પ્રધાનમંત્રી સ્મૃતિચિહ્ન 2022ની હરાજીનો આજે છેલ્લો દિવસ છે. આ હરાજી ઓનલાઈન થશે, જે નેશનલ ગેલરી ઓફ મોડર્ન આર્ટ ખાતે સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આ દરમિયાન PM મોદીને આપવામાં આવેલી 1200 ભેટ અને સ્મૃતિચિહ્નોનું ઈ-ઓક્શન કરવામાં આવશે. તેમને મળેલી ભેટ ખરીદવા માટે pmmementos.gov.in પર બીડ કરવી પડશે. PMO અ ભેટોની બેઝપ્રાઇસ નક્કી કરી છે. આ પ્રાઇસ 100 રૂપિયાથી લઈ 1 લાખ રૂપિયા સુધીની હશે.
અગાઉ આ હરાજી 2 ઓક્ટોબર સુધી થવાની હતી, જેને લંબાવીને 12 ઓક્ટોબર સુધી કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલાં આ અંગેની જાણકારી સાંસ્કૃતિક મંત્રાલયે આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, હરાજીથી મળેલી રકમનો ઉપયોગ નમામિ ગંગે પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. હાલમાં તેણે PM મોદીના જન્મદિવસ પર મળેલી ભેટોની ઈ-ઓક્શન શરૂ કરી હતી.
હરાજીમાં શું ખાસ થશે
હરાજી દરમિયાન સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર અયોધ્યાનું શ્રીરામ મંદિર અને વારાણસીમાં નવા કાશી-વિશ્વનાથ મંદિરનું મોડલ છે. આ સિવા, બેડમિન્ટન રેકેટ છે, જેમાં મહાન શટલર કે. શ્રીકાંતે ઓટોગ્રાફ આપ્યો છે. આ ઉપરાંત કુસ્તી, હોકી, લોન બોલિંગ અને પેરા-પાવરલિફ્ટિંગ ટીમોના ઓટોગ્રાફ સાથેની સ્પોર્ટ્સ જર્સી પણ છે.
વર્ષ 2018માં પહેલીવાર PMની ભેટોની હરાજી કરાઈ હતી
આ હરાજીમાં ચોથી સફળ સિરીઝ થશે. 2014માં વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની હરાજી 2018 અને 2019માં પણ થઈ હતી. 2018માં PMને મળેલી 1900 ભેટ હરાજી માટે મૂકવામાં આવી હતી. 2019માં 2772 ભેટની હરાજી થઈ હતી. ઈ-ઓક્શન દ્વારા વેચવામાં આવેલી ભેટોમાં વડાપ્રધાનને મળેલી પાઘડી, હાફ જેકેટ્સ, પેઇન્ટિંગ્સ અને ધનુષ્ય જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દોરાથી બનેલું ફ્રેમ પેઇન્ટિંગ, ભગવાન હનુમાનની ગદા અને સરદાર પટેલની ધાતુની મૂર્તિ પણ આ ભેટોમાં સામેલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ઓનલાઈન હરાજી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વિશેની તમામ જાણકારી ટૂંક સમયમાં PMO એની વેબસાઈટ પર જાહેર કરશે.
ગુજરાતના CM હતા ત્યારે આ પરંપરા બનાવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સતત લોકો ફેસબુક, ટ્વિટર અને નમો એપના માધ્યમથી ભેટોની ડિમાન્ડ કરતા રહે છે. હવે ફરી લોકોને PM મોદીને મળેલી ભેટ પોતાની બનાવવાની તક મળી છે. PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ ભેટોને સરકારી તિજોરીમાં જમા કરાવતા હતા. તેઓ આજે પણ એ જ પરંપરાને નિભાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2002માં પહેલીવાર ગુજરાતના CM બન્યા હતા, આ રીતે તેમણે CM અને PM તરીકે 20 વર્ષ પૂરાં કર્યા છે, તેથી આ વખતે ભેટોની હરાજી 20 દિવસની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.