યુપીમાં ભાજપની શાખ અને ક્ષેત્રીય પક્ષોનું ભવિષ્ય દાવ પર છે. ભાજપ યુપીમાં 2014ની લોકસભા ચૂંટણી, 2017ની રાજ્યની ચૂંટણી અને 2019માં લોકસભા ચૂંટણીમાં મતોના ચરમને સ્પર્શ્યો હતો. હવે ભાજપ સામે આ રેકોર્ડને કાયમ રાખવાનો પડકાર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ દાવો કર્યો છે કે અમે ભારે બહુમતથી જીતીશું. લડાઈ 80 અને 20ની છે. અમારી સાથે 80% છે તો 20% વિરોધી એવા છે જે માથું કાપીને થાળીમાં પીરસીએ તો પણ તે ખુશ નહીં થાય. યુપીમાં જાતીય અને ધાર્મિક સમીકરણ જ નક્કી કરે છે કે સરકાર કોની બનશે? જોકે આ વખતે ચૂંટણી અલગ છે.
સપાને છોડી બસપા-કોંગ્રેસે એકલા ચાલવાની રણનીતિ બનાવી છે. સપાએ રાલોદો, સુભાસપા સહિત અનેક ડઝનેક નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. સપા પહેલીવાર બ્રાહ્મણોને સાંકળવાનો પ્રયાસ કરી રહી છે. બસપા પણ બ્રાહ્મણોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. બ્રાહ્મણોની નારાજગી ઘટાડવા માટે ભાજપે અનેક જતન કર્યા છે. કારણ સ્પષ્ટ છે કે 2017માં રેકોર્ડ 44.3% સવર્ણ ધારાસભ્ય બન્યા હતા જે 2012થી 10% વધુ છે. યુપીમાં શું થશે? તેને લઈને વિશ્લેષક પણ સ્પષ્ટ નિષ્કર્ષ કાઢવાથી બચી રહ્યા છે.
કોરોનાનું મિસમેનેજમેન્ટ, ખેડૂત આંદોલન અને લખીમપુર ખીરી હિંસા જેવા મુદ્દાઓ સાથે વિપક્ષ સત્તાવિરોધી લહેર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ ભાજપના વોટશેરમાં 10થી 12%નો જ ઘટાડો એ પણ મુશ્કેલીથી થશે. અહીં મુસ્લિમ બિગ ફેક્ટર છે. યુપીમાં 143 એવી બેઠકો છે જ્યાં મુસ્લિમ વસતી 20%થી વધુ છે. 2012માં તેમાંથી અડધીથી વધુ બેઠકો જીતી સપાએ સરકાર બનાવી હતી. 2017માં એનડીએએ તેમાંથી 111 બેઠકો જીતી હતી.
નિષ્ણાતોનું માનીએ તો ત્રણ તલાક જેવા સુધારાને કારણે ભાજપને મુસ્લિમ મહિલાઓનો વોટ મળ્યો હતો. મુસ્લિમ સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વહેંચાયેલા છે અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ આ વખતે આ વોટ પર દાવેદારી કરનાર નવો પક્ષ છે. બે દાયકામાં કોંગ્રેસ ક્યારેય 30થી વધુ બેઠક જીતી શકી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.