રાજસ્થાનના અજમેરના નેશનલ હાઈવે-8 પર રાણીબાગ રિસોર્ટ નજીક ગુરુવારે રાત્રે 12.30 વાગે એલપીજી ભરેલું ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નજીકનો 500 મીટરનો વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો. અકસ્માતમાં 3 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ એક ઈજાગ્રસ્ત મોતને ભેટ્યો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી બે ટ્રક સહિત કેટલાક ટૂ-વ્હીલર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ લાગ્યા બાદ તીવ્ર ધડાકા સંભળાઈ રહ્યા હતા.
મૃતકોમાં ટેન્કરનો ડ્રાઈવર અને માર્બલ બ્લોક લઈ જનાર ટ્રેલરના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. આમાંથી ત્રણને JLN હોસ્પિટલ, અજમેર રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ, મિશ્રીપુરા અને ગરીબ નવાઝ કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં આગ ફેલાઈ ગઈ હતી. 10થી વધુ ઘરો પણ આગની ઝપેટમાં આવી ગયાં હતાં. વિકરાળ આગને કારણે લગભગ 10-12 ઘરોને ખાલી કરાવાયાં છે. આગને કારણે અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હતી.
આ દુર્ઘટનાને નજરે જોનારના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ હાઈવે જામ થઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર સુરાના પોલ ફેક્ટરીના ચોકીદાર હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ધડાકાના અવાજ દૂર સુધી સંભળાયો હતો. માહિતી મળતાં જ કલેક્ટર અંશદીપ અને એસપી ચૂનારામ જાટ પણ રાત્રે 1 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મળતી માહિતી મુજબ, માર્બલ બ્લોક્સથી ભરેલા ટ્રેલર અને એલપીજી ટેન્કર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન અન્ય એક ટ્રેલર સોયાબીન ભરીને મુંબઈથી દિલ્હી જઈ રહ્યું હતું. એનો ડ્રાઈવર, નોખાનો રહેવાસી સુંદર પુત્ર મુનીરામ, અજમેર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અકસ્માતમાં સુંદર ઘાયલ થયો હતો. પોલીસ અન્ય મૃતકો અને ઘાયલોની માહિતી મેળવી રહી છે.
ટેન્કરમાં એલપીજી ગેસ ભરેલો હતો
અજમેર રોડ બાયપાસ અને દેલવારા રોડ બાયપાસ વચ્ચે ગુરુવારે મોડી રાત્રે એલપીજી ગેસ ભરેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. એ બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. ત્યાંથી પસાર થતી સોયાબીન ભરેલી ટ્રક પણ આગની લપેટમાં આવી ગઈ હતી. ત્રણેય વાહન આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આસપાસના વિસ્તારોમાં પણ આગ ફેલાઈ ગઈ હતી.
નેશનલ હાઈવે-8 પર ટ્રાફિકજામ
અકસ્માત બાદ ગત રાત્રિથી નેશનલ હાઈવે-8 ટ્રાફિકજામ થઈ ગયો છે. થોડીવાર માટે બંને તરફનો વાહનવ્યવહાર થંભી ગયો હતો. જોકે લગભગ અઢી કલાક બાદ રાત્રે ત્રણ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ પછી વન-વે શરૂ કરાયો હતો. ડાબર સદર પોલીસ સ્ટેશન દ્વારા માર્ગને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે સવાર સુધી રૂટ ડાઇવર્ટ કરાયો હતો. પોલીસ ફોર્સ પણ સ્થળ પર તહેનાત છે.
આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે
સિટી કાઉન્સિલના ચેરમેન નરેશ કનોજિયાએ જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એલપીજી ગેસને કારણે આગ ઓલવવા છતાં આગ વચ્ચે-વચ્ચે ભભૂકી રહી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.