તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 2020 Will Be Like A Strict Teacher, The Lessons Taught Will Take A Lifetime Of Work, Save What You Have Out Of These Seven ... Get What You Don't Have

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020?:2020 એક કડક શિક્ષક જેવું રહ્યું, જેણે ભણાવેલાં પાઠ આજીવન કામ લાગશે, આ સાતમાંથી જે તમારી પાસે છે તેને સાચવો...જે નથી તેને પ્રાપ્ત કરો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધીએ કહ્યું હતું- જ્યાં પ્રેમ છે ત્યાં જ જીવન છે. પ્રેમ સંસારની સૌથી શક્તિશાળી લાગણી છે. આ તસવીર ચીનની યાંગ્જૂ પીપલ્સ હોસ્પિટલની છે, જ્યાં બે ડૉક્ટર કોરોના સંઘર્ષ વચ્ચે પણ તેમના વેલેન્ટાઇન સાથે પ્રેમનો એકરાર કરી રહ્યા છે. - Divya Bhaskar
મહાત્મા ગાંધીએ કહ્યું હતું- જ્યાં પ્રેમ છે ત્યાં જ જીવન છે. પ્રેમ સંસારની સૌથી શક્તિશાળી લાગણી છે. આ તસવીર ચીનની યાંગ્જૂ પીપલ્સ હોસ્પિટલની છે, જ્યાં બે ડૉક્ટર કોરોના સંઘર્ષ વચ્ચે પણ તેમના વેલેન્ટાઇન સાથે પ્રેમનો એકરાર કરી રહ્યા છે.
34% લોકો ઇમ્યુનિટી વધારવા હવે નિયમિતપણે યોગ અને કસરત પર ધ્યાન આપી રહ્યા છે.
34% લોકો ઇમ્યુનિટી વધારવા હવે નિયમિતપણે યોગ અને કસરત પર ધ્યાન આપી રહ્યા છે.

1. સ્વાસ્થ્ય સૌથી મોટું ધન - સારું આરોગ્ય જીવનની પહેલી ખુશી છે
કહેવાય છે કે સારવારથી બહેતર છે કે આપણે તકેદારી રાખીએ, જેથી બીમાર જ ન પડીએ. કોરોના મહામારીના કારણે હવે ભારત સહિત દુનિયાભરના લોકોએ બીમારીથી બચવા પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં વીએલસીસીના વ્યાપક સરવેમાં સામે આવ્યું કે શહેરી વિસ્તારોમાં રહેતા 18 વર્ષથી વધુ વયના 78% લોકોએ કોરોનાને કારણે હવે ઇમ્યુનિટી વધારવા કોઇ ને કોઇ રસ્તો અપનાવ્યો છે. લોકો પોતાની ઇમ્યુનિટી અંગે પહેલાં કરતા ઘણાં વધારે સજાગ થઇ ગયા છે. દેશમાં 35% લોકોએ કોરોનાના કારણે સ્વસ્થ ખાણીપીણીની સારી ટેવો પાડી છે. 34% લોકો ઇમ્યુનિટી વધારવા હવે નિયમિતપણે યોગ અને કસરત પર ધ્યાન આપી રહ્યા છે.

કોરોનાકાળમાં...

  • 78% લોકોએ ઇમ્યુનિટી વધારવા કંઇ ને કંઇ કર્યું.
  • 03 ગણી વધી હેલ્થ ઇન્શ્યોરન્સ લેનારા લોકોની સંખ્યા કોરોના પછી.
  • જેઓ પહેલેથી બીમાર હતા તેમને જ સૌથી વધુ અસર થઇ
  • 20% લોકોના કોરોનાથી મોત થયા, જે પહેલેથી કોઇ ને કોઇ ગંભીર બીમારીથી પીડિત હતા.
  • 12 ગણા મોત ગંભીર બીમારીઓથી પીડિત લોકોના થયા. અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન રિપોર્ટ મુજબ.
  • દેશમાં 2%થી ઓછો રહ્યો કોરોનાથી મૃત્યુદર.

અમરત્વનો ચહેરો
આ 102 વર્ષનાં ઇટાલિકા ગ્રોન્ડોના છે. ઇટાલીનાં ઇટાલિકા 20 દિવસ સુધી કોરોનાથી પીડિત રહ્યાં. તેમની ઉંમરમાં આટલી જલદી રિકવરી ચમત્કારથી કમ નહોતી. ડૉક્ટર્સે તેમને ઇમમોર્ટલ ગણાવતાં કહ્યું હતું- ઇટાલિકાની રિકવરી એટલી ઝડપી હતી કે જાણે વાઇરસે પણ તેમની ઇચ્છાશક્તિ સામે હાર માની લીધી હતી. ઇટાલિકા 1917માં સ્પેનિશ ફ્લૂને પણ હરાવી ચૂક્યાં છે. તે વર્ષે જ તેમનો જન્મ થયો હતો.

અમેઝોને તેના વૈશ્વિક સ્ટાફમાં 4,27,300 નવા લોકો જોડ્યા
અમેઝોને તેના વૈશ્વિક સ્ટાફમાં 4,27,300 નવા લોકો જોડ્યા

2. હુન્નર સૌથી મોટી સુરક્ષા - તમે સ્કિલ્ડ અને અપડેટ છો તો સુરક્ષિત છો
સૌથી વધુ નોકરીઓ 30 વર્ષથી ઓછી વયના લોકોની ગઇ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના જણાવ્યાનુસાર આ વર્ગે જ નવી સ્કિલ્સ શીખવાની જરૂર છે.
દેશમાં લૉકડાઉનમાં સંગઠિત-બિનસંગઠિત ક્ષેત્રમાં કુલ મળીને 10 કરોડ લોકોએ નોકરી ગુમાવી. દુનિયાભરમાં 40 કરોડ લોકોની નોકરીને અસર થઇ. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રા. લિ.ના જણાવ્યાનુસાર, એપ્રિલથી શરૂ થયેલા લૉકડાઉનના કારણે 30 વર્ષથી ઓછી વયના લોકોની નોકરી પર સૌથી ખરાબ અસર પડી. 2020માં એપ્રિલથી જૂન સુધીના 3 મહિનામાં નોકરિયાતોની કુલ ટકાવારી 2019ની સરખામણીમાં 2.1% ઘટીને 18.8% પર આવી ગઇ. સૌથી વધુ અસર મહિલાઓની નોકરીઓ પર થઇ.

અમેઝોને રોજ સરેરાશ 1,400 કાબેલ સાથી ઉમેર્યા
અમેઝોન તેના વર્ક કલ્ચર માટે દુનિયાભરમાં જાણીતી છે. આ વર્ષે જાન્યુ.થી ઓક્ટો. દરમિયાન અમેઝોને તેના વૈશ્વિક સ્ટાફમાં 4,27,300 નવા લોકો જોડ્યા. મતલબ કે રોજ સરેરાશ 1,400 લોકોને નોકરી મળી. અમેઝોનમાં હવે કુલ 12 લાખ કર્મચારી થઇ ગયા છે.

98% યુવાનો હવે સ્કિલ વધારવા પર કામ કરી રહ્યા છે
કોરોના પછીની દુનિયામાં પોતાને ઢાળવા યુવા પ્રોફેશનલ્સ તેમની સોફ્ટ સ્કિલ્સ અને વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન મજબૂત કરવા માગે છે. ટેલેન્ટ 500 બાય એએનએસઆર કંપનીના જણાવ્યાનુસાર, 98% યુવાનો કોરોના પછીની દુનિયા માટે અપસ્કિલિંગ પર ભાર મૂકી રહ્યા છે.

54% કર્મીઓએ 2022 સુધીમાં અપગ્રેડ થવું પડશે
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના જણાવ્યાનુસાર, 2022 સુધીમાં ઓછામાં ઓછા 54% કર્મચારીઓને કામના બદલાયેલા માહોલ વચ્ચે ટકી રહેવા રિસ્કિલિંગ અને અપસ્કિલિંગની જરૂર પડશે. કોરોનાકાળમાં યુવાનોએ ઝડપથી નવી સ્કિલ્સ શીખવાની જરૂર છે.

100 દેશમાં 2.70 લાખ લોકોને આવરી લેતા એક વ્યાપક સરવેથી માલૂમ પડ્યું કે પરિવારનો સાથ અને સારા મિત્રો બંને સારા સ્વાસ્થ્ય અને ખુશીનું સૌથી મોટું કારણ બને છે.
100 દેશમાં 2.70 લાખ લોકોને આવરી લેતા એક વ્યાપક સરવેથી માલૂમ પડ્યું કે પરિવારનો સાથ અને સારા મિત્રો બંને સારા સ્વાસ્થ્ય અને ખુશીનું સૌથી મોટું કારણ બને છે.

3. પરિવાર સૌથી મોટો ભરોસો - મૂળિયાં સાથે જોડાયેલા રહેવું જરૂરી... પરિવાર સાથે હશો તો તણાવથી દૂર અને ખુશ રહેશો
ભારતીય મૂળના વિખ્યાત લેખક વી. એસ. નાયપોલે લખ્યું હતું કે ભારતીય પરિવાર એવા કુટુંબ છે કે જેમણે લોકોને સુરક્ષા અને ઓળખ આપીને ખાલીપણાથી બચાવ્યા. કોરોનાકાળે ખરા અર્થમાં પરિવારનું મહત્ત્વ સમજાવ્યું છે. કોર્નેલ યુનિ.ના વિઝિટિંગ ફેલો એટિન બ્રેટોએ ભારતમાં આધુનિકીકરણ તથા ઘરેલુ ફેરફારો અંગે અભ્યાસ કર્યો છે. તેમના જણાવ્યાનુસાર, ભારતીય ઘરોમાં કોઇ મોટો ફેરફાર નથી દેખાયો. લોકો હજુ પણ સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરે છે. આ એક જ કારણથી કોરોનાકાળમાં ભલે સોશિયલ ડિસ્ટન્સિંગમાં મુશ્કેલી પડી હશે પણ સ્વજનોની સાથે રહેનારાઓમાં સંબંધોમાં ડિસ્ટન્સિંગ ન આવ્યું અને નિકટતા વધી. એકંદરે, જો તમે પરિવાર સાથે હશો તો પોતાને વધુ સુરક્ષિત અનુભવશો.

લૉકડાઉને લોકોને પારિવારિક ભૂલો સુધારવાની તક આપી : ધ ઇકોનોમિસ્ટ
ગોદરેજ ઇન્ટિરિયોના એક સરવે મુજબ, ભારતના 56.7% લોકોના જીવનમાં વર્ક-લાઇફ બેલેન્સ નહોતું. લૉકડાઉન બાદ હવે પ્રમાણમાં વધુ લોકો સંબંધોને બહેતર બનાવવા સમય કાઢી રહ્યા છે. ધ ઇકોનોમિસ્ટે 11 દેશમાં કરેલા વિશ્લેષણમાં સામે આવ્યું છે 1દિવસમાં માતા સંતાનો સાથે સરેરાશ 104 મિનિટ વીતાવે છે જ્યારે પિતા 59 મિનિટ જ આપી શકે છે. 34%ને એવો વસવસો હતો કે તેઓ સંતાનો સાથે સમય નથી વીતાવી શકતા પણ લૉકડાઉનના કારણે સંતાનો સાથે સમય વીતાવી શક્યા.

કોરોનામાં જે પરિવારો સાથે હતા ત્યાં કોરોનાનો તણાવ નહોતો : સ્ટડી
IIM, ઇન્દોરના એક સ્ટડીમાં સામે આવ્યું કે કોરોનાકાળમાં સંયુક્ત પરિવારોમાં એકસાથે ખુશ રહીને સમય વીતાવવાથી કોરોનાનો તણાવ ઘટવા ઉપરાંત પરિવારમાં એકબીજા પર વિશ્વાસ વધ્યો. સંયુક્ત પરિવારમાં જ્યાં દાદી-દાદી અને પૌત્ર-પૌત્રી એક છત નીચે રહેતા હોય ત્યાં સૌથી ઓછો તણાવ હોય છે. સ્ટડીમાં સામે આવ્યું કે આ દરમિયાન લોકોના પરસ્પરના સંબંધો પણ મજબૂત બન્યા છે.

વર્ક ફ્રોમ હોમ પસંદ બન્યું
તેલંગાણા ઇન્ફર્મેશન ટેક્નોલોજી એસો.ના સરવે મુજબ 82% આઇટી કર્મી ઘરેથી કામ કરવા માગે છે. મુખ્ય કારણ સ્વજનો વચ્ચે સમય વીતાવવો છે. 57% આઇટી પ્રોફેશનલ્સ વર્ક ફ્રોમ હોમ માટે ઓનસાઇટ મળેલી સારી તકો ઠુકરાવી રહ્યા છે.

કોરોના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ સંસ્થાઓને વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવા આમંત્રિત કરી
કોરોના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ સંસ્થાઓને વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવા આમંત્રિત કરી

4. શિક્ષણ જીવનમાં સૌથી અનિવાર્ય - તેથી કરોડો શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતાં રહ્યાં
શિક્ષણ ભવિષ્યમાં માનવતાનું રોકાણ છે. તેથી આખી દુનિયામાં સ્કૂલ-કોલેજ બંધ થઇ ગઇ ત્યારે પણ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતાં જ રહ્યાં. કોરોના બાદ સૌથી મોટો ફેરફાર શિક્ષણમાં જ આવ્યો. કોરોના મહામારી ફેલાયા પહેલાં દેશની અંદાજે 40 હજાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી મોટાભાગની સંસ્થાઓ પાસે ઓનલાઇન અભ્યાસ શરૂ કરવાની મંજૂરી નહોતી પણ કોરોના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ સંસ્થાઓને વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવા આમંત્રિત કરી તો તે સંસ્થાઓ તે માટે તૈયાર નહોતી. જોકે, બાદમાં બધાએ પરિવર્તનને સ્વીકારી લીધું.

  • 3 ગણો વધારો થયો છે ઓનલાઇન શિક્ષણ આપતા બાયજૂ, વેદાન્તુ, અનએકેડમી વગેરે જે સ્ટાર્ટઅપના સબસ્ક્રિપ્શન તથા ઍપ ડાઉનલોડમાં માર્ચની સરખામણીમાં.
  • 350 અબજ ડૉલર સુધી પહોંચવાનું અનુમાન છે (2025 સુધીમાં) એજ્યુકેશન-ટેક્નિક (એડટેક) સાથે જોડાયેલી તમામ વસ્તુઓનું બજાર. 2019માં તે 18.66 અબજ ડૉલરનું હતું. તમારા ખર્ચ પછી જે બચે તેટલું ન બચાવો. બચત પછી જે બચે તેટલો જ ખર્ચ કરો.- વૉરન બફેટ

5. બચત સૌથી મોટો મિત્ર - તમે પૈસા બચાવશો તો પૈસા તમને બચાવશે
ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યાનુસાર 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન)માં લોકોની બચત વધીને 8.16 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ, જે જીડીપીના 21.4% છે. અમેરિકામાં કોરોના પૂર્વે લોકો રિટાયરમેન્ટ માટે પૈસા બચાવવા અંગે વિચારતા હતા ત્યાં વેલ્થ ક્રિએટ ફાયનાન્સિયલના જણાવ્યા મુજબ હવે 60% લોકોમાં ટ્રેન્ડ કટોકટીના સમય માટે પૈસા બચાવવા અને સ્વાસ્થ્ય પર વધ્યો છે. કોરોનાએ લોકોની બચતની પ્રાથમિકતાઓ તથા પદ્ધતિઓ બદલી નાખી છે. બાળકોના અભ્યાસ અને તેમના લગ્ન માટે બચત કરવાના બદલે લોકો હવે સ્વાસ્થ્ય માટે બચત કરી રહ્યા છે. હાલ ચિંતાનો મુખ્ય વિષય કોરોના છે.

આ વર્ષે બચતનો રેકોર્ડ - 8.16 લાખ કરોડ રૂ.ની બચત થઇ આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ, અગાઉના ત્રિમાસિક ગાળામાં 3.31 લાખ કરોડ રૂ.ની હતી

ઇમરજન્સી ફંડ નવો ટ્રેન્ડ

  • કોરોના બાદ દુનિયાભરમાં લોકો હવે ઇમરજન્સી ફંડ પર ધ્યાન આપી રહ્યા છે. ઓછામાં ઓછી 6 મહિનાની જરૂરિયાત જેટલા પૈસા કટોકટીની સ્થિતિ માટે બચાવી રાખવા જોઇએ. તેને ઇમરજન્સી ફંડ કહે છે. મેગ્નિફાય મની સરવે મુજબ, કોરોના દરમિયાન દર 10માંથી 4 લોકોએ ઇમરજન્સી ફંડનો ઉપયોગ કર્યો.
  • કરકસર હવે સિદ્ધાંત બન્યો
  • રિસર્ચ ફર્મ કેન્ટરના સરવેમાં એવું પણ સામે આવ્યું કે ઘર/કાર ખરીદવા, ફરવું પણ લોકોની પ્રાથમિકતામાં નીચલા ક્રમે આવી ગયું છે. હવે સૌથી મોટી પ્રાથમિકતા સ્વાસ્થ્ય થઇ ગઇ છે. લોકો કોઇ હેલ્થ ઇમરજન્સી માટે તૈયારી કરી રાખવા માગે છે. પૈસા બચાવવાને પહેલી પ્રાથમિકતા આપી રહ્યા છે.

નિષ્ણાતોના મત મુજબ આટલી બચત કરવી...

  • 50% જીવનનિર્વાહ પર ખર્ચ થવા જોઇએ.
  • 20% પૈસા ટૂંકા-લાંબા ગાળાના લક્ષ્યો માટે રાખવા, એટલે કે બચત.
  • 30% પૈસા પ્રવાસ, બહાર જમવું વગેરે જેવા ખર્ચ માટે રાખવા.
  • સલાહ : અજીત કુમાર, પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ

બચત કેવી હોવી જોઇએ?
તમારા ખર્ચ પછી જે બચે તેટલું ન બચાવો. બચત પછી જે બચે તેટલો જ ખર્ચ કરો. - વૉરન બફેટ

50 લાખથી વધુ કંપનીઓ ખરાબ રીતે અસરગ્રસ્ત થઇ દુનિયાભરમાં. ફોર્ચ્યુન 1000માં સામેલ 94% કંપનીઓને ખરાબ અસર થઇ. -કેપીએમજી
50 લાખથી વધુ કંપનીઓ ખરાબ રીતે અસરગ્રસ્ત થઇ દુનિયાભરમાં. ફોર્ચ્યુન 1000માં સામેલ 94% કંપનીઓને ખરાબ અસર થઇ. -કેપીએમજી

6. બિઝનેસ પરિવર્તનથી શક્ય - તમે નહીં બદલાવ તો તમને બદલી નંખાશે
આ કપરા કાળે બિઝનેસને 180 ડિગ્રી બદલી નાખ્યો. ભારતમાં લૉકડાઉન શરૂ થયાથી ઓગસ્ટ સુધીમાં 51,807 નવી કંપનીઓ રજિસ્ટર થઇ. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ મંત્રાલયના રિપોર્ટ મુજબ, આ ગાળામાં માત્ર 9 કંપની બંધ થઇ કે તેમનું કામ બંધ થયું. કોરોના જેવી મહામારી હોય કે આર્થિક મંદીનું સંકટ, આ દરમિયાન કામની પ્રકૃતિમાં હંગામી ફેરફાર થાય છે પણ કેટલાક ફેરફાર કાયમી હોય છે. દા.ત. અમેરિકામાં 9/11ના હુમલા બાદ એર ટ્રાફિકને થોડો સમય અસર થઇ પણ બાદમાં સ્થિતિ સુધરી ગઇ પણ વિશ્વના દેશોનું પ્રાઇવસી અને સુરક્ષા મુદ્દે વલણ કાયમ માટે બદલાઇ ગયું, લોકો પર દેખરેખ વધી ગઇ.

એરિક યુઆન બિઝનેસ પર્સન ઑફ ધ યર બન્યા
ઝૂમ ઍપના ફાઉન્ડર એરિક યુઆનને ‘ટાઇમ’ મેગેઝિને બિઝનેસ પર્સન ઑફ ધ યર જાહેર કર્યા છે. એરિકના અમેરિકાના વિઝા સતત 8 વખત રદ થયા હતા. ઝૂમનો પ્રોફિટ ગત વર્ષની તુલનાએ 3300% વધ્યો છે. એરિક ભવિષ્ય પારખી ગયા હતા, જેથી સફળ થયા.

બિઝનેસની હવે ચાર શક્યતા : કેપીએમજી
1. ડિજિટલ : કન્ઝ્યુમર સેક્ટરમાં લોકો ડિજિટલ તરફ કાયમી ધોરણે શિફ્ટ થઇ જશે. મૉલમાં ખરીદી પડકારજનક હોઇ શકે છે.
2. ઓનલાઇન હેલ્થકેર : હેલ્થકેર સેક્ટરમાં ટેલીહેલ્થ અને ડિજિટલ હેલ્થ પર અગાઉ ધીમી ગતિએ કામ થઇ રહ્યું હતું પણ કોરોનાના કારણે 80% ડૉક્ટર્સ ઓનલાઇન કે ફોન પર કન્સલ્ટિંગ કરી રહ્યા છે.
3. ટેક કંપનીઓનું વિસ્તરણ : કોરોના બાદ ટેક કંપનીઓ ઝડપથી વધશે. આ વર્ષ ટેક કંપનીઓના નામે રહ્યું.
4. 5Gની માગ : વર્ક ફ્રોમ હોમના કારણે ટેલીકોમ ક્ષેત્રનું મહત્ત્વ વધી ગયું છે. હવે 5Gની માગ ઝડપથી વધી છે.

7. જીવન મૂલ્યોથી જ જીવન - ધીરજ રાખો, દયા દાખવો, પરિવર્તનથી ડરશો નહીં, કેમ કે...

મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી

ધીરજ ગુમાવવી એક જીતેલો જંગ ગુમાવવા બરાબર છે. - મહાત્મા ગાંધી
આજના સંદર્ભમાં અર્થ- વિશ્વને વેક્સિન મળી ચૂકી છે. આશા છે કે નવા વર્ષમાં આપણે કોરોના સામે નિર્ણાયક જંગ જીતી લઇશું. તેથી જીવનમાં ધીરજ રાખતા શીખો.

ખલીલ જિબ્રાન
ખલીલ જિબ્રાન

દયા એવો બરફ છે કે તે જેને ઢાંકી લે તે વધુ સુંદર બની જાય છે.- ખલીલ જિબ્રાન
આજના સંદર્ભમાં અર્થ- આ વર્ષ વિશ્વની દરેક વ્યક્તિ માટે મુશ્કેલીભર્યું રહ્યું છે. જીવનમૂલ્યોની ખરી કસોટી આ વર્ષે જ થઇ. તેથી જેઓ જરૂરિયાતમંદ છે તેમના પ્રત્યે હંમેશા કરુણા રાખો.

જ્યોર્જ બર્નાર્ડ શૉ
જ્યોર્જ બર્નાર્ડ શૉ

જેઓ પોતાને બદલી નથી શકતા તેઓ કંઇ જ નવું નથી કરી શકતા. - જ્યોર્જ બર્નાર્ડ શૉ
આજના સંદર્ભમાં અર્થ- રોજ પોતાનામાં ફેરફાર અનુભવો. રોજ નવું શીખવા પ્રયાસ કરો, કેમ કે તે નવું જ આપણને આવનારા વર્ષોમાં કામ લાગવાનું છે. આ જ 2020ની સૌથી મોટી શીખ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો