કેન્દ્ર સરકાર ચીનના ઈરાદાઓનો કાયમી રૂપે ઉપાય લાવવા માટે પૂર્વોત્તરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફ્રન્ટિયર હાઈવે બનાવવા જઇ રહી છે. આશરે 2000 કિ.મી. લાંબો હાઈવે અરુણાચલ પ્રદેશની લાઈફ લાઈન અને ચીન સામે ભારતની કાયમી ગ્રાઉન્ડ પોઝિશન લાઈન પણ સાબિત કરશે. વ્યૂહાત્મક મહત્ત્વની વાત કરીએ તો તે ભારત-તિબેટ વચ્ચે ખેંચાયેલી સીમા રેખા મેકમોહન લાઈનથી થઈને પસાર થશે. અંગ્રેજોના વિદેશ સચિવ હેનરી મેકમેહોને સરહદ તરીકે તે રજૂ કરી હતી અને ભારત તેને જ અસલ સરહદ માને છે, જોકે ચીન તેને ફગાવે છે. આ હાઈવેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(બીઆરઓ) અને નેશનલ હાઈવે ઓર્થોરિટી સાથે મળીને કરશે.
સૈન્ય લોજિસ્ટિક સપોર્ટ આપશે. ફ્રન્ટિયર હાઈવે તવાંગ બાદ ઈસ્ટ કામેંગ, વેસ્ટ સિયાંગ, દેસાલી, દોંગ અને હવાઈ બાદ મ્યાનમાર સુધી જશે. આ ફાયદો થશે : ચીન જ નહીં, મ્યાનમારની સરહદ પણ સુરક્ષિત થશે. સરહદી ક્ષેત્રથી પલાયન રોકવામાં મદદ મળશે. હાઈવેની આજુબાજુ વાઈબ્રન્ટ વિલેજ વિકસિત થવાથી એ સુના ગામો પર નજર રાખી શકાશે જેમને ચીન વસાવી રહ્યું છે.
ત્રણ હાઈવે મળીને એક થશે
અરુણાચલ પ્રદેશમાં બે નેશનલ હાઈવે પહેલાથી જ છે - ટ્રાન્સ અરુણાચલ હાઈવે અને ઈસ્ટ-વેસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર. આ ત્રીજા હાઈવે સાથે રાજ્યના તમામ કોરિડોર પરસ્પર મળી જશે અને દૂરના વિસ્તારો સુધી રોડ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે.
સંપૂર્ણ અરુણાચલને જોડશે
આ હાઈવે અરુણાચલના તમામ મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્રોને કનેક્ટ કરશે. તેમાં તવાંગની કે માગો-થિંગબૂને વિજયનગરથી થઈને અપર સુબનસિરી, દિબાંગ ઘાટી, છાગલાગામ અને કિબિથૂ વચ્ચે હાઈવે કનેક્ટિવિટી અપાશે.
જી20ની બેઠકો પૂર્વોત્તરમાં પણ થશે, પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે
આઈઝોલ | ભારત જી20ની કેટલીક બેઠકો પૂર્વોત્તર રાજ્યોમાં પણ યોજશે, જેથી અહીં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. તે અંતર્ગત એક બેઠક મિઝોરમની રાજધાની આઈઝોલમાં પણ યોજાશે. અહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટ 2022ના ઉદઘાટન વખતે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, સરકારે પૂર્વોત્તર રાજ્યો માટે એક પ્રવાસન સમિતિ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. અહીંના હાઇ-વેની બાજુમાં 100 વ્યૂ પોઇન્ટ પણ બનાવાશે. મિઝોરમમાં નવ વ્યૂ પોઇન્ટ બનાવવાની સાથે તેની શરૂઆત થશે.
ભારતના પેંગોંગ સરોવરમાં નવું લેન્ડિંગ શિપ અને સ્પીડબોટ્સ તહેનાત કર્યા
સૈન્યએ પૂર્વ લદાખમાં પેંગોંગ ત્સો(સરોવર)માં પેટ્રોલિંગ માટે નવું લેન્ડિંગ શિપ અને સ્પીડ બોટ તહેનાત કર્યા છે. તેનાથી 14,000 ફૂટની ઊંચાઈ પર ચીન સરહદે એલએસી પર આવેલા સરોવરમાં ભારતીય સૈન્યની પેટ્રોલિંગ અને નિરીક્ષણ ક્ષમતા વધી ગઈ છે. આ તો ક્ષેત્રમાં ચીનના સૈન્ય પીએલએની તહેનાતીને લઈને જવાબી તૈયારી છે. 2020માં આ ક્ષેત્રમાં ચીનના સૈન્યની પ્રવૃત્તિઓ વધ્યા બાદ ભારતના સૈન્યની ક્ષમતા વધારવા અને તે પાયાના માળખાના વિકાસનો હિસ્સો છે. નવા લેન્ડિંગ ક્રાફ્ટને પાક. સામે ગુજરાતના સર ક્રીકમાં પણ તહેનાત કરાયું છે. લેન્ડિંગ ક્રાફ્ટ 35 સૈનિકો કે એક જીપ અને 12 કર્મીઓને લઈ જવામાં સક્ષમ છે. જોકે સ્પીડ બોટ્સ 35 સમુદ્રી માઈલ(65 કિ.મી.) પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. 2021ની શરૂઆતમાં સૈન્યએ લેન્ડિંગ શિપ અને સ્પીડ બોટ્સ માટે બે કરાર કર્યા હતા. 2021ની બીજી છ માસિકમાં તે સૈન્યને સોંપી દેવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.