• Gujarati News
  • National
  • FIR Against Minister's Son, Rakesh Tikait Pays Last Respects To Deceased Farmers; Detention On The Way To Priyanka ...

લખીમપુર બબાલ...10 પોઈન્ટ્સમાં જાણો અત્યારસુધીમાં શું-શું થયું:મંત્રીના પુત્ર પર થઈ FIR, રાકેશ ટિકૈતે મૃતક ખેડૂતોનાં અંતિમ દર્શન કર્યાં; પ્રિયંકાની રસ્તામાં જ અટકાયત...

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાકેત ટિકૈતે લખીમપુર પહોંચીને મૃતક ખેડૂતોનાં અંતિમ દર્શન કર્યાં. - Divya Bhaskar
રાકેત ટિકૈતે લખીમપુર પહોંચીને મૃતક ખેડૂતોનાં અંતિમ દર્શન કર્યાં.
  • અજય મિશ્ર ટેની અને તેના પુત્ર આશિષ મિશ્રની વિરુદ્ધ એફઆઈઆર દાખલ
  • હત્યા, અપરાધિક ષડયંત્ર, દુર્ઘટના અને બળવાની ધારાઓ હેઠળ ફરિયાદ નોંધાઈ

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂત પર ગાડી ચઢાવવાના મામલા પછી સમગ્ર રાજ્ય હાઈએલર્ટ પર છે. ખરીથી સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના ગામ બનબીરપુરમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનો રવિવારે કાર્યક્રમ હતો. ડેપ્યુટી સીએમના રૂટ પર કેટલાક ખેડૂતો કાળા ઝંડા લઈને ઊભા હતા, ત્યારે એક બ્લેક જીપે કેટલાક ખેડૂતોને ટક્કર મારી દીધી. એમાં ચાર ખેડૂતાનાં મૃત્યુ થઈ ગયાં, એ પછી થયેલી હિંસામાં ચાર BJP કાર્યકર્તાઓનાં મૃત્યુ થયાં છે.

જાણો કાલથી અત્યારસુધીમાં શું-શું થયું એ વિગતે...

1- ખેડૂતોએ હેલિપેડ સાઈટ પર કર્યો હતો કબજો
ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય આવવાની માહિતી મળતાં જ ખેડૂતોએ મહારાજા અગ્રસેન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં હેલિપેડ સાઈટ પર કબજો કરી લીધો. એને પગલે ડેપ્યુટી સીએમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો અને પછી તેઓ લખનઉથી રોડ માર્ગે લખીમપુર પહોંચ્યા.

2- હાથોમાં કાળા ઝંડા લઈને પહોંચ્યા ખેડૂતો
એ પછી ખેડૂતોએ તિકુનિયામાં કેશવ પ્રસાદ મૌર્યના સ્વાગતમાં લાગેલાં હોર્ડિંગ્સ હટાવી દીધાં. આસપાસના જિલ્લાના ખેડૂતો એકત્રિત થઈને ટેની અને કેશવને કાળા ઝંડા બતાવવા માટે તિકુનિયા-બનબીરપુર પહોંચી ગયા.

મંત્રી અજય મિશ્ર અને તેમના પુત્ર આશિષ મિશ્ર.
મંત્રી અજય મિશ્ર અને તેમના પુત્ર આશિષ મિશ્ર.

3- ખેડૂતોએ મંત્રીના પુત્ર પર લગાવ્યા ગંભીર આરોપ
ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર અશિષ મિશ્ર ઉર્ફે મોનુ અને તેના સમર્થકોએ દેખાવો કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી. એ પછી ખેડૂતોએ મોનુની ગાડી સહિત ત્રણ ગાડીને સળગાવી દીધી.

4- મોટા પ્રમાણમાં ફોર્સ તહેનાત, તપાસ માટે ટીમ મોકલવામાં આવી
તણાવને જોતાં જિલ્લામાં કેન્દ્રીય બળોની પાંચ અને પીએસીની ત્રણ કંપનીને તહેનાત કરવામાં આવી છે. સાવધાનીના ભાગરૂપે જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવ છે. ઘટનાઓના કારણની તપાસ માટે સરકારે અધિકારીઓની એક ટીમને લખીમપુર મોકલી દીધી છે. ટીમમાં અપર મુખ્ય સચિવ(કૃષિ) દેવેશ ચતુર્વેદ, એડીજી(એલઓ), પ્રશાંત કુમાર, લખનઉના મંડલાયુક્ત રંજન કુમાર અને આઈજી રેન્જ લખનઉ લક્ષ્મી સિંહ સામેલ છે.

5- મંત્રીએ કહ્યું, મારો પુત્ર હાજર નહોતો
ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રએ કહ્યું હતું કે ખેડૂતોના દેખાવોમાં સામેલ કેટલાંક તત્ત્વોએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓ, એક ડ્રાઈવરને માર્યો. તેમણે કહ્યું હતું કે ઘટનાસ્થળની પાસે પુત્ર હાજર નહોતો, એનો વીડિયો જ સાક્ષી છે. તેમણે એ પણ દાવો કર્યો કે ભાજપ કાર્યકર્તાઓની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. જેથી વાહન ઊંધું વળી ગયું અને 2 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ થયાં છે.

6- આશિષ મિશ્રનું નિવેદન
સંયુક્ત કિસાન મૌર્ચાએ ફાયરિંગ અને ગાડી ચઢાવવાના આરોપ પર બોલતાં આશિષ મિશ્રએ કહ્યું હતું કે જ્યારે હું ત્યાં હાજર જ નહોતો તો મેં ગાડી કઈ રીતે ચઢાવી દીધી. હું એ સમયે કાર્યક્રમ સ્થળ પર હાજર હતો. તેમણે કહ્યું હતું કે તે ત્યાં હાજર હતા, તેનું કોઈ પ્રમાણ નથી. આશિષ મિશ્રનું એ પણ કહેવું છે કે ગાડી તેમનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો.

પ્રિયંકા ગાંધી લખન એરપોર્ટથી રવાના થયાં.
પ્રિયંકા ગાંધી લખન એરપોર્ટથી રવાના થયાં.

7- ખેડૂતોના નેતા રાકેશ ટિકૈત પહોંચ્યા, પ્રિયંકાની અટકાયત
ખેડૂતનેતા રાકેશ ટિકૈત સોમવારે સવારે લખીમપુર પહોંચી ગયા. ત્યાં તેમણે મૃતક ખેડૂતોનાં અંતિમ દર્શન કર્યાં. બીજી તરફ સપા- પ્રમુખ અખિલેશ યાદવ, રાલોદ પ્રમુખ જયંત ચૌધરી અને બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્ર લખીમપુર પહોંચીને ખેડૂતોને મળશે. બીજી તરફ લખીમપુર જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરની પોલીસે રસ્તામાં જ ધરપકડ કરી છે. બાકીના નેતાઓના ઘરની બહાર પોલીસના કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.

8- ખેડૂતે સમગ્ર દેશમાં દેખાવોની જાહેરાત કરી
ખેડૂતોના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા સંયુક્ત કિસાન મોરચાએ સોમવારે સમગ્ર દેશમાં દેખાવોની જાહેરાત કરી છે. મોરચચાના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં જિલ્લા અધિકારીઓના કાર્યાલયની બહાર દેખાવો કરવામાં આવશે. ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવ અને દર્શન સિંહે ઘટનાની તપાસ ઉત્તરપ્રદેશ પ્રશાસનની જગ્યાએ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરાવવાની માગ કરી છે.

9- CM યોગીએ શાંતિની અપીલ કરી
સમગ્ર મામલામાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ક્ષેત્રના લોકોને અપીલ છે કે તેઓ ઘરોમાં રહે અને કોઈની વાતમાં ન આવે. શાંતિ વ્યવસ્થા જાળવવામાં યોગદાન આપે. કોઈપણ તારણ પર પહોંચતાં પહેલાં ઘટનાસ્થળે થઈ રહેલી તપાસ અને કાર્યવાહીની રાહ જુએ. યોગીના જણાવ્યા મુજબ, સરકાર આ ઘટનાના દોષિતો સામે સખત કાર્યવાહી કરશે.

ખેડૂતોના શબ તેમના પરિવારને સોંપવામાં આવ્યાં.
ખેડૂતોના શબ તેમના પરિવારને સોંપવામાં આવ્યાં.

10- મોડી રાતે મંત્રીના પુત્ર પર થઈ FIR
અજય મિશ્ર ટેની અને તેના પુત્ર આશિષ મિશ્રની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. લખીમપુરના તિકુનિયા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ હત્યા, અપરાધિક ષડયંત્ર, દુર્ઘટના અને બળવાની ધારાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર બહરાઈચ નાનપારાના જગીત સિંહના નિવેદન પર નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...