તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Find Out What Is Lightning With 100 Million To 1 Billion Volts Of Energy That Kills Thousands Of People Every Year And Why It Falls To Earth

વીજળીના ચમકારે....:દર વર્ષે હજારો લોકોનો ભોગ લેનારી 100 મિલિયનથી 1 અબજ વોલ્ટ વચ્ચે ઊર્જા ધરાવતી આકાશી વીજળી શું છે અને એ શા માટે ધરતી પર પડે છે એ જાણો

18 દિવસ પહેલા
 • વીજળી જ્યાં પડે છે એ આજુબાજુના વિસ્તારમાં 10,000 ડીગ્રી સેલ્સિયસથી 30,000 સેલ્સિયસ તાપમાન થઈ જાય છે
 • ભારતમાં 2019-20માં 138,00,000 વખત, વર્ષ 2020-21માં 185,44,367 વખત વીજળીના ચમકારા થયેલા
 • પૃથ્વની સપાટી પર પ્રત્યેક સેકન્ડે આશરે 100 વખત વીજળી થતી હોય છે

દેશનાં ત્રણ મોટાં રાજ્ય ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગત રવિવારે વીજળી પડવાની શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછામાં ઓછા 70 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ચોમાસું આવે એ સાથે જ આકાશી વીજળી પડવાની આ ઘટના વધી જાય છે.

1લી એપ્રિલ, 2019 અને 31 માર્ચ,2020 દરમિયાન કુદરતી આપદા, એટલે કે વીજળી પડવાને લીધે દેશમાં 1771 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત 1લી એપ્રિલ,2020 અને 31 માર્ચ,2021 દરમિયાન 1,619 લોકોનાં મોત નીપજ્યાં હતાં. લોકોના મનમાં હંમેશાં પ્રશ્ન થતો રહ્યો છે કે વરસાદમાં મેઘગર્જના સાથે આકાશમાં વીજળી શા માટે થાય છે અને ઘણી વખત એ કેમ ધરતી પર પડે છે. આજે આપણે કુદરતી ઘટના વીજળી વિશે વાત કરીશું.

વીજળી શા માટે થાય છે અને એ ધરતી પર શા માટે પડે છે

 • આકાશમાં વાદળોનું એકબીજા સાથે ઘર્ષણ થાય છે ત્યારે એમાં ઈલેક્ટ્રિકલ ચાર્જ આવી જાય છે, ત્યાર બાદ નેગેટિવ ચાર્જ ધરાવતા કણો એકબીજાની દિશામાં વેગ પકડે છે. આ સંજોગોમાં ઈલેક્ટ્રિકલ ફિલ્ડ તૈયાર થાય છે. ઘર્ષણથી જે વીજળીનું સર્જન થાય છે એ ઘણી વખત વાહક (Conductor)ની શોધમાં ધરતી પર પડે છે.
 • બીજા શબ્દોમાં કહીએ તો વધારે પ્રમાણમાં ગરમી અને ભેજની સ્થિતિમાં વીજળીનું સર્જન કરતાં "થંડર ક્લાઉડ"નું સર્જન થાય છે, જે તોફાનનું સ્વરૂપ ધારણ કરી લે છે. એ ધરતીની સપાટીથી 8-10 કિમીની ઊંચાઈ પર વાદળની નીચેની સપાટી પર નેગેટિવ અને ઉપરની સપાટી પર પોઝિટિવ ચાર્જનું સર્જન કરે છે. બન્ને વચ્ચે અંતર ખૂબ જ ઘટી જવાના સંજોગોમાં ડિસ્ચાર્જ વીજળીનો ચમકારો થાય છે. આ સંજોગોમાં વાદળની ગર્જના અને વીજળીની સ્થિતિ જોવા મળે છે.
 • પણ જ્યારે વાહકની શોધમાં વીજળી જમીન પર આવે છે ત્યારે એ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. એ મિલી સેકન્ડ જેટલા સમય એટલે કે આંખના પલકારા જેટલા સમય માટે જ જમીન પર રહે છે.

વીજળીમાં કેટલી ઊર્જા-તાપમાન સમાયેલાં હોય છે

 • પૃથ્વની સપાટી પર પ્રત્યેક સેકન્ડે આશરે 100 વખત વીજળી થતી હોય છે. એની શક્તિ પણ અસાધારણ હોય છે અને એમાં કરોડો વોલ્ટ ઊર્જા સમાયેલી હોય છે.
 • વીજળીનો ચમકારો આશરે 100 મિલિયનથી 1 અબજ વોલ્ટની ઊર્જા ધરાવે છે. એ જ્યાં પણ પડે છે એની આજુબાજુનું તાપમાન 10,000 ડીગ્રી સેલ્સિયસથી 30,000 સેલ્સિયસ તાપમાન થઈ જાય છે.
 • આટલા ઊંચા પ્રમાણમાં ઊર્જા અને તાપમાન અત્યંત વિનાશકારી હોય છે. વીજળીનું તાપમાન સૂર્યની સપાટી જેટલું હોય છે.

વીજળી ધરતી પર પડતાં શું થાય છે

 • વીજળી ધરતી પર પહોંચતાં જ એવા માધ્યમને શોધે છે, જ્યાંથી એ સરળતાથી પસાર થઈ શકે. આ સંજોગોમાં વીજળી લોખંડના થાંભલા કે ઊંચાઈ ધરાવતાં સ્થળોના સંપર્કમાં આવે છે, જે તેના માટે વાહકનું કામ કરે છે.
 • જો માનવી એ સમયે તેના સંપર્કમાં આવે છે તો વીજળી માટે એ વાહકનું કામ કરે છે. સામાન્ય રીતે બપોરના સમયે વીજળી પડવાનું જોખમ વધી જતું હોય છે.
 • ખાસ કરીને વીજળી થતી હોય છે ત્યારે ઝાડ નીચે આશ્રરો લેવામાં આવે ત્યારે એની ઉપર વીજળી પડવાનું જોખમ વધી જાય છે, જેને "સાઈડ ફ્લેશ" પણ કહેવાય છે. ભારતમાં વીજળી પડવાને લીધે થતાં મોત પૈકી ચોથા ભાગના ઝાડ નીચે રહેલા અથવા તેની આજુબાજુ ઊભેલા લોકોનાં મોત થાય છે.
 • સંશોધન પ્રમાણે વીજળી પડવાના સંજોગોમાં થતાં કુલ મૃત્યુ પૈકી 78 ટકા કિસ્સામાં ઊંચા ઝાડ નીચે ઊભેલા લોકોના અને 22 ટકા કિસ્સામાં ખુલ્લા મેદાનમાં રહેલા લોકોનાં મૃત્યુ થાય છે અથવા નુકસાન થાય છે.

પૂર્વ ભારતની બ્રહ્મપુત્ર ઘાટીમાં સૌથી વધુ વીજળી થાય છે

 • પૂર્વોત્તર ભારતમાં સામાન્ય રીતે કાલવૈશાખી નામના તોફાન સમયે વીજળી પડવાનું જોખમ વધારે હોય છે. જ્યારે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાં પ્રી-મોન્સૂન હેલી સમયે વીજળી પડવાની ઘટના વધારે બને છે.
 • નાસાના મતે પૂર્વ ભારતની બ્રહ્મપુત્ર ઘાટીમાં સરેરાશ પ્રત્યેક મહિને વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં વીજળી ચમકે છે.
 • જોકે વેનેઝુએલાના મૈરાકાઈબો નામના સરોવરની આજુબાજુ સૌથી વધારે વીજળી ધરાવતા સ્થળ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. અહીં પ્રત્યેક વર્ષ કિલોમીટરદીઠ 250 વખત વીજળી થાય છે.
 • બીજી બાજુ વીજળીને લગતા વર્ષ 2020-21ના વાર્ષિક અહેવાલ પ્રમાણે, દેશમાં વીજળી થવાનું પ્રમાણ 34 ટકા વધ્યું છે. વર્ષ 2019-20માં ભારતમાં 138,00,000 વખત વીજળી થઈ હતી, જે વર્ષ 2020-21માં 185,44,367 થઈ છે. ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે પ્રમાણમાં વીજળીના ચમકારા થયા છે.

વીજળી અંગે આગાહી કરી શકાય એ માટે કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે
ક્લાઇમેટ રેસિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલ (CROPC)એ ભારતીય હવામાન વિભાગ (IMD), અર્થ સાયન્સ બાબતોના મંત્રાલય (MoES), ભારત સરકાર સાથે સમજૂતી (MOU)કરી છે, જેમાં સેટેલાઈટ ઓબ્ઝર્વેશન્સ, નેટવર્ક ઓફ ડોપલર તથા અન્ય રડાર્સ, લાઈટનિંગ ડિટેક્શન સેન્સર્સ સહિત અન્ય ઉપકરણોથી વીજળીને લગતી માહિતી મેળવી ચોક્કસ આગાહી કરી શકાય છે. આ ઉપરાંત IITM, IMDના વૈજ્ઞાનિકો હોલિસ્ટિક પ્રેડિક્શન ટૂલનો પણ ઉપયોગ કરે છે.

વીજળીના જોખમને ઓછું કરવા શું કરી શકાય છે

 • ઊંચી ઈમારતોમાં લાઈટનિંગ કન્ડક્ટર લગાવવું ફરજિયાત કરવામાં આવે.
 • વીજળી ઉત્પાદન કરતાં સાધનોથી ચોક્કસ અંતર રાખવું, જેમ કે ફોન, રેડિએટર, ધાતુની પાઈપ વગેરે.
 • વાદળની ગર્જના થતી હોય એ સમયે ઘરની અંદર જ રહેવું.
 • વીજળી થતી હોય ત્યારે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે આશ્રરો લેવો નહીં અને ઊચી ઈમારત નીચે જતું રહેવું.