સુપ્રીમના ચાર જજે કહ્યું- નોટબંધીનું પગલું યોગ્ય હતું:એક ન્યાયાધીશે કહ્યું - આ તાકાતનો દુરુપયોગ છે; જે રીતે એનો અમલ કરવામાં આવ્યો એ કાયદેસર નથી

એક મહિનો પહેલા

સુપ્રીમ કોર્ટે આજે નોટબંધીનો ચુકાદો આપતાં કહ્યું હતું કે સરકારે નોટબંધી કરી એ યોગ્ય હતું, કારણ કે કેન્દ્રને નોટબંધી કરવાની સત્તા છે. પાંચમાંથી ચાર જજે આ વાત કરી હતી, પણ એક જજે કહ્યું, સરકાર આ રીતે નોટબંધી કરી શકે નહીં. તેમને આવી કોઈ સત્તા નથી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. પાંચ જજની બંધારણીય બેન્ચે સોમવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે રૂ.500 અને રૂ.1000ની નોટોની પ્રતિબંધની પ્રક્રિયામાં કોઈ અડચણ નથી. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આર્થિક નિર્ણયને પાછા ન લઈ શકાય. બંધારણીય બેન્ચે ચાર-એકની બહુમતીથી આ નિર્ણય સંભળાવ્યો હતો. પાંચ જજોની બંધારણીય બેંચમાં જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને જસ્ટિસ બીવી નાગરત્નનો સમાવેશ થાય છે. જેમાંથી જસ્ટિસ બીવી નાગરત્ને અન્ય ચાર જજોના અભિપ્રાયથી અલગ ચુકાદો લખ્યો હતો. તેમણે કહ્યું કે નોટબંધીનો નિર્ણય ગેરકાયદેસર હતો. તે ગેઝેટ નોટિફિકેશનને બદલે કાયદા દ્વારા લેવાનું હતું. જોકે, તેમણે કહ્યું કે આનાથી સરકારના જૂના નિર્ણયની કોઈ અસર નહીં થાય.
જસ્ટિસ નાગરત્ને કહ્યું- નોટબંધી સંસદ દ્વારા લાગુ થવાની હતી
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું કે નોટબંધી પહેલા સરકાર અને આરબીઆઈ વચ્ચે વાતચીત થઈ હતી. આના પરથી એવું માની શકાય છે કે નોટબંધી એ સરકારનો મનસ્વી નિર્ણય નહોતો. બંધારણીય બેંચે સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો, પરંતુ બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ બી.વી. નાગરત્ને આ પ્રક્રિયાને ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ તાકાતનો દુરુપયોગ છે. જે રીતે તેનો અમલ કરવામાં આવ્યો તે કાયદેસર નથી. નોટબંધી સંસદ દ્વારા લાગુ થવાની હતી.

ચુકાદાના બે દિવસ બાદ બંધારણીય બેંચના અધ્યક્ષ નિવૃત્ત થશે
આ કેસની સુનાવણી કરી રહેલી પાંચ જજની બેંચમાં જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામાસુબ્રહ્મણ્યમ અને જસ્ટિસ બીવી નાગરત્નનો સમાવેશ થાય છે. બંધારણીય બેંચનું નેતૃત્વ કરી રહેલા જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર ચુકાદો જાહેર થયાના બે દિવસ બાદ 4 જાન્યુઆરી, 2023ના રોજ નિવૃત્ત થશે.

ચાર જજે કહ્યું, નોટબંધીની કેન્દ્રને સત્તા છે, એક જજે કહ્યું કે સત્તા નથી

પાંચમાંથી 4 જજે કેન્દ્રને સત્તા છે એવું કહ્યું, એક જજે કહ્યું- ના, કેન્દ્રને સત્તા નથી. આજે નોટબંધી પર સવારથી સુનાવણી થઈ હતી અને કેન્દ્ર સરકારે સુપ્રીમમાં પોતાનો પક્ષ રાખતાં કહ્યું હતું કે RBIની ગાઈડલાઈન્સ મુજબ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોટબંધી પર 58 જેટલી અરજી થઈ હતી જે અમાન્ય ઠેરવાઈ છે. તો આજે આવેલા ચુકાદામાં પાંચમાંથી ચાર જજે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર નોટબંધી કરી શકે, તેમને સત્તા છે. તો એક જજે કહ્યું, નોટબંધી કરવાની સત્તા કેન્દ્રને નથી.

સરકારે 9 નવેમ્બરે એફિડેવિટ દાખલ કર્યું હતું

કોર્ટે આ મામલે સરકાર અને આરબીઆઈ પાસેથી જવાબ મગાવ્યો હતો. કેન્દ્ર સરકારે ગયા વર્ષે 9 નવેમ્બરે દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેથી જ ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ 8 નવેમ્બરે આ નોટોને ડિમોનેટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અરજીમાં દલીલ - કરન્સી રદ કરવાનો અધિકાર નથી
આ કેસમાં અરજદારો દલીલ કરે છે કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ 26(2) સરકારને ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ કરવા માટે અધિકૃત કરતી નથી. કલમ 26(2) કેન્દ્રને ચોક્કસ શ્રેણીની ચલણી નોટો રદ કરવાની સત્તા આપે છે અને સમગ્ર ચલણી નોટોને નહીં.

કેન્દ્રએ કહ્યું હતું- કાળાં નાણાંનો સામનો કરવા માટે નોટબંધી
સુપ્રીમ કોર્ટમાં સરકારે નોટબંધીના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે તે નકલી કરન્સી, આતંકવાદી ભંડોળ, કાળું નાણું અને કરચોરી જેવી સમસ્યાઓનો સામનો કરવાની યોજનાનો ભાગ અને અસરકારક માર્ગ છે. આર્થિક નીતિઓમાં ફેરફાર સંબંધિત શ્રેણીમાં આ સૌથી મોટું પગલું હતું. કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણ પર જ લેવામાં આવ્યો હતો.

કોર્ટમાં સરકારે નોટબંધીના ફાયદા પણ ગણ્યા
કેન્દ્રએ તેના જવાબમાં એમ પણ કહ્યું હતું કે નોટબંધીથી નકલી નોટોમાં ઘટાડો, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો, બિનહિસાબી આવકની તપાસ જેવા ઘણા ફાયદા થયા છે. માત્ર ઓક્ટોબર 2022માં જ 730 કરોડનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયાં હતાં, એટલે કે એક મહિનામાં 12 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન નોંધાયાં છે, જે 2016માં 1.09 લાખ ટ્રાન્ઝેક્શન હતાં, એટલે કે લગભગ રૂ. 6,952 કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં છે.

અન્ય સમાચારો પણ છે...