• Gujarati News
  • National
  • 34 Arrested, Including Suresh Raina And Guru Randhawa, In Mumbai Pub Till Late At Night

મુંબઈની ક્લબમાં દરોડા:સુરેશ રૈના, સુઝાન ખાન અને ગુરુ રંધાવા સહિત 34 સેલેબ્સ પર કેસ, રાતના 2 વાગ્યા સુધી પબમાં પાર્ટી કરતાં હતાં; જામીન પર છોડાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાઇ ક્લબમાં પોલીસે સોમવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 7 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. તમામ લોકોની ધરપકડ પછી છોડી મૂકવામાં આવ્યાં છે.

દરોડા દરમિયાન ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા, સુઝાન ખાન (ઋતિક રોશનની એક્સ-વાઇફ) ત્યાં હાજર હતાં. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે એક મોટો ગાયક પણ દરોડા દરમિયાન પાછલા ગેટ પરથી ભાગી ગયો હતો. આમાં બાદશાહનું નામ પણ સામે આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, જેડબ્લ્યુ મેરિયોટ ખાતેની ડ્રેગન ફ્લાઇ ક્લબ પર ડીસીપી જૈન, પીઆઈ યાદવ (ગોડવી પોલીસ સ્ટેશન)ની ટીમે દરોડો પાડ્યો હતો. રાજ્યમાં હજી પણ લોકડાઉનના નિયમો ચાલુ છે. આ નિયમો અંતર્ગત, રાત્રે 11 વાગ્યા પછી કોઈપણ પ્રકારની પાર્ટી અથવા જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે. આ પાર્ટીમાં દિલ્હીના 19 લોકો હતા. અન્ય લોકો પંજાબ અને દક્ષિણ મુંબઈના હતા. તેમાંના મોટા ભાગના લોકોએ દારૂ પીધો હતો.

નિયમ વિરુદ્ધ કામ થઈ રહ્યું હતું એટલે દરોડા પાડ્યા
સંયુક્ત પોલીસ કમિશનર વિશ્વાસ નાગર પાટીલે કહ્યું હતું કે સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લીધી હતો. નક્કી કરાયેલા સમય બાદ નાઈટ પાર્ટી, બાર અને હોટલ્સ બંધ રાખવામાં આવશે. અમને આ પાર્ટીની જાણકારી મળી હતી, તેથી ડીસીપી રાજીવ જૈનના નેતૃત્વમાં એક ટીમને રેડ માટે મોકલાઈ હતી. એમાં 34 લોકો પકડાયા હતા.

ક્લબ તરફથી હાલ કોઈ નિવેદન બહાર પડ્યું નથી. મુંબઈ પોલીસને શંકા છે કે ઘણા લોકો આમાં ભાગવામાં સફળ થયા છે. CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછી લોકોને નોટિસ મોકલાશે. IPC કલમ 188 અંતર્ગત એક મહિનાની જેલ અને 10 હજારનો દંડ થઈ શકે છે.

શું છે કલમ 188, જે અંતર્ગત રૈના સહિત ઘણા લોકો પર કેસ નોંધાયા
લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. 1897ના મહામારી કાયદાના સેક્શન 3માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ નિયમો ભંગ કરે છે અથવા સરકારના નિયમ/ કાયદાનો ભંગ કરે છે તો તેમના પર ભારતીય કાયદાની કલમ 188 અંતગત દંડ કરવામાં આવે છે. આ જ રીતે કોઈ સરકારી કર્મચારી દ્વારા આપવામાં આવેલા આદેશનું પણ ઉલ્લંઘન કરવામાં આવે તો આ કલમ લગાવી શકાય છે. જો તમને સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશો વિશે માહિતી છે અને તેમ છતાં તમે એ નિયમો તોડો છો તો કલમ 188 અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.