• Gujarati News
  • National
  • 1 Lakh Specialist Doctors Will Be Made In The Country Every Year, Not Even 50 Thousand Now

ભાસ્કર બ્રેકિંગ:દેશમાં વર્ષે 1 લાખ નિષ્ણાંત ડૉક્ટર બનશે, હાલ 50 હજાર પણ નહીં

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીજી મેડિકલની બેઠકો MBBS જેટલી કરવા તૈયારી
  • નીતિ આયોગ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને નાણામંત્રાલયે મળીને રૂપરેખા ઘડી

સામાન્ય શરદીમાં પણ લોકો હવે નિષ્ણાત ડૉક્ટર પાસે જ સારવાર કરાવવા માગતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દર વર્ષે બમણા નિષ્ણાત ડૉક્ટર્સ તૈયાર કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. તે માટે દેશમાં MBBSની બેઠકો તો બહુ નહીં વધારાય પણ પીજીની બેઠકો બમણી કરીને MBBSની બેઠકો જેટલી કરાશે.

હાલ દેશની મેડિકલ કોલેજોમાં MBBSની કુલ 91,927 બેઠક છે, જે 1.10 લાખ કરવાનું લક્ષ્ય છે. તેટલી જ બેઠકો પીજીની હશે, જે હાલ 55 હજાર છે પણ મનપસંદ વિષય ન મળવાને કારણે 50 હજાર બેઠક પણ નથી ભરાતી. જોકે, હવે પીજીની બેઠકો વધ્યા બાદ MBBS પાસ કર્યા પછી દરેક ડૉક્ટર પાસે પીજી કરવાની તક હશે. નીતિ આયોગ, આરોગ્ય મંત્રાલયના નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન અને નાણામંત્રાલયે આ યોજનાની રૂપરેખા ઘડવાનું શરૂ કરી દીધું છે.

ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાતો બનશે, સ્ટાઇપેન્ડ સરકાર આપશે
કેન્દ્ર સરકારનો અંદાજ છે કે પીજીની બેઠકો વધારીને બમણી કરી દેવાય તો 5-7 વર્ષમાં દેશમાં નિષ્ણાત ડૉક્ટર્સની અછત દૂર થઇ જશે. તે માટે સરકારી હોસ્પિટલોમાં પીજીની બેઠકો વધારવા ઉપરાંત મોટી ખાનગી હોસ્પિટલોમાં ડીએનબી કોર્સના માધ્યમથી નિષ્ણાત ડૉક્ટર્સ તૈયાર કરાશે. હાલ દેશમાં 12 હજાર ડીએનબી બેઠકો છે. અહીંથી નિષ્ણાત બનનારા ડૉક્ટર્સને ખાનગી હોસ્પિટલોમાં સ્ટાઇપેન્ડ નથી અપાતું કે ઓછું અપાય છે, જેના કારણે બેઠકો વધી શકતી નથી. હવે સરકાર આ મામલે નીતિવિષયક નિર્ણય લઇ શકે છે. સૂત્ર જણાવે છે કે ખાનગી હોસ્પિટલોમાંથી ડીએનબી કોર્સ કરનારા ડૉક્ટર્સને સરકાર જ સ્ટાઇપેન્ડ આપવાનું શરૂ કરશે. આ રકમ PGની બેઠકોને આધારે નક્કી થશે.

100થી વધુ બેડવાળી હોસ્પિ.માં DNB કોર્સ કરાવી શકાશે
પીજી કોર્સ કરાવવા માટે ખાનગી હોસ્પિટલો ઉપરાંત ESIC, આર્મી અને જાહેર સાહસોની હોસ્પિટલોને પણ આવરી લેવાશે. 100થી વધુ બેડવાળી હોસ્પિટલોમાં ડીએનબી કોર્સને મંજૂરી અપાશે. તેમાં 2 વર્ષનો ડિપ્લોમા અને 3 વર્ષનો ડીએનબી કોર્સ સામેલ હશે. DNBવાળાને ટીચિંગ કેડરમાં લેવાશે.

હાલ દેશની સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાતોનાં 80% પદ ખાલી
સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત ડૉક્ટર્સનાં 80% જગ્યા ખાલી છે. CHCમાં સ્ત્રીરોગ નિષ્ણાતોનાં 69% પદ ખાલી છે. સર્જરી વિભાગમાં 78.85%, બાળરોગ વિભાગમાં 78% પદ ખાલી પડ્યાં છે. 19 એઇમ્સમાં પ્રોફેસરનાં 2,227, સિનિયર રેસિડેન્ટનાં 1,036 અને જુનિ. રેસિ.ના 345 પદ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...