• Gujarati News
  • National
  • 18,000 Crore Saved In The Pockets Of Vaccine Companies; The Center Will Get Rs 150 Per Dose For Both Vaccines

યુ-ટર્ન વાજબી છે:વેક્સિન કંપનીઓનાં ખિસ્સાંમાં જતા 18 હજાર કરોડ રૂપિયા બચ્યા; કેન્દ્રને 150 રૂપિયા પ્રતિ ડોઝ મળશે બંને વેક્સિન

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • અગાઉ રાજ્યોને કોવિશીલ્ડ 300 રૂપિયા અને કોવેક્સિન 400 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે મળી રહી હતી

કેન્દ્ર સરકારે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિન ખરીદવાનું શરૂ કર્યું છે, સાથે એ પણ નક્કી કરી લીધું છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિન, બંનેની રસી કેન્દ્ર સરકાર 150 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે ખરીદશે. રાજ્યોને કોવિશીલ્ડ 300 રૂપિયા અને કોવેક્સિન 400 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે મળી રહી હતી.

કેન્દ્રએ રાજ્યોના હિસ્સાની 25 ટકા ખરીદી પોતે કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં ખરીદી રાજ્યોએ કરવાની હતી, જેમાં તેમના 34720 હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ જતા હતા. હવે એના માટે કેન્દ્ર સરકારના 16800 કરોડ રૂપિયા ખર્ચ થશે, એટલે કે 17920 કરોડ રૂપિયા બચી જશે.

કેન્દ્રએ 18થી 44 વર્ષ માટે પ્રથમ તબક્કામાં 44 કરોડ ડોઝના ઓર્ડર આપ્યા છે. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પાસેથી જૂની કિંમતે જ રસી ખરીદવામાં આવશે. કંપનીઓ એવું ઈચ્છે છે કે અગાઉ જે કિંમતે તેમની રસીને રાજ્યોએ ખરીદી હતી એ જ કિંમતે કેન્દ્ર પણ ખરીદે. જોકે કેન્દ્રએ આમ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. જોકે કંપનીઓને વેક્સિન સપ્લાઈ નક્કી સમયમાં સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

કેન્દ્ર 18-44 વર્ષની ઉંમરના માટે 112 કરોડ ડોઝ ખરીદશે, ડિસેમ્બર સુધી બધાને રસી આપવાનું લક્ષ્ય
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, 18થી 44 વર્ષના 60 કરોડ લોકોને વેક્સિન લાગશે. તેમાંથી 4 કરોડને રસી લાગી ચૂકી છે, બાકીના 56 કરોડને 112 કરોડ ડોઝ લાગવાના બાકી છે, જે કેન્દ્ર ખરીદીને રાજ્યોને આપશે. દેશમાં 90 ટકા વેક્સિન કોવિશીલ્ડ લાગી રહી છે, જ્યારે 10 ટકા કોવેક્સિન લાગી રહી છે.

112 કરોડ ડોઝમાં કોવિશીલ્ડના 100.8 કરોડ ડોઝ માટે 300 રૂપિયાના હિસાબથી 30240 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. આ રીતે કોવેક્સિનના 11.2 કરોડ ડોઝ માટે લગભગ 4480 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. જોકે હવે કોવિશીલ્ડ પર 15120 કરોડ અને કોવેક્સિન પર માત્ર 1680 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ખાનગી હોસ્પિટલોમાં રસી પહેલાંની જેમ જ મોંઘી કિંમતે લાગશે
ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડ 600 રૂપિયા અને કોવેક્સિન 1200 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે મળશે. હોસ્પિટલો 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકશે, એટલે કે જીએસટી સહિત કોવિશીલ્ડ 780 રૂપિયા અને કોવેક્સિન 1410 રૂપિયા પ્રતિ ડોઝના ભાવે લાગશે.

વેક્સિન મિક્સિંગ પર ટ્રાયલની યોજના બનાવી રહી છે સરકાર
દેશમાં ઝડપથી સ્ટડી શરૂ થશે કે એક જ વ્યક્તિને અલગ-અલગ કંપનીનો વેક્સિન ડોઝ આપવાથી શું અસર થાય છે? વેક્સિન મિક્સિંગને વૈજ્ઞાનિક શબ્દોમાં વિષમ પ્રતિરક્ષણ કહેવામાં આવે છે. તેમાં કોઈ કંપનીની રસીની અછત થવા પર વ્યક્તિ બીજો ડોઝ બીજી કોઈપણ કંપનીનો લગાવી શકે છે.

આ સંબંધમાં જર્મન, ફ્રાન્સ સહિત ઘણા દેશ પહેલેથી અભ્યાસ કરી ચૂક્યા છે. ભારતમાં હાલ તેની પરવાનગી આપવામાં આવી નથી. ભારતમાં હાલ કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-વીની રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે બીજો ડોઝ અલગ કંપનીનો હોવાથી વાયરસની વિરુદ્ધ પ્રતિરક્ષા વધુ મજબૂત થશે.

કેટલાક દેશોમાં કોવિશીલ્ડ/એસ્ટ્રાજેનેકા જેવી વાઈરલ વેક્ટર રસી પર આ પ્રયોગ યોગ્ય સાબિત થયો છે. એને જોતાં સરકારે સ્ટડી કરાવવાની તૈયારી કરી છે. આગામી થોડા દિવસોમાં એની જાહેરાત કરવામાં આવી શકે છે.