દિલ્હીમાં લાગેલી આગ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી CM સિસોદિયા ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.
150 લોકોને બચાવાયા, 19 લાપતા; બિલ્ડિંગના માલિકની અટકાયત; NDRFની પણ મદદ લેવાઈ
દિલ્હીમાં શુક્રવારે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ફાયર સ્ટાફના બે કર્મચારીનો પણ સમાવેશ થાય છે. 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, 19 લોકો હજુ લાપતા છે. પોલીસે બિલ્ડિંગના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી લીધી છે.
આગ લાગવાની જાણ શુક્રવાર સાંજે 4.40 વાગ્યે મળી હતી. સાત કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે રાતના 12 વાગ્યે ફરી આગ લાગી હતી, જેને ત્યાં હાજર ફાયર સ્ટાફે કાબૂ કરી લીધી હતી. રેસ્ક્યૂ ટીમે બિલ્ડિંગના કાચ તોડીને લોકોને બચાવ્યા હતા. રાત્રે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
150 લોકોને રેસ્ક્યૂ કરાયા
જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં ઘણી કંપનીની ઓફિસો હતી. અહીં લગભગ 150 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. 100 લોકોની ટીમને તહેનાત કરાઈ હતી. દિલ્હી પોલીસે ઘટનાસ્થળની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો હતો, જેનાથી ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય. DM ઓફિસે હેલ્પનાઈન નંબર 011-25195529, 011-25100093 બહાર પાડ્યો હતો.
મૃત્યુઆંક વધી શકે છે
બપોરે લગભગ 1 વાગ્યે આઉટર દિલ્હીના ડીસીપી સમીર શર્માએ કહ્યું, 'બિલ્ડિંગમાં બચાવકાર્ય હજુ પૂર્ણ થયું નથી. કદાચ અહીં કેટલાક વધુ મૃતદેહો મળી શકે છે. અત્યારસુધી જે મૃતદેહો મળ્યા છે એ એવી હાલતમાં હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, જેથી પોલીસ ફોરેન્સિક ટીમની મદદ લેશે. ગુમ થયેલા લોકો સાથે તેમનાં સેમ્પલની તપાસ કરાશે, જેથી મૃતકોની ઓળખ થઈ શકે. ગુમ થયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે.
બિલ્ડિંગના માલિકની અટકાયત
દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544 પાસે બનેલી આ ઈમારત 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેને ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડે આપવામાં આવી છે. આ બિલ્ડિંગની ફાયર એનઓસી ન હતી. પોલીસે બિલ્ડિંગના માલિક હરીશ ગોયલ, વરુણ ગોયલને કસ્ટડીમાં લીધા છે.
CCTV ગોડાઉનમાં શોર્ટસર્કિટથી આગ
બિલ્ડિંગના પહેલા માળે CCTV ફેક્ટરી અને વેરહાઉસ છે. અહીં શોર્ટસર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા. ઈમારતમાં પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ સરખો ન હોવાથી બચાવ કામગીરી જલદી શરૂ થઈ શકી નથી. જગ્યા ખૂબ જ ગીચ હોવાને કારણે બચાવ ઓપરેશનમાં મોટી મુશ્કેલીઓ પડી રહી હતી.
ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બિલ્ડિંગના તમામ ફ્લોર પર બધું જ ખાક થઈ ગયું છે. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં સામાન ઘણો જ હતો. આ કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી તકલીફ પડી હતી. બિલ્ડિંગના ત્રણ માળ પૈકી બે માળની તપાસ પૂરી કરવામાં આવી છે, ત્રીજા માળે તપાસ ચાલુ છે.
લોકો ગભરાઈને બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા
બિલ્ડિંગની બારીઓમાંથી નીકળતા ધુમાડા વચ્ચે લોકોને જેસીબી મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક લોકો દોરડાની મદદથી નીચે આવ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતા, તેમને ઇજા પહોંચી હતી. ફાયરબ્રિગેડની 27 ગાડી ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પણ તહેનાત હતી. આસપાસના ગામના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવામાં મદદ કરી હતી.
જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
સ્થાનિક લોકોએ જણાવ્યું હતં કે બિલ્ડિંગમાં જગ્યા ઓછી અને વધુ લોકો કામ કરતા હતા. આવી સ્થિતિમાં જ્યારે આગ લાગી ત્યારે અફરાતફરી મચી ગઈ હતી, એને કારણે લોકો પોતાને બચાવીને બહાર નીકળી ન શક્યા અને અકસ્માતનો ભોગ બન્યા. અહીં એક સીસીટીવી વેરહાઉસ હતું. વેરહાઉસમાં લાગેલી આગને કારણે આગની જ્વાળાઓ વધુ વિકરાળ બની હતી. એને કારણે આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.