• Gujarati News
  • National
  • 3 FIRs Registered Against Union Minister Narayan Rane, Arrest Warrant Issued; Shiv Sainiks Attack BJP Office In Nashik

મહારાષ્ટ્રમાં શિવસેના vs રાણે:કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહાડ દીવાની કોર્ટે જામીન આપ્યા, ઉદ્ધવ ઠાકરે સામે નિવેદન આપવાના કેસમાં ધરપકડ થયેલી

મુંબઈ2 મહિનો પહેલા
  • કેન્દ્રીય મંત્રીની ધરપકડ થઈ હોય એવી 20 વર્ષમાં પ્રથમ ઘટના
  • CM ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાના વિરોધમાં શિવસૈનિકોના ઉગ્ર દેખાવો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાને લગતું વિવાદાસ્પદ નિવેદન આપવા કેસમાં ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને કોર્ટે જામીન આપ્યા છે. પોલીસે મંગળવારે બપોરે રાણેની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને રાયગઢ જિલ્લાના મહાડ દીવાની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ 7 દિવસ માટે રાણેના રિમાન્ડ માગ્યા હતા. જોકે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. સુનાવણી સમયે નારાણય રાણેનાં પત્ની નીલમ રાણે પણ કોર્ટ પહોંચ્યાં હતાં. એ સમયે તેમના ચહેરા પર તણાવ જોવા મળતો હતો. આ અગાઉ રાણેની ધરપકડ બાદ કેટલાક કલાક સંગમેશ્વર પોલીસ સ્ટેશન અને ત્યાર બાદ મહાડ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. મહાડમાં પણ તેમની સામે કેસ નોંધાયો છે.

કેન્દ્રીય પ્રધાનની ધરપકડ થઈ હોય એવી 20 વર્ષમાં પ્રથમ ઘટના
સૂક્ષ્મ, લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસ બાબતોના મંત્રી રાણેની ધરપકડ થતાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સાથે કોઈ કેબિનેટ મંત્રીની ધરપકડ થઈ હોય એવી આ છેલ્લાં 20 વર્ષમાં પ્રથમ ઘટના છે. તેઓ ભોજન લઈ રહ્યા હતા એ વખતે તેમની ધરપકડ થઈ હતી.

નારાયણ રાણેને ધરપકડ કરીને લઈ જતી મહારાષ્ટ્ર પોલીસ.
નારાયણ રાણેને ધરપકડ કરીને લઈ જતી મહારાષ્ટ્ર પોલીસ.

શિવસૈનિકોએ મહારાષ્ટ્રના 17 શહેરમાં દેખાવો કર્યાં
બીજી તરફ, શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રનાં 17 શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. નાશિકમાં BJP કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો તો મુંબઈમાં રાણેના ઘરની બહાર દેખાવો કરી રહેલા શિવસૈનિકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમિયાન રાણેની વિરુદ્ધ 3 FIR કરવામાં આવી હોવા છતાં શિવસેનાના ગઢ એટલે કે કોંકણમાં તેમની જન આશીર્વાદ યાત્રા ચાલુ રહી હતી.

કેન્દ્રીય મંત્રી રાણેના નિવેદનથી નારાજ થઈને ભાજપ કાર્યાલય પર પથ્થર ફેંકી રહેલા શિવસેનાના કાર્યકર્તાઓ.
કેન્દ્રીય મંત્રી રાણેના નિવેદનથી નારાજ થઈને ભાજપ કાર્યાલય પર પથ્થર ફેંકી રહેલા શિવસેનાના કાર્યકર્તાઓ.

રાણેના નિવેદન અંગે ભાજપની સ્પષ્ટતા
નારાયણ રાણેના નિવેદન પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટીલે મંગળવારે કહ્યું હતું કે અમે જાણવા ઈચ્છીએ છીએ કે નારાયણ રાણેએ જે નિવેદન આપ્યું છે એનું સમર્થન BJP અને ફડણવીસ કરે છે કે કેમ. એની પર પૂર્વ CM ફડણવીસે કહ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને નારાયણ રાણેએ જે પણ ટિપ્પણી કરી છે કે એનું અમે સમર્થન કરતા નથી. કોઈની વિરુદ્ધ બોલવાની પણ એક રીત હોય છે અને મને લાગે છે કે આ મર્યાદામાં રહીને જ વાત કહેવી જોઈએ. જોકે અમારે એ સમજવું પડશે કે તેમણે આ નિવેદન કયા મુદ્દે આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમના આ નિવેદનને સમર્થન કરતી નથી. જોકે અમે તે વ્યક્તિનું સમર્થન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી નારાયણ રાણેની સાથે પૂરી તાકાતથી ઊભી રહેશે.

ફડણવીસે આગળ કહ્યું હતું કે મને અચરજ એ વાતનું છે કે શર્જિલ ઉસ્માની નામની એક વ્યક્તિ મહારાષ્ટ્રમાં આવીને અહીંના લોકોને ગાળો આપે છે, હિન્દુઓને ગાળો આપે છે. શરૂઆતમાં પોલીસ તેની વિરુદ્ધ FIR પણ નોંધતી નથી. તેની સામે કોઈ કાર્યવાહી કરતી નથી, જોકે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદન પછી ત્રણ જગ્યાએ FIR નોંધાય છે અને ટીમ તેમની ધરપકડ કરવા નીકળે છે. એ પછી પોલીસ કમિશનર આદેશ આપે છે કે તેમની ધરપકડ કરવામાં આવે અને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.

કાનની નીચે થપ્પડ મારવાની વાત કહી હતી
નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યાને આટલાં વર્ષો થઈ ગયાં. અરે, હીરક મહોત્સવ શું? હું હોત તો કાનની નીચે મારત. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ વિશે તમને ખ્યાલ ન હોવો જોઈએ? કેટલો ગુસ્સો અપાવે એવી વાત છે આ. સરકાર કોણ ચલાવી રહ્યું છે એ સમજાતું જ નથી. રાણે જ્યારે આ પ્રકારની ભાષા વાપરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવીણ દરેકર પણ ત્યાં હાજર હતા.

હું એક કેન્દ્રીય મંત્રી છું, મને કાયદાનો સંપૂર્ણ રીતે ખ્યાલ છે
પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ FIRની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે.

ફોટો રાયગઢના ચિપલૂણનો છે. અહીં એક રિસોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.
ફોટો રાયગઢના ચિપલૂણનો છે. અહીં એક રિસોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.

ઉદ્ધવને બોલવાનો અધિકાર પણ શું?
કોરોનાની વાત કરતાં નારાયણ રાણેએ આગળ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એના નિયંત્રણ માટે કોઈ યોજના નથી, ઉપાય નથી, વેક્સિન નહિ, ડોક્ટર નહિ, સ્વાસ્થ્ય કર્મચારી નહિ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ ભયાનક છે. તેમને બોલવાનો અધિકાર પણ શું? તેમણે બંગલામાં એક સેક્રેટરી રાખવો જોઈએ અને સલાહ લઈને બોલવું જોઈએ.

રાણેની વિરુદ્ધ 3 FIR
રાણેના નિવેદનને લઈને નાશિકના શિવસેનાના સુધાકર બડગુજરે નાશિકના મહાડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુધાકરે કહ્યું હતું કે ઉદ્ધાવ ઠાકરે મુખ્યમંત્રી અને એક બંધારણીય પદ પર છે, આ કારણે તેમના વિશે આપવામાં આવેલું નિવેદન સમગ્ર રાજ્ય માટે અપમાન છે. સુધાકરની ફરિયાદ પર નારાયણ રાણેની વિરુદ્ધ 500, 502, 505 અને 153(એ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે રાણેના નિવેદનથી સમાજમાં નફરત અને તિરાડ પેદા થઈ શકે છે તેમજ કાયદો વ્યવસ્થાની સમસ્યા પેદા થઈ શકે છે. એ પછી નાશિક પોલીસે રાણેની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈસ્યુ કર્યું છે.

એ પછી પુણેના ચતુઃશ્રૃગી પોલીસ સ્ટેશનમાં યુવા સેનાના સચિવ રોહિત કદમે IPCની કલમ 153, 153 B(1)(C), 505(2) અંતર્ગત કેસ નોંધાવ્યો છે. આ રીતે કેસ રાયગઢમાં પણ નોંધવામાં આવ્યો છે.

રાણેની વિરુદ્ધ મુંબઈમાં લાગ્યાં મુરઘીચોરનાં પોસ્ટર
નારાયણ રાણેના આ નિવેદન પછી રાતોરાત મુંબઈના દાદર વિસ્તારમાં શિવસૈનિકોએ રાણેની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યાં. પોસ્ટરમાં નારાયણ રાણેની તસવીરની સાથે કોબંડીચોર એટલે કે મુરઘીચોર લખ્યું હતું. મોડી રાતે રાણેના નિવાસસ્થાન પર શિવસેનાના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને દેખાવો પણ કર્યા હતા.

શેરની માંદ(ગુફા)માં જવાની હિંમત ન કરો
નારાયણ રાણેની ઝડપી ધરપકડ કરવાના મુદ્દે તેમના પુત્ર નીતીશ રાણેએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે એવા સમાચાર છે કે યુવા સેનાના સભ્યોને અમારા જુહુ નિવાસસ્થાનની બહાર એકત્રિત થવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ ક્યાં તો તેમને ત્યાં જતા રોકે અથવા તો કંઈપણ ત્યાં થાય તો એની અમારી જવાબદારી નહિ. શેરની માંદ(ગુફા)માં જવાની હિંમત ન કરો.