દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાઓ પર પૂરની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગલા 24 કલાકમાં ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેરળ, કર્ણાટક, દિલ્લી અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિહારમાં છેલ્લા 24 કલાકમાં વિજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. તો આંધ્રપ્રદેશની ગોદાવરી નદીમાં પૂર આવવાથી અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ભારે વરસાદના કારણે ગુજરાતમાં 100 અને મહારાષ્ટ્રમાં 110થી વધુ લોકોના મોત થયા છે. તો આસામમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનના કારણે 197 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મધ્યપ્રદેશ: ભોપાલમાં સોમવારે 3 ઈંચ વરસાદ, 529 કરોડના બ્રિજમાં ભંગાણ
ભોપાલમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદના કારણે ભોપાલ અને નર્મદાપુરમને જોડતો 529 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ ઉપરાંત ગુના, સાગર અને બૈતુલમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.
રાજસ્થાન: 24 કલાકમાં 4.6 મિમી વરસાદ પડ્યો
રાજસ્થાનમાં પણ વરસાદ પોતાનું જોર દર્શાવી રહ્યો છે. શરૂઆતમાં પશ્ચિમી જીલ્લાઓમાં વરસાદ પડ્યાના એક અઠવાડિયા બાદ દક્ષિણ અને પૂર્વ જીલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. સોમવારે 24 કલાકમાં 4.6 મિમી વરસાદ પડ્યો હતો. અજમેર, કોટા, ભીલવાડા, ચિતૌડગઢમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આવનારા 24 કલાકમાં જોધપુર, ઉદયપુર, કોટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છત્તીસગઢ: જુલાઈથી અત્યાર સુધી 400 મિમી વરસાદ
છત્તીસગઢમાં જુલાઈ મહિનાના વરસાદનો ક્વોટા અત્યારે જ પૂરો થઈ ગયો છે. દર વખતે જુલાઈ મહિનામાં રાજ્યમાં સરેરાશ 330 મિમી વરસાદ પડે છે. જ્યારે આ વર્ષે 399.4મિમીથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જોકે રાજ્યના 8 જીલ્લાઓમાં હજુ પણ વરસાદ ઓછો પડ્યો છે.
બિહાર: 24 કલાકમાં વિજળી પડવાથી 11 લોકોના મોત
બિહારમાં 11 જગ્યાઓ પર 60 મિમી સુધીનો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. ભોજપુર અને કૈમુર જીલ્લામાં 3-3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે જહાનાબાદમાં 2 અને પટના, રોહતાસ અને ઔરંગાબાદમાં 1-1 લોકોના મોત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.