• Gujarati News
  • National
  • 2021| A To Aryan Khan, B To Bipin Rawat Then C To Capitol Hill Attack; Find Out By XYZ ... How This Year Went

2021ની A To Z ગાઈડ:Aથી આર્યન ખાન, Bથી બિપિન રાવત તો Cથી કેપિટલ હિલ હુમલો; XYZ સુધી જાણો...કેવી રીતે આ વર્ષ પસાર થયું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે વર્ષનો છેલ્લો દિવસ છે. તેવામાં આજે તમે પણ 2021ની યાદો સમાન પુસ્તકના પાના ફેરવીને જોતા હશે કે આ વર્ષ કેવી રીતે વિત્યું... તમારા માટે, દોસ્તો અને સંબંધીઓ માટે, દેશ માટે અથવા દુનિયા માટે. જોકે આના જવાબ તો અલગ-અલગ જ આવશે, જેમકે કેટલાક લોકો માટે આ વર્ષ સૌથી સારુ રહ્યું હશે, કેટલાક માટે સૌથી ખરાબ અથવા યાદ પણ ન કરવું ગમે એટલું ખરાબ. તો ચલો આપણે વર્ષ 2021ના 365 દિવસોને અંગ્રેજીના 26 અક્ષરો એટલે કે A To Zના માધ્યમથી જાણીએ. જેમાં આ વર્ષના એવાજ કેટલાક ચોંકવનારા કિસ્સાને અમે ABCથી લઈ XYZ સુધી આલેખ્યા છે, એના પર નજર ફેરવીએ....

A- Aryan Khan ડ્રગ કેસ

વર્ષ 2021માં જો બોલિવૂડમાંથી કોઈ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હોય તો તે છે અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેની એક ક્રૂઝ પાર્ટી દરમિયાન ધરપકડ કરી હતી. આ દરમિયાન 27 દિવસો સુધી તે આર્થર રોડ જેલમાં રહ્યો હતો. આ કેસ એટલો ચર્ચામાં આવ્યો કે NCBની તપાસ દરમિયાન લગભગ દરરોજ કોઈ નવા ઘટસ્ફોટો થતા અને આ અંગે આરોપ-પ્રત્યારોપ પણ લાગ્યા હતા. NCPના નેતા નવાબ મલિકે આને ભાજપનું ષડયંત્ર હોવાનું પણ જણાવ્યું હતું. નવાબ મલિક અને NCB અધિકારી સમીર વાનખેડે વચ્ચે શાબ્દિક યુંદ્ધ પણ ચર્ચામાં આવ્યું હતું. બંનેએ એક-બીજા સામે ઘણા ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

B- Bipin Rawatનું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન

તારીખ 8 ઓક્ટોબર 2021, સવારનો સમય. દેશના પહેલા CDS બિપિન રાવત પોતાની પત્ની અને સેના અધિકારિઓ સાથે તમિલનાડુના એક મિલિટ્રી કોલેજમાં લેક્ચર લેવા માટે ગયા હતા. આ દરમિયાન બપોરે 12 વાગ્યા પછી દેશને સ્તબ્ધ કરી એવા સમાચાર સામે આવ્યા કે કન્નૂર પાસે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ સમાચાર સામે આવતા જ બધા સ્તબ્ધ થઈ ગયા અને બિપિન રાવત સુરક્ષિત હોય તેની પ્રાર્થના કરવા લાગ્યા હતા. પરંતુ સાંજે 7 વાગ્યે દેશના પહેલા CDS રાવત, તેમની પત્ની સહિત 13 લોકોનું આ દુર્ઘટનામાં અવસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. જેના પરિણામે સમગ્ર દેશે ભીની આંખે તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

C- Capitol hill ઉપદ્રવ

6 જાન્યુઆરી 2021 અમેરિકામાં એક શરમજનક ઘટના ઘટી હતી. ત્યાં પહેલી વાર કેપિટલ હિલ એટલે કે સંસદ ભવનમાં ટ્રમ્પના સમર્થકોએ ઉપદ્રવ મચાવ્યો હતો. તેઓ US કેપિટલની બિલ્ડિંગ પર ચઢી ગયા અને હિંસા પણ કરવા લાગ્ય હતા. જેના કારણે આ સ્થળે ભાગ- દોડ થતા એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડતા તેના સમર્થકો નારાજ થઈ ગયા હતા. જો બાઈડન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. તે અમેરિકાના 46માં અને તેના ઈતિહાસના સૌથી ઉંમરલાયક (78 વર્ષ) રાષ્ટ્રપતિ પણ છે. હવે આ ઈલેક્શનમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડતા તેના સમર્થકો ભાન ભૂલ્યા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. જોકે આ હાર તો ડોનાલ્ડ ટ્રમ્પ પણ પચાવી ન શક્યા અને તે બાઈડનના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપવા પણ આવ્યા નહોતા.

D- Delta Varientએ વિનાશ સર્જ્યો

2021 કોરોનાવાયરસ વેરિયન્ટનું વર્ષ રહ્યું છે. આ વર્ષની શરૂઆત આલ્ફા અને બીટા વેરિયન્ટથી થઈ અને અંત ઓમિક્રોન વેરિયન્ટથી થઈ રહ્યો છે. આ દરમિયાન ઘણા જોખમી વેરિયન્ટ પણ સામે આવ્યા છે જેમાં ડેલ્ટા સૌથી જીવલેણ સાબિત થયો છે. ડેલ્ટા વેરિયન્ટ સૌથી પહેલા ઓક્ટોબર 2020માં ભારતમાં મળી આવ્યો હતો અને ધીરે-ધીરે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. આ દરમિયાન ચારેય બાજુ દર્દ, ભય અને આંસુઓનો દોર નજરે આવ્યો હતો. ડેલ્ટાની સ્પિડ ધીમી પડી જ હતી કે વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. આ સમયે નવા વર્ષની સાથે એક નવી લહેરે પણ દસ્તક દીધી છે.

E- 'Ever Given'એ સુએઝ કેનાલ બ્લોક કરી

23 માર્ચ 2021ના દિવસે 400 મીટર લાંબી એવર ગિવન જહાજ સુએઝ નહેરમાં ફસાઈ ગઈ હતી. 193 કિલોમીટર લાંબી સુએઝ નહેર ભૂમધ્ય સાગરના લાલ સાગરને જોડે છે. આ દુનિયાનો સૌથી બિઝી ટ્રેડ રૂટમાંથી એક છે. અહીંથી રોજ લગભગ 9.6 અરબ ડોલરનો સામાન પરિવહન કરી શકાય છે.

એવર ગિવન જહાજને કાઢવા માટે લગભગ 20 હજાર કન્ટેનરોને ઉતારાયા હતા. તેમાં એક સપ્તાહની મહેનત પછી 29 માર્ચે જ્યારે રસ્તો ક્લિઅર થયો તો આ ટ્રાફિક જામમાં ફસાયેલા 367 જહાજો આગળ વધી શક્યા હતા.

F- Farm Law પરત લીધા

વર્ષ 2021ની સૌથી મોટી જીત ખેડૂતોને નામ રહી છે. એક વર્ષથી વધારે લાંબી ચાલેલી આ લડત પછી છેવટે કેન્દ્ર સરકારે ખેડૂતો સામે નમતું મુક્યું હતું. 19 નવેમ્બરે વડાપ્રધાને દેશને સંબોધી 3 કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. ખેડૂતોએ 379 દિવસ, ગરમી, ઠંડી, વરસાદ, ભૂખ, તરસ, વઢ, માર, વોટર ફોર્સ, ટિયર ગેસ સહિતના જોખમ સહન કર્યા હતા. આ દરમિયાન સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. છતા તેમને હિમ્મત ન હારી અને સરકારને નમવા મજબૂર કરી દીધી છે. 9 ડિસેમ્બર એટલે ગુરુવારે ખેડૂતો પોતાના તંબૂ દૂર કરવાનું શરૂ કરી જય જયકાર સાથે ઘરે પરત ફરી ગયા હતા.

G-Gender Ratioમાં મહિલાઓ સૌથી વધુ

ભારતમાં પહેલીવાર પુરુષોની તુલનામાં મહિલાઓની સંખ્યા વધારે આવી છે. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે પ્રમાણે દેશમાં હવે 1 હજાર પુરુષોની તુલનામાં મહિલાઓની વસતિ 1020 થઈ ગઈ છે. 1990માં 1 હજાર પુરુષો સામે 927 મહિલાઓ હતી. 2006-06માં આ આંકડો 1000-1000 પર રહ્યો હતો. વળી 2015-16માં તે ફરીથી ઘટીને 991 થઈ ગયો હતો.

NFHS-5 સર્વે પ્રમાણે દેશનો કુલ પ્રજનન દર એટલે TFR પણ પહેલી વાર 2 પર આવી ગયો છે. દેશની જનસંખ્યા હવે સ્થિર થઈ રહી છે અને એવરેજ એક મહિલા 2 બાળકોને જ જન્મ આપી રહી છે. આ સર્વે પછી વસતિ નિયંત્રણ કાયદા સામે વિવાદ ફિકો પડી ગયો છે.

H- Harnaaz Sandhu બની મિસ યૂનિવર્સ

તારીખ 12 ડિસેમ્બર 2021, રવિવારના દિવસે સવારે 11 વાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન છેલ્લા 4 દિવસથી હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાને કારણે દેશ શોકમાં ડૂબી ગયો હતો. ત્યારે જ ઈઝરાયલના એલાત શહેરમાં એક ઈવેન્ટની એન્કરે પૂરજોશમાં કહ્યું- ઈન્ડિયા...! અને આની સાથે જ ભારતની દીકરી હરનાઝે મિસ યૂનિવર્સનો તાજ પહેર્યો હતો. આ દરમિયાન હરનાઝે સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ તાજ જીત્યા પછી ગણતરીની મિનિટોમાં હરનાઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ અને બધા તેની જ ચર્ચા કરી રહ્યા હતા. હરનાઝ પંજાબના ગુરદાસપુરની રહેવાસી છે.

I- Indian Olympiansએ ટોક્યોમાં 7 મેડલ જીત્યા

2021માં આયોજિત ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલીવાર 7 મેડલ જીત્યા હતા. જેમાંથી નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે.

આના સિવાય વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ, લવલીના બોરગોહેને વેલ્ટરવેઈટમાં બ્રોન્ઝ મેડલ, પીવી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ, રવિ કુમાર દહિયાએ મેન્સ ફ્રીસ્ટાઈલમાં સિલ્વર, બજરંગ પુનિયાએ મેસ રેસલિંગમાં બ્રોન્ઝ મેડવ જીત્યો હતો. આના સિવાય પુરુષ હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીતી 41 વર્ષનો દુષ્કાળ પૂરો કર્યો હતો.

J- Jack Dorsey એ ટ્વિટરને અલવિદા કહ્યું

2021માં ટેક્નોલોજીની દુનિયામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા હતા. ટ્વિટરના કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક ડોર્સીએ રાજીનામું આપી દીધું હતું. તેમણે નવેમ્બર અંતમાં આ વિશે ટ્વિટરથી જ જાહેરાત કરી હતી. તેમની જગ્યાએ પરાગ અગ્રવાલને સીઈઓ બનાવવામાં આવ્યા છે. પરાગ ટ્વિટરની કમાન સંભાળનાર ભારતીય મૂળના પહેલાં વ્યક્તિ છે. પરાગે આઈઆઈટી મુંબઈથી અભ્યાસ કર્યો છે. જૈક ડોર્સીએ લખ્યું છે, ટ્વિટર સીઈઓ તરીકે મને ખૂબ વિશ્વાસ છે. છેલ્લાં 10 વર્ષમાં ઘણાં પરિવર્તન આવ્યા છે. હવે નેતૃત્વ કરવાનો સમય છે.

K- Kashi Vishwanath કોરિડોરનું ઉદ્ધાટન​​​​​​

દેશ નહીં વિદેશીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર વારાણસીમાં 13 ડિસેમ્બરની ખૂબ ઉજવણી કરાઈ. રોડ-રસ્તા, ગલી-ઘર બધુ સજાવવામાં આવ્યું. દિવાળીમાં ના થાય તેવી સજાવટ કરવામાં આવી હતી. આ દિવસે બાબા કાશી વિશ્વનાથના કોરિડોરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. મોદીએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. છેલ્લાં 3 વર્ષથી સમગ્ર દુનિયાના બાબા ભોળાનાથ ભક્તો આ દિવસની રાહ જોતા હતા. તેનું ઉદ્ધટાન પણ એટલું જ ભવ્ય રીતે કરવામાં આવ્યું, જેની બધાને આશા હતી. બાબા ધામને સજાવવા માટે સરકારે 800 કરોડનો ખર્ચ કર્યો. હવે ગંગામાં સ્નાન કર્યા પછી સીધા બાબાના દર્શન માટે જઈ શકાશે. મોકો મળે તો એકવાર ચોક્કસ જવુ જોઈએ.

L- Lakhimpur હિસામાં 8ના મોત

3 ઓક્ટોબર 2021 ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. ડેપ્યૂટી સીએમ અને ભાજપ નેતાઓના વિરોધમાં ત્યાં જ ખેડૂતોએ એક જનસભા કરી હતી. આરોપ છે કે, ખેડૂતોની હિંમત જોઈને કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રા ટેનીના દિકરા આશિષ મિશ્રાએ તેમના પર ગાડી ચડાવી દીધી હતી. ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા છે. તેમાં 4 ખેડૂત, 2 ભાજપ કાર્યકર્તા, 1 ડ્રાઈવર અને 1 પત્રકારનો જીવ ગયો હતો. હવે આ કેસની તપાસ SIT કરી રહી છે. બીજી બાજુ વિપક્ષ કેન્દ્રીય મંત્રીનું રાજીનામું માંગી રહ્યા છે.

M- Mamata Banerjee ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા

એક બાજુ વડાપ્રધાન મોદી સહિત બધા ટોપ સીનિયર નેતાઓની સભાઓ અને એક બાજુ માત્ર મમતા બેનરજી. ટક્કર હતી પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021ની. એક પછી એક ઘણાં નાના મોટા નેતાઓ ટીએમસી છોડીને બીજેપીમાં જોડાયા હતા. ચૂંટણી પહેલાં બંને તરફી માહોલ હતું, પરંતુ મતદાનના થોડા દિવસ પહેલાં જ મમતા ઘાયલ થયા હતા. ત્યારપછી મમતા બેનરજીએ વ્હિલ ચેર પર બેસીને પણ પ્રચાર પ્રસાર કર્યો હતો અને ત્યારપછી આખી ચૂંટણીનો માહોલ બદલાઈ ગયો. 2 મેના રોજ મતદાન થયું અને સતત ત્રીજી વખત મમતા મુખ્યમંત્રી બની ગયા. સરકાર બનાવવાનો દાવો કરનાર બીજેપી 77 સીટ પર જ સ્થાન મેળવી શકી.

N- Nagaland હત્યાકાંડ

વાત 4 ડિસેમ્બરની છે. નાગાલેન્ડના મોન જિલ્લામાં 8 લોકો જીપથી જઈ રહ્યા હતા. સામેથી આવતી સેનાની ગાડીમાંથી જીપ પર ફાયરિંગ થવા લાગ્યું. સેનાના આ નિષ્ફળ ઓપરેશન દરમિયાન અને તે પછી થેયલી પ્રતિક્રિયામાં 14 સામાન્ય લોકો અને એક સૈનિકનું મોત થયું હતું.

આ હત્યાકાંડ પછી રાજ્યમાં સેનાને વિશેષ સુરક્ષા આપતી Armed Forces Special Powers Act એટલે કે AFSPAને લઈને વિવાદ શરૂ થયો હતો. નાગાલેન્ડના લોકોની માગ હતી કે AFSPA જ આ પ્રકારના હત્યાકાંડને પ્રોત્સાહન આપે છે. તેમની માંગણી છે કે તેમના રાજ્યમાંથી આ સુવિધા હટાવવામાં આવે. આ હત્યાકાંડની પણ તપાસ ચાલી રહી છે.

O- Olympicમાં સોનાની ચમક

તારીખ 7 ઓગસ્ટ 2021, ભારતમાં બપોરના 2.15 થયા હતા. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે જાપાનના ટોક્યોમાં એક છોકરો 800 ગ્રામનો 7 ફૂટ લાંબો ભાલો લઈને દોડ્યો. તેણે એવી તાકાતથી ભાલો ફેંક્યો કે જોનાર દરેકના મોઢામાંથી નીકળી ગયું-વાહ...બીજી જ સેકન્ડે તે ઉંધો ફર્યો અને બંને હાથ હવામાં લહેરાવીને જીતની ઉજવણી કરવા લાગ્યો. જોકે એ સમયે તો ભાલો હજી હવામાં જ હતો. પરંતુ તેને વિશ્વાસ હતો કે તેનો ભાલો તે સફળતા સુધી પહોંચી જવાનો છે, જ્યાં એની ઈચ્છા હતી. ત્યારપછી 12 દેશોના ખેલાડીઓએ ભાલા ફેંકમાં ભાગ લીધો. પરંતુ તેનો રેકોર્ડ કોઈ ના તોડી શક્યું. આ રેકોર્ડ થ્રો 87.58 મીટરનો હતો. આ છોકરાનું નામ છે- નીરજ ચોપડા. હરિયાણામાં તેનો જન્મ થયો છે.

P- Punjab Congressમાં સંકટ

પોતાની જાતને અને પોતાની પાર્ટીને સંકટમાં મુકવી તે કોંગ્રેસ નેતાઓ માટે કોઈ નવી વાત નથી. 2021માં આ વારો હતો મજબૂત માનવામાં આવતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની. બેટ્સમેન રહેલા નવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન સામે જાહેરમાં એવા ચોગ્ગા-છગ્ગા માર્યા હતા કે અંતે કેપ્ટને પાર્ટી છોડવી પડી અને પોતાની નવી ટીમ બનાવવી પડી. જોકે હાલ તેમની ટીમને ભાજપની બી ટીમ પણ કહેવામાં આવે છે. કોંગ્રેસ સિદ્ધુને પંજાબની કમાન સોંપી અને પછી ચરણજીત સિંહને મુખ્યમંત્રી બનાવ્યા. રાજનીતિના ખેલાડીઓએ આને કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક કહ્યો. હકિકતમાં ચન્ની દલિત છે અને પંજાબની ત્રીજા ભાગની વસતિ દલિત છે.

પરંતુ વિવાદના અટક્યો. ચન્નીના મુખ્યમંત્રી બનતા જ સિદ્ધુએ રાજીનામાની જાહેરાત કરી દીધી. ઘણાં સમયની લાંબી વાતચીત પછી અંતે સિદ્ધુ માન્યા અને ચન્ની સાથે કામ કરવા રાજી થયા. હવે એટલું નક્કી છે કે, નવા વર્ષમાં થનારી પંજાબની ચૂંટણીઓ કોંગ્રેસ માટે સરળ નહીં હોય.

Q- Quad નેતાઓની વોશિંગ્ટનમાં બેઠક

અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાને પરત બોલાવી લેવામાં આવ્યાના એક મહિના પછી જ સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટનના વ્હાઈટ હાશમાં QUAD- ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નેતાઓની બેઠકે આખી દુનિયાનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું હતું. આ બેઠકનું મહત્વ એટલા માટે વધી ગયું કારણકે QUAD એક એવા સંગઠન તરીકે જોવામાં આવે છે જે ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનના વધતા પ્રભુત્વને કાઉન્ટર કરવા માટે કામ કરે છે.

QUADમાં થયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, QUADની ભાગીદારી દુનિયામાં શાંતિ અને પ્રગતિ કરશે. તેમણે એવું પણ કહ્યું કે, કેવી રીતે QUADની પહલ ઈન્ડો-પેસિફિક દેશોની મદદ કરશે અને 'દુનિયાની ભલાઈ માટે આ એક સારી તાકાત' બનશે.

R- Rafale પહોંચ્યું ભારત

રાફેલ છેલ્લાં ઘણાં વર્ષોથી ચર્ચામાં છે. 2019 લોકસભા ચૂંટણી અને ત્યાર પછી વિપક્ષે તે વિશે સરકાર પર કરપ્શનના આરોપ લગાવ્યા. પરંતુ સરકારે પીછેહટ પણ ના કરી અને ડિલ પણ કેન્સલ ના કરી. વર્ષ 2020માં 8 ઓક્ટોબરે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ફ્રાન્સ જઈને રાફેલની પૂજા કરી. તેના 9 મહિના અને 21 દિવસ પછી 5 રાફેલનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યો હતો. ભારતે 59,000 કરોડ રૂપિયાના ખર્ચે 36 વિમાનોની ખરીદી માટે ફ્રાન્સની કંપની દૈસો એવિયેશન સાથે કરાર કર્યા છે. ભારતની સેનાની મજબૂતી અને સુરક્ષા માટે રાફેલ ખૂબ મહત્વના છે.

S- Sidharth Shuklaનું મૃત્યુ

દેશના ચર્ચિત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુકલાનું મૃત્યુ 2 સપ્ટેમ્બરે હાર્ટ એટેકથી 40 વર્ષની ઉંમરે થયું હતું. 12 સપ્ટેમ્બર 1980ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધાર્થનો જન્મ થયો હતો. તેમણે ઘણી ચર્ચિત ટીવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. તે 2020માં ટીવી રિયાલિટી શો બિગ બોસની સિઝન-13 જીત્યા હતા.

બિગ બોસ વિનર બન્યા પછી સિદ્ધાર્થ શુકલાની લોકપ્રિયતામાં ઝડપી વધારો થયો હતો. ટીવી શો સિવાય સિદ્ધાર્થ શુકલા બે ફિલ્મો હમ્પટી શર્માની દુલ્હનિયા અને બિઝનેસ ઈન કજાકિસ્તાનમાં પણ જોવા મળ્યા હતા. તેમણે બે ટીવી શો સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયાજ ગેટ ટેલેન્ટ-6ને પણ હોસ્ટ કરી હતી. બિગ બોસ સિવાય સિદ્ધાર્થે વધુ એક રિયાલિટી શો ફિયર ફેક્ટરઃ ખતરો કે ખેલાડી-7માં પણ ભાગ લીધો હતો.

T- Talibanનો અફઘાનિસ્તાન પર કબજો

2 મે 2021ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પરત બોલાવવાની જાહેરાત કરી હતી. તે પછી તાલિબાનીઓએ પોતાની લડાઈને તેજ કરી હતી. ઓગસ્ટ આવતા-આવતા જ તાલિબાને સૂંપૂર્ણ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. રાષ્ટ્રપતિ અશરફ ગની ફરાર થઈ ગયા હતા. તાલિબાની ફાઈટર્સે તેમની ઓફિસો પર કબજો કર્યો હતો.

તાલિબાનના કબજાની સાથે જ અફઘાનિસ્તાનમાં અફરા-તફરી થઈ હતી. લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. વિમાનમાં જગ્યા ન રહી તો લોકો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તેની ઉપર ચઢી ગયા. તેના કારણે વિમાને જેવી ઉડાન ભરી કે તરત જ લોકો તેના પરથી પડ્યા હતા અને તેમાં ઘણા લોકોના મૃત્યુ થયા હતા.

U- Uttrakhandમાં પુરનું સંકટ

ઉત્તરાખંડમાં 2021માં ત્રણ મોટી પ્રાકૃતિક આફતોમાં ઘણા લોકોના મૃત્યુ થયા અને ઘણા લોકો ગુમ પણ થઈ ગયા હતા. ફેબ્રુઆરી 2021માં નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટ્યા પછી ચમોલી જિલ્લામાં પુર આવ્યું હતું અને પુરમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

પછી ઓગસ્ટમાં પિથૌરાગઢમાં ભારે વરસાદ દરમિયાન જુમ્મા ગામમાં વાદળ ફાટવાથી એક ગામમાં ત્રણ મકાન ધરાશાયી થયા હતા. આ ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા હતા. ઓક્ટોબરમાં કુમાઉંમાં ભારે વરસાદના કારણે આવેલા પુરથી 75 લોકોના મૃત્યુ થયા હતા.

V- Vaccineના રૂપમાં મળી સંજીવની

2021માં ભારતને વેક્સિનના રૂપમાં સંજીવની મળી. જોકે શરૂઆતમાં મોટાભાગના લોકો વેક્સિન લેવાથી ગભરાતા હતા. લોકોમાં ક્યાંકને ક્યાંક ડરનો માહોલ હતો. એવામાં લોકોને ભરોસામાં લેવા જરૂરી હતા. 1 માર્ચ 2021ના દિવસે, સવારના સમયે PMના આવાસેથી 16 ગાડીઓનો કાફલો નીકળ્યો હતો. આ કાફલાએ થોડા સમય સુધી રોજના રૂટે ચાલ્યા પછી અચાનક જ તેનો રૂટ બદલ્યો હતો. જ્યારે આ ગાડીઓ અચાનક જ એમ્સમાં ઘુસવા લાગી તો મીડિયા કર્મચારીઓ વિચારતા જ રહી ગયા હતા. પછીથી ટ્વિટર પર એક તસ્વીર શેર કરવામાં આવી હતી. આ દિવસે વડાપ્રધાન મોદીને વેક્સિન લગાવવામાં આવી હતી. તે પછીથી લોકોમાં વેક્સિનને લઈને જાગ્રૃતતા વધી હતી.

W- Wildfires વિશ્વના વિવિધ જંગલોમાં આગથી વિનાશ

2021માં પણ વિશ્વના ઘણા જંગલોમાં ભીષણ આગ લાગી હતી. માત્ર અમેરિકામાં જ 2021માં 76 લાખ એકરના જંગલમાં આગ લાગી હતી. જે 2020ની સરખામણીમાં 26 લાખ એકર ઓછી છે. કેલિફોર્નિયાના ડિક્સીમાં લાગેલી આગ 2021ની સૌથી મોટી જંગલની આગ હતી. જેને નિયંત્રિત કરવામાં આવે તે પહેલા જ 9 લાખ 60 હજાર એકર જંગલ ક્ષેત્રને નષ્ટ કર્યું હતું.

X- Xi જિનપિંગની તાકાત વધી​​​​​​

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 2021માં પોતાની સ્થિતિને વધુ મજબુત કરી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર તેમણે પોતાની પકડ વધુ મજબુત કરી લીધી. નવેમ્બરમાં કમ્યુનિસ્ટ પાર્ટીએ 40 વર્ષમાં પ્રથમ વખત પાસ કરેલા પોતાના ઐતિહાસિક સંકલ્પ પત્રમાં ચીનના વિકાસમાં શી જિનપિંગના નેતૃત્વને મહત્વનું ગણાવ્યું હતું. પાર્ટીના બે સૌથી મોટા નેતાઓ માઓત્સે તુંગ અને ડીન શીઆઓપિંગ સત્તા પર પોતાની પકડ મજબૂત કરવા માટે ક્રમશઃ 1945 અને 1945માં આવા જ સંકલ્પ પત્ર લાવ્યા હતા.

Y- Yediyurappaએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું​​​​​​​

બીએસ યેદિયુરપ્પા 26 જુલાઈ 2021ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના કારણે સમાચારમાં રહ્યાં હતા. બે વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપ્યા પછી 78 વર્ષીય યેદિયુરપ્પાએ પાર્ટીની અંદર થઈ રહેલી નીંદાના કારણે પદ છોડ્યું હતું. જોકે તેમણે ભાજપનો આભાર માન્યો હતો અને કહ્યું કે મેં પોતે જ પદ છોડ્યું છે. યેદિયુરપ્પાનું રાજીનામું એટલા માટે પણ વર્ષ 2021માં સમાચારમાં રહ્યું હતું કારણે તે એવા ચોથા મુખ્યમંત્રી હતા, જેમને ભાજપે પદ છોડવા માટે કહ્યું હતું.

Z- Zojila ટનલ

સપ્ટેમ્બર 2020માં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જોજિલા ટનલ(સુરંગ)ના પશ્ચિમ પોર્ટલનું નિરીક્ષણ કર્યું હતું. ગડકરીએ જાહેરાત કરતા કહ્યું હતું કે જોજિલા ટનલનું નિર્માણ વર્ષ 2024ના ગણતંત્ર દિવસ સુધીમાં પુરુ થઈ જશે. 14.15 કિમી લાંબી જોજિલા ટનલ ભારતની સૌથી લાંબી રોડ ટનલ અને એશિયાની સૌથી લાંબી બાઈ-ડાઈરેક્શનલ ટનલ હશે.

આ ટનલ બનવાના કારણે લેહ અને શ્રીનગરની વચ્ચે સમગ્ર વર્ષ દરમિયાન કનેક્ટિવિટી રહેશે. જોજિલા ટનલ પ્રોજેક્ટનો અનુમાનિત ખર્ચ 4600 કરોડ રૂપિયા છે. આ ટનલ ઉપરથી ઢંકાયેલી હશે.

અન્ય સમાચારો પણ છે...