મોન્સૂન પ્રોબ્લેમ / વરસાદમાં કાર ફસાઇ જાય, તો કરો આ ઉપાય

If the car is trapped in the rain, then this remedy can save you

Divyabhaskar.com

Jul 04, 2019, 04:54 PM IST

યુટિલિટી ડેસ્કઃ મુંબઇમાં વરસાદી પાણીમાં કાર ફસાઇ જવાથી બે મિત્રોનાં મોત થયાં હતાં. મલાડમાં સોમવારની રાત્રે સ્કોર્પિયો કારમાં પાણી ભરાઇ જવાથી ગભરામણને કારણે તેમનાં મોત થયાં હતાં. પાણીથી ભરાયેલ કારમાંથી બહાર નીકળવા માટે બંને મિત્રોએ કારના કાચ તોડીને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો, જે નિષ્ફળ જવાથી તેઓ મોતને ભેટ્યા હતા. મેઘતાંડવના કારણે આવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આપની સાથે પણ આવું ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જાણી લઈએઃ

  • જો આપની કાર ડૂબવા લાગે તો, કારમાથી ઊતરી જવું, કારણ કે થોડી જ વારમાં ઓક્સિજનની ઊણપ વર્તાઇ શકે છે, જે તમારા જીવ માટે જોખમકારક સાબિત થઇ શકે છે.
  • જો વરસાદી પાણી તમારા કારના દરવાજા સુધી આવી ગયું હોય તો કારની બહાર તરત નીકળી જાઓ કારણ કે પાણી ભરાઇ જવાથી કારમાં શોર્ટ શર્કિટ થઇ શકે છે.
  • જો તમને એવું જણાય કે કાર ડૂબવાની છે, તો સીટબેલ્ટ ખોલીને હથોડી અથવા તેના જેવી કોઇ વસ્તુની મદદથી કાચ તોડીને બહાર આવો.
  • કાચ તોડવા માટે આપ સીટ બેલ્ટના હેડ-રેસ્ટ એટલે કે સીટના માથું ટેકવવાના ભાગને ઉપર ખેંચીને બહાર કાઢી લો. તેની નીચે સ્ટીલના બે સળિયા જડેલા હશે. હેડ-રેસ્ટની નીચે આવેલા આ સળિયાવાળા ભાગને જોરથી કાચ પર ફટકારો જેથી કાચ તૂટી જશે અને આપ બહાર નીકળીને તમારો જીવ બચાવી શકો છો.

રસ્તા પર આવેલા ઘોડાપુરને કેવી રીતે પાર કરશો?
જો તમે કોઈ એવા રસ્તા પરથી પસાર થઇ રહ્યા છો, જ્યાં પાણી જ પાણી છે તો, પહેલાં એ જોઈ લો કે આપના વાહન કરતાં મોટાં વાહનોનાં પૈડાં કેટલાં ડૂબી રહ્યાં છે. તે જોઈને આપ સમજી શકશો કે આપનું વાહન તે પાણીમાંથી પસાર થઈ શકશે કે નહીં. જ્યારે તમને વાહન તે પાણીમાંથી નીકળી જશે તેની ખાતરી થઈ જાય, ત્યાર બાદ વાહનને પહેલા ગિયરમાં નાખીને ધીમે ધીમે આગળ ધપાવો. એક બાબતનું ધ્યાન રાખો, એન્જિનની આર.પી.એમ. એટલી રાખો કે જે પાણીમાંથી પસાર થતી વખતે એક્ઝોસ્ટમાં એટલું પ્રેશર જળવાઈ રહે કે જેથી, પાણી એક્ઝોસ્ટ પાઈપની અંદર ન પ્રવેશે.


જો પાણીમાંથી પસાર થતી વખતે તમારા વાહનની બાજુમાંથી કોઈ મોટાં વાહન પસાર થાય અને ગાડી બંધ પડી જાય તો વારંવાર એક્સલરેટર દબાવીને તેને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરો. આજકાલના ડીઝલ એન્જિન ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવું કરવાથી એન્જિનને ઘણું નુકસાન પહોંચી શકે છે, અને આપ પૈસાના ઊંડા ખાડામાં ઊતરી શકો છો. આવી પરિસ્થિતિમાં કોઈ બીજાની મદદ લઈને વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કરો.


જો આપની કાર પાણીમાં ગરકાવ થઇ જાય તો શું કરશો?
પાણીમાં પૂરેપૂરી ડુબેલી કારને બહાર કાઢવા માટે ખાસ સાવધાની રાખવી આવશ્યક છે. જ્યાં સુધી પાણી ઓસરી ન જાય અને કાર સુકાઈ ન જાય ત્યાં સુધી કારના ઇલેક્ટ્રિક વાયરો ધરાવતા ભાગને અડવું નહિ અને કાર મિકેનિકની સહાય વગર કાર ચાલુ કરવાનો પ્રયાસ ન કરવો. મિકેનિક પાસે રિપેરિંગ કરાવ્યા બાદ જ કારને ચાલુ કરો. ત્યારબાદ કારની યોગ્ય સર્વિસ કરાવો, જેમાં ફ્યુલ સિસ્ટમ, વાયરિંગ, બેટરી સહિતના તમામ ઈલેક્ટ્રિક પાર્ટ્સનું ચેકિંગ કરાવો. સંપૂર્ણ સર્વિસ થયા બાદ જ ફરીથી કાર વપરાશમાં લો.

X
If the car is trapped in the rain, then this remedy can save you
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી