ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:NRCમાં નામ છે, છતાં આધાર નહીં હોવાથી 27 લાખ લોકો સરકારી યોજનાઓથી વંચિત

ગુવાહાટી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસામમાં એનઆરસીનાં ત્રણ વર્ષ પૂરા, પરંતુ ખામીઓ ઠેરની ઠેર
  • આસામમાં એનઆરસી સફળ થયા પછી તેને દેશભરમાં લાગુ કરવાનું છે
  • મોટો સવાલ | 3.3 કરોડ વસતી ધરાવતા આસામમાં રૂ. 1600 કરોડ ખર્ચ પછીયે મુશ્કેલીઓ યથાવત્, તો 138 કરોડની વસતી પર NRC કેવી રીતે લાગુ થશે?

‘હું 62 વર્ષીય વિધવા છું. મારા પરિવારના સભ્યોના નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)માં છે, પરંતુ આધાર કેન્દ્રના કર્મીઓ કહે છે કે, બાયોમેટ્રિક ડેટા લોક છે, એટલે તમારા આધાર નહીં બને. બેંક કર્મીઓ કેવાયસી માટે આધાર માંગે છે. કેવાયસી નહીં કરાવીએ તો પેન્શન નહીં મળે. પૈસા વિના અમે ખાઈશું શું? તમે જ કહો શું કરીએ?’ આ શબ્દો છે, સંધ્યા રાણીના, જે ત્રણ વર્ષથી જોરહાટ જિલ્લાના આધાર કેન્દ્રોના ધક્કા ખાય છે.

આસામમાં એનઆરસીની ફાઈનલ યાદી ઓગસ્ટ 2019માં જારી થઈ હતી. આ એક પાઇલોટ પ્રોજેક્ટ છે, જે આસામ પછી સમગ્ર દેશમાં લાગુ થશે, પરંતુ આસામમાં જ આ યોજનાને લગતી અનેક મુશ્કેલીઓ દૂર થઈ નથી. આસામમાં 27 લાખ લોકો એવા છે, જેમના નામ એનઆરસીમાં છે, પરંતુ તેમનો બાયોમેટ્રિક ડેટા સક્રિય નહીં હોવાથી તેમને આધાર કાર્ડ પણ નથી અપાતા.

આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કહી ચૂક્યા છે કે, જેમની પાસે આધાર નથી તેમને રાજ્યની ઓરુનોદોઈ યોજનાનો લાભ નહીં મળે. આ યોજના હેઠળ ગરીબોને દર મહિને રૂ. 1000 અપાય છે. કેન્દ્ર-રાજ્ય સરકારની 15થી વધુ યોજના છે, જેના માટે આધાર જરૂરી છે. એનઆરસી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના મતે, આ પ્રક્રિયામાં અનેક ખામીઓ છે. જ્યાં સુધી તે દૂર નહીં થાય, બાયોમેટ્રિક ડેટા અનલૉક કરવો અઘરો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- જેમના નામ એનઆરસીમાં આવી ગયા છે, તેમના આધાર બનાવો
સુપ્રીમ કોર્ટે એક જનહિત અરજી પછી એનઆરસીમાં નામ ધરાવતા લોકોનું આધાર બનાવવા નિર્દેશ કર્યો હતો. એનઆરસીએ આ લોકોનો બાયોમેટ્રિક ડેટા અપડેટ પ્રક્રિયા વખતે લૉક કરી દીધો હતો. તેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, આસામ સરકાર, આરજીઆઈ અને યુઆઈડીએઆઈ પાસે 17 મે સુધી જવાબ માંગ્યો હતો, પરંતુ ત્રણ મહિના પછીયે બાયોમેટ્રિક ડેટા લૉક છે, જેનું કોઈ સ્પષ્ટ કારણ જણાવાયું નથી. ખુદ આસામ સરકાર જ કેન્દ્રને ડેટા અનલૉક કરવાની માંગ કરી રહી છે.

ઉદાહરણ-1ઃ બાળકોને સ્કોલરશિપ પણ ના મળી
જોરહાટમાં ચાના બગીચામાં કામ કરતા રાજેશ આધાર નહીં હોવાથી પરેશાન છે. તેઓ કહે છે કે, ‘મારો પુત્ર ધો.10માં 75 ટકાથી પાસ થયો. રાજ્યની યોજના હેઠળ તેને રૂ. 16 હજાર મળે, પરંતુ આધાર વિના બેંકખાતું ના ખૂલ્યું. એટલે પૈસા જ ના મળ્યા.’ આસામમાં આવા હજારો બાળકો છે, જે આ કારણથી સ્કોલરશિપથી વંચિત છે.

ઉદાહરણ-2ઃ પ્રોવિડન્ટ ફંડ પણ નથી ઉપાડી શકતા
આસામમાં એક કંપનીમાં કામ કરતા મૂળ યુપીના રાજેશ કહે છે કે, ‘અમારા પરિવારનું નામ એનઆરસીની ફાઈનલ યાદીમાં છે, પરંતુ અમારી પાસે આધાર નથી, જ્યારે મારા માતા-પિતાનું આધાર યુપીમાં બન્યું છે. ઈપીએફઓ આધાર માંગે છે, એટલે અમે પ્રોિવડન્ટ ફંડ પણ નથી ઉપાડી શકતા.’

ઉદાહરણ-3ઃ પરિવારમાં મને રાશન નથી મળતું
વૃદ્ધા રિમી દેવી કહે છે કે, ‘મારા જેવા ગરીબો માટે અનેક સરકારી યોજનાઓ છે, પરંતુ મને તેનો લાભ નથી મળતો. અમારા ઘરમાં બધાનું આધાર છે, પરંતુ મારું નથી. એટલે બધાને રાશન મળે છે, પરંતુ મારા નામે નથી મળતું. મારું તો નામ પણ એનઆરસીમાં ત્રણ વર્ષથી છે.’


અન્ય સમાચારો પણ છે...