શુક્રવારે સાંજે લગભગ 7.30 વાગ્યે એક સગીરે કારથી રોડની બાજુમાં ઊભેલા ચાર લોકોને કચડી નાખ્યા. મહિલાની હાલત નાજુક છે. પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો છે અને તેનાં પરિવારજનોને બોલાવ્યાં છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 16 વર્ષનો સગીર કાર ચલાવી રહ્યો હતો. ગાડી સગીરના ફુઆના નામે રજિસ્ટર્ડ છે. આ ઘટના ઉદયપુરના હિરણ મગરી વિસ્તારની છે.
સ્પીડમાં કાર હંકારતા અકસ્માત સર્જાયો
હિરણ મગરી પોલીસ સ્ટેશનના અધિકારી રામ સુમેર મીણાએ જણાવ્યું કે ટેકરી ચાર રસ્તા વિસ્તારમાં રહેતી ચંચલ શર્મા (37) પત્ની પુષ્કર શર્મા શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે પિપલી ચોકડીથી ગારિયાવાસ તરફ જઈ રહી હતી. સત્યમ લાઈબ્રેરી સામેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. કાર ચંચલને લગભગ 10 ફૂટ સુધી ઢસડી ગઈ હતી.
થોડે દૂર ગયા બાદ કાર દીવાલ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચંચલને સારવાર માટે મહારાણા ભૂપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીંથી પરિવાર તેને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. અકસ્માતમાં ચંચલના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે. આંખની ઉપર 4થી 5 ટાંકા પણ આવ્યા છે. આ સાથે હાથ અને ગળાના ભાગે પર પણ ઈજાઓ પહોંચી છે.
અકસ્માતમાં અન્ય ત્રણ લોકો પણ ઘાયલ
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે લાઇબ્રેરી પાસે ત્રણ યુવકો ઊભેલા છે. કાર એટલી સ્પીડમાં હતી કે તેઓ કંઈ સમજે એ પહેલાં તેમને ટક્કર મારીને આગળ વધી ગઈ હતી. અશોક મીણા (30)નો પગ તૂટી ગયો છે, જે શહેરની જેબી ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ છે. બાકીના બેને સામાન્ય ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
સગીર અને તેનો મિત્ર 10મા ધોરણમાં અભ્યાસ કરે છે
પોલીસના જણાવ્યા અનુસાર કારને જપ્ત કરી લેવામાં આવી છે. અકસ્માત સર્જનાર કારનો ચાલક સગીર છે. પિતાનું નામ રાજેશ કોઠારી છે અને તેઓ મંડીમાં વેપારી છે. ઘટના સમયે સગીરનો મિત્ર પણ કારમાં હાજર હતો. શુક્રવારે રાત્રે જ પરિવાર અને કાર માલિકને બોલાવવામાં આવ્યા હતા. બાદમાં તમામને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સગીર અને તેનો મિત્ર ધોરણ 10મા અભ્યાસ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.