મોટો નિર્ણય:દવાઓની 300 ટોપ બ્રાન્ડ પર આગામી વર્ષે બારકોડ લાગશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવા-ઈન્જેક્શન પર લાગેલા બારકોડને સ્કેન કરીને અસલી-નકલી ચકાસી શકાશે

કેન્દ્ર સરકારે દવાની ગુણવત્તા અને સાચી દવા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા મોટો નિર્ણય કર્યો હતો. હવે દવાઓ અને ઈન્જેક્શનના પેકિંગ પર બારકોડ લગાવાશે. આ વ્યવસ્થા આગામી વર્ષે 1 ઓગસ્ટથી લાગુ કરવાની તૈયારી છે.

પ્રથમ તબક્કે દેશમાં વેચાતી દવાઓની 300 ટોપ બ્રાન્ડ પર બારકોડ લગાવાશે. બારકોડ લગાવવાથી કોઈપણ વ્યક્તિ દવા ખરીદતા મોબાઈલ ફોનથી યુનિક બારકોડ સ્કેન કરીને તે અસલી છે કે નકલી તથા રેપર પર કરાયેલા દાવાઓની ઓળખ કરી શકશે.

બારકોડ સ્કેન કરતા જ ફોન પર દવાની બ્રાન્ડનું નામ, નિર્માતા કંપની, તેનું સરનામું, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ, કંપનીનું લાઈસન્સ નંબર તથા દવાની કિંમત આવી જશે. દવા કે ઈન્જેક્શનની દરેક સ્ટ્રીપ પર 14 ડિજિટવાળો યુનિક કોડ હશે. દરેક કંપની અને દરેક દવાની સ્ટ્રિપનો અલગ કોડ હશે.

પ્રથમ તબક્કે દેશની 53 ટોચની કંપનીઓની દવા અને તેના કોમ્બિનેશન પર બારકોડ લાગુ કરાશે. તેનાથી 35થી 40% દવાઅો પર બારકોડ લાગી જશે. દેશમાં આયાત-નિકાસ મિલાવીને આશરે 3 લાખ કરોડ રૂ.નો દવાનો બિઝનેસ છે. પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને કહ્યું કે આ નિર્ણયથી સબ સ્ટાન્ડર્ડ દવા પર પણ રોક લાગશે.

આ દવાઓ પર બારકોડ લગાવાશે એસિલોક,એવોમાઈન, અઝિથ્રલ, બિટાિડન, બીકાસૂલ, કાલપોલ, કોવાડેક્સ, ડેક્સોના, ડોલો 650, ડાયનાપાર એક્યૂ, ઇકોસ્પ્રિન એવી, ફેબીફ્લૂ, ગ્રિલિંક્ટસ, કોરેક્સ ડીએક્સ, મેફટાલ સ્પાસ, મોનોસેફ ઈન્જેક્શન, મોન્ટેયર એલસી, પેન્ટોસિડ, રેનટેક, સુમો, ટેક્સિમ ઓ, ટેલમા, અલ્ટ્રાસેટ, ઝિફી સહિત કુલ 300 દવા આ યાદીમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે યુરોપિયન દેશો ઉપરાંત બ્રાઝિલ અને તૂર્કી જેવા દેશોમાં દવા પર બારકોડની વ્યવસ્થા છે. અમેરિકામાં આશરે 2 વર્ષ પહેલા બારકોડ વ્યવસ્થા લાગુ થઈ હતી.

હાલ ચારથી પાંચ ટકા દવા ખરાબ ક્વૉલિટીની| સેન્ટ્રલ ડ્રગ્સ ઓર્ગેનાઈઝેશન(CDSCO)ના એક જોઈન્ટ ડ્રગ્સ કન્ટ્રોલરે જણાવ્યું કે આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોની સાથે સાથે ફાર્મા ઈન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. કોઈ બ્રાન્ડેડ કંપનીના નામે પણ દવા નહીં બનાવી શકે. હાલ દેશમાં .03 ટકા ભેળસેળવાળી કે નકલી તથા 4થી 5 ટકા દાવ ખરાબ ગુણવત્તાની મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...