કાનપુરમાં હિંસા બાદ બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ રાત્રે 2 કલાકે યતીમખાના રોડ પર પોલીસ કમિશનર અને ડીએમએ ફ્લેગ માર્ચ કરી હતી. ઘરોમાં દરોડા પાડીને શંકાસ્પદ બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ જણાવ્યું કે અત્યારસુધીમાં 3 FIR નોંધાઈ છે. 36 લોકોની ઓળખ કરવામાં આવી છે. હજુ પણ અમારી પાસે રહેલા ફોટા દ્વારા અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે.
હિંસામાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ચલાવી શકાય છે. હકીકતમાં, આ ઘટના પર સીએમ યોગી આદિત્યનાથે મોડી રાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવ્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. 3 જૂને બેકનગંજ વિસ્તારના યતીમખાના બજારમાં શુક્રવારની નમાજ બાદ લગભગ 1000 લોકોએ 5 કલાક સુધી હંગામો કર્યો હતો. પથ્થરમારો, તોડફોડ કરીને દુકાનોમાં લૂંટ ચલાવી હતી. પોલીસને તેમને રોકવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
રમખાણો દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અહીંથી લગભગ 50 કિમી દૂર કાનપુર ગ્રામ્ય વિસ્તારના પરૌંખ ગામમાં હાજર હતા. સાથે જ પીએમ નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે આ હિંસાની વાસ્તવિક કહાની આજથી બરાબર 9 દિવસ પહેલાં જ શરૂ શઈ ગઈ હતી. આખી ઘટના ક્રમિક રીતે સમજો...
દુકાનોને બળજબરીથી બંધ કરાવતાં ભડકી હિંસા
નવ દિવસ પહેલાં એટલે કે 26 મેના રોજ જ્ઞાનવાપી કેસને લઈને એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા ચાલી રહી હતી. આમાં ભાજપના નેતા નૂપુર શર્મા પણ હાજર હતા. ચર્ચાના સવાલ પર નૂપુરે પયગંબર પર નિવેદન આપ્યું હતું. નૂપુર શર્માના આ નિવેદન પર અનેક મુસ્લિમ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી.
27 મેના રોજ મૌલાના મોહમ્મદ અલી જોહર ફેન્સ એસોસિયેશનના પ્રમુખ હયાત ઝફર હાશ્મીએ બજાર બંધનું એલાન આપ્યું હતું. નૂપુરના નિવેદન પર કાનપુરમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. 28 મેના રોજ હયાતે 3 મેના રોજ જેલ ભરો આંદોલનનું આહવાન કર્યું હતું.
29 મેના રોજ, મુસ્લિમ વિસ્તારના હજારો લોકોએ હયાતને સમર્થન આપ્યું. 30 મેના રોજ હયાતે મુસ્લિમ સમુદાયના લોકો સાથે બેઠક કરી હતી. 1 જૂનના રોજ હયાતે બંદી અને જેલ ભરો આંદોલન 5 જૂન સુધી મુલતવી રાખ્યું હતું, પરંતુ 3 જૂનના બંદીના પોસ્ટર દૂર કરવામાં આવ્યાં ન હતાં.
2 જૂને બેકનગંજ વિસ્તારમાં ફરીથી દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. મસ્જિદોમાં થતી ચર્ચાઓમાં એવું કહેવાતું કે સાહેબ પર કરવામાં આવેલી કોઈપણ ટિપ્પણી સહન કરવામાં આવશે નહીં.
ભીડમાં સામેલ અસામાજિક તત્ત્વોએ ગોળીઓ ચલાવી, ત્યાર બાદ વાતાવરણ બેકાબૂ બની ગયું હતું
3જી જૂનના રોજ સવારથી જ બેકોનગંજમાં શાંતિ હતી. આ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો મુસ્લિમ સમુદાયની હતી, જે બંધ રાખવામાં આવી હતી, પરંતુ કેટલાક હિંદુ દુકાનદારોએ યતીમખાના પાસેના બજારમાં દુકાનો ખોલી હતી.
બપોરે 1:45 કલાકે યતીમખાના પાસેની મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી. બપોરે 2.30 વાગ્યાની આસપાસ નમાજ પછી લોકો બહાર આવ્યા અને સીધા બજારમાં ખુલ્લી દુકાનો બળજબરીથી બંધ કરાવવા લાગ્યા હતા. હિંદુ દુકાનદારોએ દુકાન બંધ કરવાની ના પાડી, બાદમાં સૌથી પહેલા લોકોની વચ્ચે રહેલા અસામાજિક તત્ત્વો પથ્થરમારો શરૂ કર્યો. એ બાદ સમગ્ર વિસ્તારનું વાતાવરણ બગડી ગયું હતું. આ દરમિયાન ભીડમાં સામેલ કેટલાંક તોફાની તત્ત્વોએ તમંચા વડે ફાયરિંગ પણ કર્યું હતું.
બપોરના 3 વાગ્યા સુધી બજારમાંથી શરૂ થયેલી આ ઘટનાએ હવે હંગામાનું સ્વરૂપ લીધું હતું. પરેડ ચાર રસ્તા પર લગભગ એક હજાર લોકો ભેગા થઈ ગયા હતા. રમખાણો શરૂ થયા પછી પરિસ્થિતિ ઝડપથી બેકાબૂ બની ગઈ. સાંકડી ગલીઓમાં ઘૂસીને પોલીસ કાર્યવાહી કરી શકી ન હતી.
સાંકડી ગલીઓમાં પોલીસ લાચાર નજરે પડી હતી
સાંકડી ગલીઓમાં લોકો વચ્ચે-વચ્ચે પથ્થરમારો કરી રહ્યા હતા. પોલીસે લોકોને કાબૂમાં લેવા માટે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લાઠીચાર્જ કરીને લોકોને શેરીઓમાં ધકેલી દેવામાં આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લગભગ 12 પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
લગભગ 5 કલાક સુધી ચાલેલા હંગામા બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી. પોલીસે 18 બદમાશની અટકાયત કરી હતી. આ પથ્થરમારામાં લગભગ 7 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાનપુરમાં હિંસા બાદ સીએમએ મોડી રાત્રે ગોરખપુર મંદિરથી વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ પછી બેકનગંજ પોલીસ સ્ટેશનમાં 1040 બદમાશની સામે 2 FIR નોંધવામાં આવી હતી. હંગામાના મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મી સહિત 40 લોકોનાં નામ નોંધવામાં આવ્યાં છે જ્યારે લગભગ 1000 લોકોનાં ટોળાંની ઓળખ હજુ બાકી છે.
પોલીસે મોડી રાત સુધી દરોડા પાડી વધુ 15 આરોપીની ધરપકડ કરી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. બધા આરોપીને શનિવારે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવશે.
હવે વાઈરલ થયેલા વીડિયો અને CCTV ફૂટેજ પોલીસનાં હથિયાર છે
કાનપુરના પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ જણાવ્યું હતું કે બદમાશો વિરુદ્ધ ધાર્મિક વાતાવરણને બગાડવું, બળવો, જીવલેણ હુમલો , હિંસા કરવી, હિંસા ફેલાવવી જેવી કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. બદમાશોની ઓળખ માટે વાઇરલ વીડિયો અને CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.
ગેંગસ્ટર સામે કાર્યવાહી, મિલકત પર બુલડોઝર ચાલશે
કાનપુરના પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ કહ્યું હતું કે કાનપુર હિંસાના દરેક આરોપીની સામે કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે તેમની મિલકતો પર બુલડોઝર ચલાવવામાં આવશે. સરકારને સમગ્ર મામલાની રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.
હિંસા બાદ પરેડ સ્ક્વેરથી મૂળગંજ સ્ક્વેર અને પેંચબાગ, ઇફ્તખારાબાદ, બકરમંડી સહિતના આસપાસના વિસ્તારોમાં 50 PRV બાઇક રાતભર પેટ્રોલિંગ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.