મહારાષ્ટ્રમાં શુક્રવારે સવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ હોવાનું જાણવા મળી કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માત નાશિક-શિરડી હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર શ્રદ્ધાળુંઓ સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. બસમાં લગભગ 50 જેટલા લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માત નાશિક-શિરડી હાઈવે પર પાથેર ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે સામસામે અથડાવાને કારણે થયો હતો.
6 મહિલાઓ, 2 પુરૂષો અને 2 બાળકોના મોત
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો છે. સ્થળ પર હાજર સ્થાનિક ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં 6 મહિલાઓ, 2 પુરૂષો અને 2 બાળકોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.
શિરડી દર્શન કરવા જઈ રહ્યા હતા
અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતને કારણે બસમાં સવાર અનેક મુસાફરોને ઈજા પહોંચી હતી. મુંબઈને અડીને આવેલા અંબરનાથ, થાણે અને ઉલ્હાસનગરના આ તમામ સાંઈ ભક્તો શિરડી દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસ અને ટ્રક બંનેને ભારે નુકસાન થયું હતું.
મૃતકોના પરિવારજનોને 5-5 લાખ આપવાની જાહેરાત
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે અધિકારીઓને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.