ભારતમાં ચોથી લહેરના ભણકારા:દેશમાં માર્ચમાં આવી શકે છે ચોથી લહેર, ચીનના સ્મશાનમાં રોજ મૃતદેહોની સંખ્યા 5 ગણી વધતી જાય છે

એક મહિનો પહેલા
ચીનની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી.

ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથે ભારત, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોમાં પણ ચેપ ફેલાવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઓડિશાના આરોગ્ય વિભાગના વિશેષ સચિવ અજિત કુમાર મોહંતીનું કહેવું છે કે ભારતમાં કોરોનાની ચોથી લહેર માર્ચમાં આવી શકે છે.

ચીનના શાંઘાઈની 70% વસતિ કોરોનાથી સંક્રમિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, શાંઘાઈના એક સ્મશાનગૃહમાં દરરોજ 5 ગણી વધુ મૃતદેહો આવી રહ્યા છે, જેને કારણે પરિવારજનોને શોક મનાવવા માટે માત્ર 5થી 10 મિનિટનો સમય મળી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન સબ-વેરિયન્ટ BF.7ના 4 નવા કેસ
આરોગ્ય અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન સબ-વેરિયન્ટ BF.7ના ચાર નવા કેસ મળ્યા છે. આ લોકો તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા. ચારમાંથી ત્રણ લોકો એક જ પરિવારના છે અને નાદિયા જિલ્લાના વતની છે, જ્યારે એક વ્યક્તિ બિહારની છે, પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે. તેમના સંપર્કમાં આવેલા 33 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ ચારેય દર્દીઓની હાલત સ્થિર છે.

હવે જાણીએ કે દુનિયામાં કોરોનાની શું સ્થિતિ છે...

અમેરિકા: ચીન પર લગાવેલા પ્રતિબંધો યોગ્ય છે

વિશ્વના ઘણા દેશોએ ચીનથી આવતા પ્રવાસીઓ પર નિયંત્રણો લાદ્યા છે. એમાં મલેશિયા, કતાર, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરોક્કો, ફ્રાન્સ, યુકે, સ્પેન, યુએસએ, જાપાન, ઇઝરાયેલ, ભારત, ઇટાલી અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. તેના પર ચીન સરકારે આરોપ લગાવ્યો છે કે આ દેશો તેના મુસાફરોને નિશાન બનાવી રહ્યા છે. એના જવાબમાં અમેરિકાએ કહ્યું હતું કે ચીનથી આવનારા લોકો પર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચાર્યા બાદ જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

દક્ષિણ કોરિયાઃ ચીનમાંથી કોરોના સંક્રમિત વ્યક્તિ ગુમ
ચીનથી આવેલી એક કોરોના સંક્રમિત વ્યક્તિ દક્ષિણ કોરિયામાં ગુમ થઈ ગઈ છે. વાસ્તવમાં ચીનથી આવ્યા બાદ તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ તેમને આઈસોલેટ રહેવાની સલાહ આપવામાં આવી હતી. દર્દીને સિઓલની એક હોટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તે ગાયબ થઈ ગયો.

અધિકારીઓનું કહેવું છે કે દર્દીને વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ તેને એક વર્ષની સજા થઈ શકે છે અથવા 6.5 લાખનો દંડ ભરવો પડી શકે છે. દક્ષિણ કોરિયાએ તાજેતરમાં ચીનના પ્રવાસીઓ માટે ટેસ્ટ ફરજિયાત કર્યો છે.

સાઉથ કોરિયાએ ચીનથી આવનારા માટે ટેસ્ટ ફરજિયાત કર્યો છે
સાઉથ કોરિયાએ ચીનથી આવનારા માટે ટેસ્ટ ફરજિયાત કર્યો છે

પાકિસ્તાનઃ 5થી 12 વર્ષનાં બાળકોને રસી અપાશે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 5થી 12 વર્ષની વયનાં બાળકો માટે કોરોના સામે રસીકરણ ફરજિયાત બનાવ્યું છે. કોરોનાની સ્થિતિ અંગેની બેઠકમાં શરીફે બોર્ડર પોઈન્ટ અને એરપોર્ટ પર મુસાફરોની તપાસ કરવાની સૂચના આપી હતી.

જર્મની: માસ્ક ન પહેરવાની સલાહ આપનારા ડોક્ટરને જેલ
એક જર્મન મહિલા ડૉક્ટરને મહામારી દરમિયાન 4,000થી વધુ લોકોને માસ્ક ન પહેરવાની સલાહ આપવા બદલ 2 વર્ષ અને 9 મહિનાની જેલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન મહિલા ડોક્ટરે દલીલ કરી હતી કે માસ્ક પહેરવું લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોર્ટે મહિલા ડોક્ટર પર ત્રણ વર્ષ સુધી પ્રેકિટ્સ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે 29 હજાર 550 ડોલરનો દંડ પણ વસૂલવામાં આવશે.

વિશ્વમાં 66 કરોડ 61 લાખથી વધુ કેસ છે
કોરોના વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વમાં અત્યારસુધીમાં 66 કરોડ 61 લાખ 79 હજાર 80 કેસ નોંધાયા છે. 11 જાન્યુઆરી 2020 ના રોજ ચીનના વુહાનમાં એક 61 વર્ષીય વ્યક્તિનું અવસાન થયું. વિશ્વમાં કોરોનાને કારણે આ પ્રથમ મૃત્યુ હતું. આ પછી મૃત્યુની પ્રક્રિયા વધવા લાગી. અત્યારસુધીમાં 67 લાખ 1 હજાર 574 લોકોનાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...