ઉદ્ધવ પછી હવે નીતિશની પાર્ટીમાં પણ ફૂટ:JDUના 6માંથી 5 MLA બીજેપીમાં સામેલ, પાર્ટીએ NDA ગઠબંધન છોડવાના નિર્ણયથી નારાજ

23 દિવસ પહેલા

પટનામાં શનિવારે JDUની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક થાય તે પહેલાં જ પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો છે. મણિપુરમાં JDUના 6માંથી 5 ધારાસભ્યોએ પક્ષપલટો કરી લીધો છે. તે પાંચેય સભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. નોંધનીય છે કે, 2 મહિના પહેલાં એકનાથ શિંદે શિવસેનાના અમુક બળવાખોર ધારાસભ્યો સાથે પાર્ટીથી અલગ થયા હતા અને ત્યારપછી બીજેપી સાથે મળીને સરકાર બનાવી દીધી હતી.

ભાજપમાં સામેલ થનારા જેડીયુના પાંચ સભ્યોમાં કે.એચ.જોયકિશન, એન સનાતે, મોહમ્મદ અછબ ઉદ્દીન, પૂર્વ પોલીસ કમિશનર એએમ ખાઉટે અને થાંગજામ અરુણ કુમાર સામેલ છે.

મણિપુર વિધાનસભા સચિવાલયે પણ આ લોકો ભાજપમાં સામેલ થયા હોવાની માહિતી આપી છે. JDUએ આ વર્ષે માર્ચમાં મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 38 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. તેમાં છ સીટો પર જીત મળી હતી. હવે ત્યાં માત્ર એક જ ધારાસભ્ય JDUમાં વધ્યો છે.

NDA સાથે ગઠબંધન તોડતા નારાજ છે દરેક ધારાસભ્યો
માનવામાં આવે છે કે, દરેક ધારાસભ્યો JDUએ NDA સાથે ગઠબંધન તોડવાના નિર્ણયથી નારાજ છે. આ નિર્ણય નીતિશ કુમારની તે જાહેરાત પછી લેવામાં આવ્યો છે જેમાં તેમણે મણિપુર ભાજપ સરકાર પાસેથી તેમનું સમર્થન પરત લેવાની વાત કરી છે. અહીંથી જ રાજકારણની શરૂઆત થઈ છે. એક બાજુ JDUએ આને ગેરબંધારણીય ગણાવ્યું છે જ્યારે બીજી બાજુ બીજેપીએ આ ધારાસભ્યોનું દિલથી સ્વાગત કર્યું છે.

સુશીલ મોદીએ કહ્યું- બિહારને પણ JDU મુક્ત કરશે લાલુ
બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આ મુદ્દે JDU પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે- અરુણાચલ પછી મણિપુર પણ JDU મુક્ત. ખૂબ જ ટૂંક સમયમાં લાલુજી બિહારને JDU મુક્ત પણ કરી દેશે. તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં પણ JDUના એક ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

બળવો કરી માત્ર 9 દિવસમાં સીએમ પદે પહોંચ્યા હતા એકનાથ શિંદે

એકનાથ શિંદે શિવસેના સામે બળવો કરીને 21 જૂને 30 ધારાસભ્ય સાથે પહેલા સુરત અને પછી ગુવાહાટી જતા રહ્યા હતા. બાદમાં તેમની સાથે શિવસેનાના બીજા કેટલાક અને 11 અપક્ષ ધારાસભ્ય પણ જોડાયા. આ નવ દિવસના ઘટનાક્રમ અને સુપ્રીમ કોર્ટ દ્વારા બહુમતી પરીક્ષણ નહીં ટાળવાનો ચુકાદો આપ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાતે સીએમ પદ અને વિધાન પરિષદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...