તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનથી દેશમાં પ્રથમ મોત, કેન્દ્રની પુષ્ટિ:દેશમાં 23.5 કરોડને રસી, મૃત્યુ 0.0002% જ, એટલે ડરવું નહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું- આ સમાચાર ખોટા છે કે રસીકરણ શરૂ થયા બાદ રસી લાગવાથી 488 મોત થયાં

કોરોના રસીના કારણે દેશમાં પહેલું મૃત્યુ થયાનું કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે 16 જાન્યુઆરીથી 7 જૂન સુધી 23.5 કરોડ લોકોને કોરોના રસીના એક કે બે ડોઝ અપાયા, જેમાં ફક્ત 0.0002% મૃત્યુ થયાં છે. આ રીતે કોરોનાના કારણે થતાં મોતની તુલનામાં રસીથી થતાં મૃત્યુનું જોખમ ના બરાબર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં રસી આપ્યા પછી મૃત્યુની સંખ્યા નહીંવત છે. આ મુદ્દે પ્રકાશિત સમાચાર અહેવાલોને અપૂર્ણ અને પૂરતી સમજ વિનાના છે. તે સમાચારોમાં કહેવાયું છે કે 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયા પછી 7 જૂન સુધી રસીના કારણે 488 લોકોનાં મોત થયાં છે.

કોરોના રસીની આડઅસરનો અભ્યાસ કરતી કેન્દ્રીય સમિતિના રિપોર્ટમાં કોરોનાની રસી પછી દેશમાં ફક્ત એક મૃત્યુ થયું હોવાનો દાવો કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે રસીકરણ પછી એનાફિલેક્સિસ નામની જીવલેણ એલર્જીના કારણે એક 68 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ વ્યક્તિએ 8 માર્ચે રસી લીધી હતી. આ સમિતિએ રસી પછી થયેલી પ્રતિકૂળ અસરોથી થયેલાં 31 મૃત્યુનો અભ્યાસ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ કહ્યું કે કોરોના રસીના કારણે એનાફિલેક્સિસથી થયેલું મૃત્યુ પહેલી ઘટના છે. તેનાથી એ વાત સાબિત થાય છે કે ડોઝ લીધા પછી રસીકરણ કેન્દ્ર પર અડધો કલાક રાહ જોવી હિતાવહ છે. મોટા ભાગની મુશ્કેલી એ જ સમયે સર્જાય છે. એટલે વ્યક્તિ ત્યાં હોય તો તેને તુરંત સારવાર મળી શકે.

રસીકરણનો વ્યાપ: આદિવાસી જિલ્લાનું પ્રદર્શન રાષ્ટ્રીય સરેરાશથી સારું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે દેશના 176 આદિવાસી જિલ્લામાંથી 128 જિલ્લા રાષ્ટ્રીય સરેરાશથી સારું પ્રદર્શન કરી રહ્યા છે. દર 10 લાખે રસીકરણની રાષ્ટ્રીય સરેરાશ 1,68,951 છે, જ્યારે જનજાતીય જિલ્લામાં આ સરેરાશ 1,73,875 છે. કો-વિન એપ પર ત્રીજી જૂન સુધી ઉપલબ્ધ આંકડા પ્રમાણે જનજાતીય જિલ્લામાં રસી લગાવનારામાં પુરુષ-સ્ત્રીની સંખ્યાનો રેશિયો પણ સારો છે.

કોરોનાના ડેલ્ટા મ્યુટેન્ટ સામે ફાઈઝર, એસ્ટ્રાજેનેકાની રસી અસરકારક
ફાઈઝર-બાયોએનટેક અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના રસી કોરોનાના ડેલ્ટા મ્યુટેન્ટ સામે કારગર છે. મેડિકલ જર્નલ ‘ધ લેસેન્ટ’માં પ્રકાશિત એક સંશોધનમાં આ માહિતી અપાઈ છે. પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડ અને બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોના મતે, ડેલ્ટા મ્યુટેન્ટ સામે ફાઈઝરની રસી એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ રસીની તુલનામાં વધુ સુરક્ષા આપે છે.

ફાઈઝરની રસીનો બીજો ડોઝ લીધાના 14 દિવસ પછી તે આલ્ફા મ્યુટેન્ટ વિરુદ્ધ 92% સુરક્ષા આપી શકે છે, જ્યારે ડેલ્ટા વિરુદ્ધ તે 79% સુરક્ષા આપે છે. એવી જ રીતે, એસ્ટ્રાજેનેકાની રસી આલ્ફા વિરુદ્ધ 73% અને ડેલ્ટા વિરુદ્ધ 60% સુરક્ષા આપે છે. કોરોનાનો ડેલ્ટા મ્યુટેન્ટ ભારતમાં ઓળખાયો હતો, જ્યારે આલ્ફાની ઓળખ બ્રિટનમાં થઈ હતી.