સ્વતંત્રતા દિવસ પહેલાં, એટલે કે 15 ઓગસ્ટના એક દિવસ પહેલાં સુરક્ષાદળોએ આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. આ આતંકી આયોધ્યામાં આતંકી કૃત્યો કરવાની ફિરાકમાં હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે સ્વતંત્રતા દિવસ પહેલાં શનિવારે ચાર આતંકવાદી અને તેમના સહયોગીઓની ધરપકડ કરી છે. પોલીસે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો છે. જૈશ મોડ્યુલ કથિત રીતે સ્વતંત્રતા દિવસ પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે કહ્યું હતું કે ડ્રોન દ્વારા નાખવામાં આવેલાં હથિયારો એકઠાં કરવા અને કાશ્મીરમાં જૈશના અન્ય આતંકીઓને ઝડપવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસ અનુસાર, તેઓ 15 ઓગસ્ટ પહેલાં જમ્મુમાં એક IED લગાવવાનું ષડયંત્ર રચી રહ્યા હતા અને દેશના અન્ય ભાગોમાં પણ આતંકી કૃત્યો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
પોલીસસૂત્રો અનુસાર, આતંકવાદીઓ પાસે હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાને અંજામ આપવા માટે મોટરસાઈકલ IEDનો ઉપયોગ કરવામાં આવવાનો હતો.
આતંકીઓના એજન્ડામાં પાણીપત, ઓઇલ રિફાઈનરી અને આયોધ્યા હતાં
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પોલીસે સૌપ્રથમ પુલવામાના પ્રિચુ વિસ્તારના મુન્તજીર મંઝુરની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન, આઠ જીવંત રાઉન્ડ કારતૂસ અને બે ચાઇનીઝ ગ્રેનેડ મળી આવ્યાં હતાં. કાશ્મીર ખીણમાં શસ્ત્રોના પરિવહન માટે કથિત રીતે ઉપયોગમાં લેવામાં આવતી ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે. મુન્તાજીર મંઝુરની ધરપકડ બાદ જૈશના અન્ય ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન એક આતંકવાદી ઇઝહાર ખાને પોલીસને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં જૈશના એક કમાન્ડરે, જેની ઓળખ તેના મુનાઝીર ઉર્ફે શાહિદ તરીકે કરી હતી, તેણે તેને પંજાબમાંથી શસ્ત્રો એકત્રિત કરવા જણાવ્યું હતું જે ડ્રોન દ્વારા ફેંકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જૈશ કમાન્ડરે તેમને પાણીપત ઓઇલ રિફાઇનરીની રેકી કરવા જણાવ્યું હતું. તેણે પાકિસ્તાનમાં તેના કમાન્ડરને રિફાઇનરીના વીડિયો મોકલ્યા હતા. આતંકવાદીએ કહ્યું હતું કે ત્યાર બાદ તેને અયોધ્યા રામ જન્મભૂમિ પર રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ એ પહેલાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇઝાર ખાન ઉત્તરપ્રદેશના શામલીનો હોવાનું કહેવાય છે.
અન્ય એક આતંકવાદી ઝડપાયો છે, જેની ઓળખાણ શોપિયાના તૌસીફ અહમદ શાહ તકીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે તેનું કામ જમ્મુમાં ઘર લેવું અને પછી સેકન્ડ હેન્ડ મોટરસાઈકલ ખરીદવું હતું. જેનો ઉપયોગ જમ્મુમાં એક IED વિસ્ફોટ માટે કરવામાં આવવાનો હતો.
જમ્મુ-કાશ્મીર તેમજ દેશની સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર
આ ઘટના પછી જમ્મુ-કાશ્મીર સહિત દેશના અન્ય જિલ્લાઓમાં હાઈ-એલર્ટ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના આતંકીઓ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં હથિયારો મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.