તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોન્ગ કોવિડ:કોરોનામાંથી સાજા થયેલા 10થી 15% લોકો હજુ અન્ય સમસ્યાથી પીડાય છે

નવી દિલ્હી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નબળાઈ, ડિપ્રેશન, અનિદ્રા જેવી ફરિયાદ વધુ
 • આરોગ્ય મંત્રાલય વિશેષજ્ઞ જૂથની રચના કરી, ગાઈડલાઈન જાહેર થશે

દેશમાં કોવિડ-19થી સાજા થઈ ગયેલા લોકોની સંખ્યા 3 કરોડથી વધુની થઈ ગઈ છે. કોવિડ-19માંથી બહાર આવી ચૂકેલા અંગે કરાયેલા ઓનલાઈન સરવેમાં જણાવ્યું છે કે 10થી 15%થી વધુ લોકો હજુ પણ અનેક લક્ષણથી પીડાય છે. અત્યાર સુધી તેઓ નબળાઈ, થાક, અનિંદ્રા જેવી સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલે આ સરવે હાથ ધર્યો હતો.

હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડીએ કહ્યું સરવેમાં એવું પણ પૂછાયું હતું કે સારવાર દરમિયાન કેટલી માત્રામાં સ્ટેરોઇડ અપાઈ હતી. તેમાં જણાવ્યું કે 74 ટકાથી વધુ લોકોને સ્ટીરોયડ અપાયું હતું પરંતુ ઓક્સિજનની જરૂરિયાત 34 ટકાને જ પડી હતી.

ડૉ. રેડ્ડી કહે છે કે સ્ટેરોઇડનો અતાર્કિક ઉપયોગ અને લોન્ગ કોવિડ વચ્ચે જરૂર કંઈ સંબંધ છે. બીજી બાજુ કેન્દ્ર સરકારના આરોગ્ય મહાનિર્દેશક પ્રો. સુનીલ કુમારે કહ્યું કે લોન્ગ કોવિડથી પીડાતા લોકોની દેખભાળ અને ઇલાજ માટે આરોગ્ય મંત્રાલય ટૂંકમાં જ વિસ્તૃત ગાઈડ લાઈન બહાર પાડશે. તે માટે ચિકિત્સકોને વિશેષજ્ઞોનું જૂથ રચવામાં આવ્યું છે.

સરવેનાં પરિણામ : સૌથી વધુ લોકોએ થાકની ફરિયાદ કરી

 • 40% દર્દી લોન્ગ કોવિડનાં લક્ષણનો સામનો કરી રહ્યાં છે.
 • 32% માં સાજા થયા પછી 3 મહિના બાદ લોન્ગ કોવિડનાં લક્ષણ જોવા મળે છે.
 • 11%લોકોમાં 9થી 12 મહિના પછી પણ કોઈને કોઈ લક્ષણ છે.
 • થાક સૌથી વધુ સામાન્ય લક્ષણ જણાયું. દેશભરમાં સૌથી વધુ 12.5% દર્દીઓએ તેની ફરિયાદ કરી.
 • 9.3%એ સ્નાયુમાં દર્દની ફરિયાદ કરી. ગંભીર લક્ષણવાળા દર્દીમાંથી મોટાભાગના લોકોએ હાંફવાની ફરિયાદ કરી.
 • ન્યૂરોસાઇકિયાટ્રિક લક્ષણ જેવા કે ચિંતા, શોક, યાદદાસ્ત ઓછી થવી વગેરે લક્ષણ પણ જણાયા.
 • 37.3% એટલે કે ત્રીજા ભાગના લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવા સમયે ઓછામાં ઓછી એક બીમારી હતી. 23.7%ને ડાયાબિટીસ અને 20.4%ને હાઈ બીપી હતી.

ડૉક્ટરના નિર્દેશ હેઠળ બ્રીધિંગ એક્સરસાઈઝ અને વૉકિંગ કરો, ખૂબ પાણી પીઓ, પ્રોટીનવાળો ખોરાક લો

 • લોન્ગ કોવિડ શું છે?

કોવિડના ઘણા દર્દી ઘરે જ સાજા થઈ ગયા હતા. તેઓ રિકવરી પછી પણ કોવિડ જેવાં લક્ષણો કે નવા લક્ષણોની ફરિયાદ કરી રહ્યાં છે. તેને પોસ્ટ કોવિડ સિંડ્રોમ કે લોન્ગ કોવિડ કહેવાય છે. તે સાજા થયા પછી 4થી 12 સપ્તાહ સુધી રહે છે. કેટલાક કેસમાં ત્યારબાદ પણ ચાલે છે. તેમને લાગે છે કે ફરી કોરોના થયો. કોરોના પછી રસી ન લેવી અથવા પહેલો ડોઝ પછી સંક્રમિત થયા હોય અને બીજા ડોઝની રાહ જોતા હોય તેવા લોકો પણ લોન્ગ કોવિડનો શિકાર બની રહ્યાં છે.

 • કયા-કયા લક્ષણ જોવા મળે છે?

તાવ, શરીર દુઃખવું, હાંફવું, કફ, છાતીમાં વજન લાગવું, સાંધામાં દુઃખાવો, માથું દુઃખવું, યાદદાસ્ત ઓછી થવી, અનિદ્રા. વિશેષજ્ઞ કહે છે કે આવા લોકોએ ડૉક્ટરના સંપર્કમાં રહી સક્રિય રહેવું જોઈએ.

 • આવું કેમ થાય છે?

કોરોના માત્ર ફેફસામાં જ નહીં બીજા અંગને પણ અસર કરે છે. તેમાં લીવર, ફેફસા, હૃદય, કિડની વગેરે સામેલ છે. આ અંગની સમસ્યાથી પહેલેથી જ પીડાતા લોકો પણ ઝપટમાં આવી શકે છે.

 • સક્રિય જીવનશૈલી કારગર છે?

બિલકુલ. ડૉક્ટર કહે છે કે બીજી લહેર પછી લોન્ગ કોવિડથી પીડાતા લોકોની સંખ્યા અનેકગણી વધી છે. તેમાં વેક્સિનેશન મદદ કરી શકે છે. એઇમ્સ દિલ્હી કહે છે કે ડૉક્ટરના નિર્દેશ હેઠળ બ્રીધિંગ એક્સેસાઈઝ, વોકિંગથી ફેફસાની ક્ષમતા અને શારીરિક શક્તિ વધારી શકાય છે. સારું ભોજન લો, ખૂબ પાણી પીઓ, પ્રોટીન લેતા રહો.

 • હૃદયરોગે શું ધ્યાન રાખવું?

એઇમ્સ દિલ્હીના હૃદયરોગ નિષ્ણાંત ડૉ. સંદીપ મિશ્રા કહે છે કે સ્વસ્થ વયસ્ક લોકો રોજ 10થી 15 હજાર પગલાં એટલે કે લગભગ 5 કિમી ચાલે. સપ્તાહમાં 5 દિવસ 40-40 મિનિટ વ્યાયામ કરી શકે છે. વ્યાયામ પછી સામાન્ય રીતે હાર્ટ રેટ 50-60% હોવો જોઈએ. જો હૃદયની બીમારી હોય તો રોજ 30 મિનિટ અથવા સપ્તાહમાં 150 મિનિટથી વધુ નહીં એટલો સમય ચાલો.

અન્ય સમાચારો પણ છે...