• Gujarati News
  • National
  • 16 East DGP, 27 IPS Wrote A Letter To The President Expressing Concern Over PM Modi's Security Lapses

પીએમની સુરક્ષામાં ક્ષતિનો મામલો:16 પૂર્વ DGP, 27 IPSએ રાષ્ટ્રપતિને પત્ર લખી PM મોદીની સુરક્ષામાં ચૂક બદલ ચિંતા દર્શાવી

નવી દિલ્હી/ચંદીગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેલી માટે પંજાબના ફિરોઝપુર જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરુવારે 3 સભ્યની તપાસ સમિતિ રચી, જેમાં સુધીરકુમાર સક્સેના (સચિવ, કેબિનેટ સચિવાલય), બલબીર સિંહ (જોઇન્ટ ડાયરેક્ટર, આઇબી) અને એસ. સુરેશ (આઇજી, એસપી) સામેલ છે. સમિતિને જલદી રિપોર્ટ સોંપવા કહેવાયું છે.

આ પહેલાં પંજાબ સરકારે રિટાયર્ડ જસ્ટિસ મેહતાબ ગિલ અને ગૃહવિભાગના મુખ્ય સચિવ અનુરાગ વર્માની બે સભ્યની સમિતિ રચી, જેણે 3 દિવસમાં રિપોર્ટ સોંપવાનો છે. ગુરુવારે પંજાબ સરકારે કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક મામલે તમામ મુદ્દે સઘન તપાસ થશે. દરમિયાન, યુપી, એમપી, દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં ભાજપના નેતાઓએ વડાપ્રધાનની સુરક્ષા માટે મંદિરોમાં પૂજા-અર્ચના કરી. બીજી તરફ દેશના 16 પૂર્વ ડીજીપી સહિત 27 આઇપીએસ અધિકારીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે.

પીએમ મોદી રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા
વડાપ્રધાને ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી. કોવિંદે પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકની ઘટના મામલે ચિંતા વ્યક્ત કરી.

સોનિયાએ ચન્ની સાથે વાત કરી, કહ્યું- પીએમ સમગ્ર દેશના, તપાસ થવી જોઇએ
કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક મામલે ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ચન્ની સાથે વાત કરી. સૂત્રોના જણાવ્યાનુસાર સોનિયાએ ચન્નીને કહ્યું કે વડાપ્રધાન આખા દેશના છે. તેમની સુરક્ષામાં ચૂક થઇ હોય તો સઘન તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

સુપ્રીમકોર્ટમાં આજે સુનાવણી
પીએમની સુરક્ષામાં ચૂક મામલે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની દાદ માગતી અરજી સુપ્રીમકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ મામલે આજે સુનાવણી થશે. સિનિયર લૉયર મનિન્દર સિંહે આને ગંભીર બેદરકારી ગણાવી તપાસની માગ કરી છે.

ખતરાની વાતો મનઘડંત: સંયુક્ત કિસાન મોરચો
સંયુક્ત કિસાન મોરચાએ ગુરુવારે કહ્યું કે ઘટનાના વીડિયોથી સ્પષ્ટ છે કે દેખાવકારી ખેડૂતોએ વડાપ્રધાનની નજીક જવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. હાથમાં ભાજપના ઝંડા સાથેનું એક જૂથ ‘નરેન્દ્ર મોદી જિંદાબાદ’ના નારા લગાવતું પીએમના કાફલા નજીક પહોંચ્યું હતું. તેથી વડાપ્રધાનના જીવને જોખમવાળી વાત મનઘડંત છે.

અન્ય સમાચારો પણ છે...