો મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યો હતો. આપ પાર્ટીના નેતા નરેશ બાલ્યાને બગ્ગાની ધરપકડ અંગે માહિતી આપી હતી.
પિતાએ કહ્યું- પોલીસકર્મીઓએ મારા ચહેરા પર મુક્કો માર્યો
તજિન્દર બગ્ગાના પિતા પ્રિતપાલ સિંહે કહ્યું, "પંજાબ પોલીસના કર્મચારીઓ તજિન્દરને ખેંચીને લઈ ગયા હતા. તેને પાઘડી પણ પહેરવા દીધી નહોતી. જ્યારે મેં વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો, મને રોકીને એક રૂમમાં લઈ ગયા. ત્યાં મને મોઢા પર મુક્કો મારવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે મારો ફોન પણ છીનવી લીધો હતો. અરવિંદ કેજરીવાલ મારા પુત્રને બળજબરીથી ફસાવવા માગે છે. આ પછી પ્રિતપાલ બગ્ગા પુત્ર વિશે માહિતી મેળવવા જનકપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
કપિલ મિશ્રાએ કહ્યું- બગ્ગા સાચા સરદાર છે, ડરશે નહીં
ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે બગ્ગા સાચા સરદાર છે. તેને આવી રીતે ડરાવી કે નબળો પાડી શકાતો નથી. મિશ્રાએ જણાવ્યું હતું કે પંજાબ પોલીસનો ઉપયોગ કેજરીવાલ સામે અંગત નારાજગી અને ગુસ્સો ઠાલવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પંજાબ અને પંજાબના જનાદેશનું અપમાન છે.
AAP પ્રવક્તાના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો હતો
પંજાબના મોહાલીમાં દિલ્હીના બીજેપી નેતા બગ્ગા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મોહાલી સાયબર ક્રાઈમ સેલમાં AAP પ્રવક્તા સની આહલુવાલિયાના નિવેદન પર આધારે નોંધવામાં આવ્યું હતું. ફરિયાદી સની આહલુવાલિયાએ બગ્ગા વિરુદ્ધ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ IPCની કલમ 153A, 505, 505(2) અને 506 હેઠળ નોંધવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં બગ્ગાના એક વિવાદાસ્પદ ટ્વીટને ટાંકવામાં આવ્યું છે, જે દિલ્હી વિધાનસભામાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર કેજરીવાલના નિવેદન બાદ કરવામાં આવ્યું હતું. ફરિયાદીના આરોપ છે કે બગ્ગાએ કેજરીવાલને ધમકીભર્યા સ્વરમાં એક પછી એક ટ્વીટ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.