તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખદ નિધન:1983 વર્લ્ડકપની કપિલ દેવની ટીમના એક ખેલાડી 'અચાનક આઉટ', યશપાલ શર્માનું હાર્ટ-અટેકથી મોત

21 દિવસ પહેલા
 • કપીલદેવ સહિતના સાથી ક્રિકેટરોએ વ્યક્ત કર્યુ દુ:ખ
 • 1978માં ક્રિકેટમાં કરિયરની શરુઆત કરી હતી

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું મંગળવારે સવારે અવસાન થયું છે. યશપાલ શર્મા 1983માં જ્યારે ભારત પહેલીવાર વિશ્વકપ જીત્યુ ત્યારની ટીમમાં તેમનું સ્થાન હતું અને એ ટીમમાં તેમણે એક મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમના મૃત્યુના સમાચાર પછી ખેલજગતમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983ની વિશ્વવિજેતા ટીમનો ભાગ એવા યશપાલ શર્માનું હાર્ટ-અટેકના કારણે નિધન થયું છે. યશપાલ શર્માએ 1978માં ડેબ્યુ કર્યું હતું અને 1985માં પોતાની છેલ્લી વન-ડે મેચ રમ્યા હતા.

યશપાલ શર્માએ ભારત માટે કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 34ની એવરેજથી 1606 રન બનાવ્યા હતા અને 42 વન-ડેમાં યશપાલ શર્માએ 883 રન બનાવ્યા હતા.

વિશ્વવિજેતા ટીમનો મહત્ત્વનો ભાગ
યશપાલ શર્મા 1983 ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો. તેમણે આ વિશ્વકપમાં કૂલ 8 ઇનિંગ્સમાં 34.28ની એવરેજથી 240 રન નોધાવ્યા હતા. યશપાલ શર્માએ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી પ્રથમ મેચમાં 89 રન બનાવ્યા હતા. જેમાં ભારતની જીત થઇ હતી. જેના બાદ સેમફાઇનલમાં તેમણે 61 રનની ઇંનિગ્સ રમી હતી, અને ભારતે ઇંગ્લેન્ડ સામે જીત મેળવી હતી.

મારી જીંદગી દિલીપકુમારજીએ બનાવી: યશપાલ
ભારતે 1983 માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો, યશપાલ શર્મા પણ આ ટીમના ભાગ હતા. યશપાલને શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવામાં દિલીપકુમારે મોટી ભૂમિકા નિભાવી હતી. યશપાલ શર્માએ પોતે પણ આ હકીકત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી દિલીપ સાહેબ મારા પ્રિય રહેશે. લોકો તેને દિલીપકુમાર કહે છે, હું તેને યુસુફ ભાઈ કહું છું. તેણે જ ક્રિકેટમાં મારું જીવન બનાવ્યું હતું.

કપીલદેવ સહિતના સાથી ક્રિકેટરોએ વ્યક્ત કર્યુ દુ:ખ
1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા કપિલદેવે કહ્યું કે મારી પાસે શબ્દો નથી. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને હું ચોંકી ગયો છું. હું મારી જાતને સંભાળી શકતો નથી. દિલીપ વેંગસરકર એ કહ્યું કે અમે બંને સારા મિત્રો હતા. હું તેના મૃત્યુના સમાચાર પર વિશ્વાસ કરી શકતો નથી.

1978માં ક્રિકેટમાં કરિયરની શરુઆત કરી હતી
યશપાલ શર્મા વિકેટકીપરની સાથે મધ્યમ ઝડપી બોલર પણ હતો. તેમણે ટેસ્ટ અને વનડેમાં 1-1 વિકેટ પણ લીધી હતી. તેમણે 13 ઓક્ટોબર 1978 ના રોજ તેમની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વનડેથી કરી હતી. આ મેચ પાકિસ્તાન સામે સિયાલકોટમાં રમવામાં આવી હતી. પછીના વર્ષે તેમણે ઇંગ્લેન્ડ સામે પણ ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. આ મેચ 2 ઓગસ્ટ 1979 ના રોજ લોર્ડ્સ ખાતે રમાઈ હતી.

યશપાલનાં કરિયરને જોડાયેલી કેટલીક ખાસ વાતો

 • યશપાલ શર્માનો જન્મ 11 ઓગસ્ટ 1954ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો.
 • યશપાલે શાળામાંથી રમતી વખતે 260 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ લાઇમલાઇટ આવ્યા.
 • યશપાલે 13 ઓક્ટોબર 1978 ના રોજ તેમની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વનડેથી કરી હતી.
 • તેમણે ઓગસ્ટ 1979 માં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ રમી હતી.
 • 1983ના વર્લ્ડ કપ ફાઇનલમાં તેમણે વેસ્ટ ઇન્ડીઝ સામે 11 રન બનાવ્યા હતા.
 • ખરાબ ફોર્મના કારણે વર્લ્ડ કપ પછી યશપાલની કારકિર્દી સતત ઘટતી રહી.
 • પહેલા તેમને ટેસ્ટ ટીમમાંથી કાઢવામાં આવ્યા ત્યાર પછી વન-ડે માં પણ પરત આવી શક્યા નહોતા
 • યશપાલે પોતાની છેલ્લી ટેસ્ટ નવેંબર 1983માં અને છેલ્લી વન-ડે જાન્યુઆરી 1985માં રમી હતી
 • 37 વર્ષની ઉંમરે યશપાલે રેલ્વે તરફથી રમતા 1991-92માં સતત સદીઓ ફટકારી હતી.
 • સતત સદીઓ ફટકારી છતા ટીમમાં સ્થાન ન પામતા તેમણે ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી
 • નિવૃતી પછી કેટલીક મેચોમાં એમ્પાયરીંગ પણ કરી હતી. ત્યાર પછી ટીમ ઇન્ડિયાના સિલેક્ટર તરીકે તેમની નીમણૂક થઇ
 • યશપાલ 2003 થી 2006 સુધી સિલેક્ટર રહ્યા. તેમને 2008માં ફરી સિલેક્ટર બનાવવામાં આવ્યા
અન્ય સમાચારો પણ છે...