• Gujarati News
  • National
  • 5 KM Long Traffic Jam On Delhi Gurugram Expressway Due To Rain; Numerous Incidents Took Place In Other States Including UP, MP

દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ:વરસાદને કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે પર 5 KM લાંબો ટ્રાફિકજામ; UP, MP સહિત અન્ય રાજ્યોમાં અસંખ્ય બનાવો બન્યા

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસું હવે વિદાય લેવાનું છે, પરંતુ વિદાય પહેલાં એક વખત સમગ્ર દેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. UP, MP, રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે.

ગુરુવારે ભારે વરસાદને કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે 5 કિલોમીટર સુધી બ્લોક થઈ ગયો હતો. યુપીના ઈટાવામાં ભારે વરસાદને કારણે એક ઘરની દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 4 બાળકનાં મોત થયાં હતાં.

MP: શિવપુરીમાં મગર ઘૂસી ગયો
ઇન્દોર, જબલપુર, ગ્વાલિયર સહિત 30થી વધુ શહેરોમાં બે દિવસ સુધી વરસાદ વરસી રહ્યો છે. અનૂપપુર જિલ્લામાં સોન નદીમાં ગુરુવારે શાળાના વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. તમામ બાળકો નદી પાર કરીને શાળાએ જતા હતાં. નદીના બીજા છેડે પહોંચતાં બોટ પાણીમાં ડૂબી ગઈ હતી. બોટમાં 18 છોકરી અને 2 છોકરા હતાં, જોકે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં હતાં.

બીજી તરફ, બાલઘાટ જિલ્લામાં બાળકો શાળાએ જવા માટે વહેતા નાળાને પાર કરી રહ્યાં હતાં. નાળામાં લગભગ ત્રણ ફૂટ પાણી હતું. એવામાં એક ગ્રામીણ વિદ્યાર્થીને ખભા પર બેસીને હાથ પકડીને નાળાને પાર કરાવ્યો હતો.

ગુરુવારે સવારે ભારે વરસાદને કારણે શિવપુરીના વોર્ડ 7 ગાયત્રી કોલોની બસ સ્ટેન્ડ રોડ પર મગર ઘૂસી ગયો હતો. એની જાણકારી વન વિભાગને આપવામાં આવી હતી. લોકોએ મગરના ઉપર કપડું કે પોલિથિન નાખી દીધી હતી. સવારે 10 વાગ્યે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મગરનો રેસ્કયૂ કર્યો. રેસ્કયૂ ટીમે જણાવ્યું હતું કે મગરને ચાંદ પાઠા તળાવમાં છોડવામાં આવ્યો છે. આ સીઝનમાં એવી ડઝનેક ઘટનાઓ બની છે.

ભારે વરસાદ દરમિયાન શિવપુરીમાં મગરો વસાહતમાં પ્રવેશ કરે છે. ગુરુવારે પણ એવું જ થયું.
ભારે વરસાદ દરમિયાન શિવપુરીમાં મગરો વસાહતમાં પ્રવેશ કરે છે. ગુરુવારે પણ એવું જ થયું.

ફિરોઝાબાદમાં વરસાદે છેલ્લાં ઘણાં વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે અને શેરીઓ પાણીથી ભરાઈ ગઈ છે. વરસાદને જોતાં BSAએ કાઉન્સિલની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.

રાજસ્થાન: ચુરુમાં વીજળી પડી, ધૌલપુરમાં 4 ઇંચ વરસાદ
રાજસ્થાનમાં ચોમાસાએ પશ્ચિમી ભાગોમાંથી વિદાય લીધી હોય છતાં પૂર્વ રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હજુ પણ સારો વરસાદ વરસી રહ્યો છે, જેનું કારણ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ છે.

ચૂરુ જિલ્લામાં વરસાદ દરમિયાન વીજળી પડવાથી સસરા અને પુત્રવધૂ ઘાયલ થયા હતા. આ દરમિયાન ખેતરમાં બેઠેલી 20 થી વધુ બકરીઓ મૃત્યુ પામી હતી.

હવામાન કેન્દ્ર જયપુરથી મળેલ રીપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 119 મીમી (4 ઇંચથી વધુ) વરસાદ ધોલપુરમાં નોંધાયો હતો, તેમજ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

હરિયાણાઃ રેવાડીમાં 24 કલાકમાં 70MM વરસાદ
બે દિવસથી દક્ષિણ હરિયાણા અને જીટી બેલ્ટના જિલ્લામાં કેટલાક સ્થળો પર છૂટોછવાયો તો કેટલાક સ્થળો પર મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રેવાડીમાં વરસ્યો છે. 24 કલાકમાં 70mm થી વધુ વરસાદ નોંધાયો છે.

દિલ્હી: વરસાદથી દિલ્હી-ગુરૂગ્રામ એક્સપ્રેસ વે પર 5 KM લાંબો જામ
દિલ્હી-NCR માં ગુરૂવારે ભારે વરસાદથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી, નોઇડા, ગુરૂગ્રામ, ફરીદાબાદ, UP સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વૃક્ષ પડવાથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

ગુરૂગ્રામમાં સાંજે હાઈવે પર 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. આ જામ દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર દિલ્હીથી જયપુર જતા માર્ગ પર હતો. ગુરૂગ્રામના વહીવટીતંત્રે શુક્રવારે એક એડવાઈઝરી જાહેર કરીને કર્મચારીઓને ઘરેથી કામ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...