વરસાદને કારણે ઉત્તર ભારતમાં હાલમાં ખરાબ સ્થિતિ છે. જ્યારે પર્વતો પર ભૂસ્ખલનનો પડકાર ઊભો છે, ત્યારે મેદાનીય વિસ્તારોમાં પૂર તબાહી મચાવી રહ્યું છે. બિહારમાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. ગંગાકિનારે આવેલા જિલ્લાઓમાં 22 લાખથી વધુની વસતિ ગંગાના પાણીથી ઘેરાયેલી છે. પટનાને અડીને આવેલા દાનાપુરનાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો સ્થળાંતર કરવા લાગ્યા છે.
ઉત્તરપ્રદેશના 24 જિલ્લા હાલમાં પૂરની ઝપેટમાં
દેશનાં ઘણાં રાજ્યોમાં પૂરે તબાહી મચાવી છે. ઉત્તરપ્રદેશના 24 જિલ્લા હાલમાં પૂરની ઝપેટમાં છે. ગંગા, યમુના સહિત ઘણી નદીઓમાં પૂર આવ્યું છે, જેનો માર શહેરો પર પડી રહ્યો છે. સંગમ શહેર પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીઓના પાણીએ તબાહી મચાવી છે. ઘણા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે, જેને કારણે હજારો લોકો પૂરની ઝપેટમાં ફસાયેલા છે.
બિહારમાં ગંગાનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે
બિહારમાં એવા એક ડઝન જિલ્લાઓ છે, જ્યાં ગંગાનું પાણી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. સેંકડો ગામો આનાથી પ્રભાવિત છે. બક્સર, ભોજપુર, પટના, સારન, વૈશાલી, બેગુસરાય, મુંગેર, ખગડિયા, ભાગલપુર અને કટિહારના દિયારા વિસ્તારના સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયા છે અને હજારો લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. બીજી બાજુ, ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 13.1 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 154% વધારે છે. સરકારી અહેવાલ અનુસાર, 'યુપીના 23 જિલ્લાનાં 1243 ગામોમાં 5,46,049 લોકોની વસતિ પૂરથી અસરગ્રસ્ત થઈ છે.' જ્યારે આ તરફ પ્રયાગરાજ, મિરઝાપુર, વારાણસી, ગાઝીપુર અને બલિયામાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, સાથે જ ઓરૈયા, જાલૌન, હમીરપુર, બાંદા અને પ્રયાગરાજમાં પણ યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
હજારો મકાનો પૂરમાં ડૂબી ગયાં
પ્રયાગરાજમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ખોરાક અને પાણી પણ ભાગ્યે જ ઉપલબ્ધ થઈ રહ્યું છે. જણાવીએ કે ગંગા-યમુનાના પૂરે પ્રયાગરાજમાં આ દિવસોમાં કહેર મચાવ્યો છે. સંગમ શહેર પ્રયાગરાજની સૌથી ખરાબ સ્થિતિ ચાંદપુર સલોરી વિસ્તારમાં છે, જ્યાં હજારો મકાનો પૂરમાં ડૂબી ગયાં છે. સલોરીના કૈલાસપુરી વિસ્તારમાં બધે જ પાણી જ પાણી છે. આ વિસ્તારમાં હોડી દ્વારા લોકોને પાણીની બોટલ અને ખાદ્ય પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વારાણસીમાં પણ નદીઓમાં પૂર
ભોલેનાથનું શહેર વારાણસીમાં પણ ગંગા નદી ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે. પાણીનો સ્તર વધ્યા પછી વારાણસીમાં ગંગા વિવિધ માર્ગો દ્વારા શહેરમાં પ્રવેશી ચૂકી છે. ગામડાંની હાલત વધુ ખરાબ છે. પૂરગ્રસ્ત ગામના લોકોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી છે. વારાણસીમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
વારાણસીમાં ગંગા અને વરુણા નદીના કિનારે વસેલાં હજારો ઘરોમાં પૂરનું પાણી ફરી વળ્યું છે. પૂરથી બચાવ માટે વહીવટીતંત્રે ટિકરી ગામ પાસે હંગામી ડેમ બાંધ્યો હતો, પરંતુ એ ધોવાઇ ગયા પછી રમના બનપુરવા ગામમાં પાણી ઝડપથી વધવા લાગ્યું છે, ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
ગંગા કાંઠાના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, દેશમાં 1 જૂનથી 10 ઓગસ્ટ સુધી સામાન્ય કરતાં પાંચ ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની ગંગાને અડીને આવેલા વિસ્તારોમાં 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગંગાના જળસ્તરમાં વધારો થવાથી મુશ્કેલીઓમાં વધારો
ગંગા નદીના વધતા જળસ્તરને કારણે પટનામાં મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિયારા વિસ્તારનાં ઘણાં ગામો પાણીમાં ડૂબી ગયાં છે. મુખ્ય મથક સાથે 6 પંચાયતનો સંપર્ક તૂટ્યો છે. પૂરને કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે, પરંતુ સૌથી ખરાબ હાલત દિયારાના કાસીમ ચક, અકીલપુર અને હેતનપુર ગામની છે. જ્યાં પૂરને કારણે અનેક ઝૂંપડાં તણાઈ ગયાં છે. આવા સંજોગોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. ગામ છોડી રહેલા સેંકડો લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે.
મહારાષ્ટ્રના મહાડમાં પૂરને કારણે હજારો મકાનોને નુકસાન
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકામાં જુલાઈમાં મુશળધાર વરસાદ અને ત્યાર બાદ આવેલા પૂરથી 94 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં, જ્યારે 9,649 મકાનોને આંશિક નુકસાન થયું હતું. વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 21-22 જુલાઈના રોજ મહાડ તાલુકામાં કુલ 45 ઇમારતો, 1,859 આંશિક રીતે કાયમી મકાનો, 23 કામચલાઉ મકાનો અને 36 ઝૂંપડાંને નુકસાન થયું છે. આ સિવાય 3,709 દુકાનને પણ નુકસાન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.