તેલંગાણાની હાલત શું થશે એ થોડા દિવસમાં જ ખબર પડી જશે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાની 3 કરોડની વસતી માટે માત્ર એક જ કોરોના હોસ્પિટલ છે. હૈદરાબાદની આ ગાંધી હોસ્પિટલની હાલત અત્યંત ખરાબ છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની અછત તો પહેલાથી જ હતી, તેમાં વળી 450માંથી 110 ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. દેશની આ એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં 150થી વધુ ડોક્ટર્સ-સ્ટાફને ચેપ લાગ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 5 હજારથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ છે. જેમાંથી 191નાં મોત થયાં છે.
એક ડોક્ટરે નામ ન બતાવવાની શરતે ભાસ્કરને જણાવ્યું કે માત્ર હૈદરાબાદમાં જ રોજના 20થી 25 મોત થઈ રહ્યાં છે. સરકાર આંકડા છુપાવી રહી છે. હેલ્થ રિફોર્મિંગ ડોક્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ ડો. મહેશે જણાવ્યું કે અહીં મેનપાવર જ નથી. ડોક્ટર અને સ્ટાફ 12-12 કલાક કામ કરી રહ્યો છે. પીપીઈ કિટ બદલવાનું તો છોડો, ડોક્ટર સારી રીતે હાથ પણ ધોઈ શકતા નથી. સમયસર જમી શકતા નથી. જાહેર આરોગ્યના ડિરેક્ટર જી. શ્રીનિવાસે કહ્યું કે, પ્રારંભમાં રાજ્યનાં ગામડાંમાં કોરોના ફેલાયો ન હતો, પરંતુ હવે કેસ વધી રહ્યા છે. અમે સમગ્ર રાજ્યમાં 30 નવાં સેન્ટર બનાવ્યાં છે જેના અંગે ગાંધી હોસ્પિટલના ડો. લોહિત તજુટા કહે છે કે, સરકારે દરેક જિલ્લામાં કોરોના સેન્ટર બનાવવાની વાત માની છે, પરંતુ હજુ અમલમાં મૂકી નથી. અમારી પાસે દરેક જિલ્લામાંથી દર્દી આવી રહ્યા છે. કોરોનાપીડિત દર્દીઓના પરિજનો પણ ચિંતિત છે, કેમ કે હોસ્પિટલમાં તેમનો પરિજન જીવિત છે કે નહીં તેની તેમને કોઈ જાણ કરતું નથી. દર્દીના પરિજનનો કોઈ પણ પ્રકારનો ટેસ્ટ પણ કરાતો નથી.
હોસ્પિટલમાં ડેડબોડી બદલાઈ રહી છે, દાખલ બે દર્દી ક્યાં ગયા ખબર નથી
ગાંધી હોસ્પિટલમાં લોકોની મદદ કરી રહેલા હૈદરાબાદનાં ખાલિદા પ્રવીણે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં ગાંધી હોસ્પિટલમાં 4 વખત ડેડ બોડી બદલાઈ ચૂકી છે. પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. લોકો દ્વારા પરિજનને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેમની શું સ્થિતિ છે, તેઓ જીવિત છે કે મરી ગયા, જેવી કોઈ માહિતી અપાતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.