ધુમ્મસને કારણે 31 માર્ચ સુધી રદ કરાયેલી ટ્રેનો ઉનાળો બેસી ગયો હોવા છતાં 15 એપ્રિલ સુધી કેન્સલ જ રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ઉત્તર ભારત તરફ જતી પોરબંદર - મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનોને શિયાળાની શરૂઆતમાં જ ધુમ્મસના કારણે પહેલી ફેબ્રુઆરી સુધી રદ કરી નિર્ણય 31 માર્ચ સુધી લંબાવાયો હતો. પરંતુ રેલવેને જાણે હજુ પણ ધુમ્મસ નડતું હોય તે રીતે આ ટ્રેનોનું કેન્સલેશન 15 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. 


શિળાયમાં બિહાર સહિત ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસથી ટ્રેનો ખોરવાય છે અને રેલવે કેટલીક ટ્રેનો રદ કરે છે. બીજી બાજુ ઉનાળુ વેકેશન દરમિયાન એપ્રિલથી જૂન દરમિયાન ટ્રેનોમાં લોકોનો ભારે ધસારો જોવા મળે છે. ત્યારે રેલવે દ્વારા પણ અનેક હોલિ-ડે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની સાથે અનેક ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવે છે. હોલિડે ટ્રેનોમાં રેલવે દ્વારા વધુ આવક મેળવવા ડાયનેમિક ફેર સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. જેથી ટિકિટોના વેચાણ સાથે ભાડાની કિંમતમાં પણ વધારો થતો હોય છે. આ સ્થિતિમાં રદ કરાયેલી ટ્રેનોને વહેલી તકે શરૂ કરવાની માગણી કરવામાં આવી છે. 


બાંદ્રાથી ભગત કી કોઠી માટે વાયા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 
ઉનાળુ વેકેશન દરમિયાન પેસેન્જરોની ધસારાને પગલે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રાથી ભગત કી કોઠી માટે સપ્તાહમાં બે દિવસ સમર હોલિ-ડે ટ્રેન વિશેષ ભાડાં સાથે દોડાવશે. આ ટ્રેન બાંદ્રાથી દર સોમવાર અને ગુરુવારે બપોરે 1.05 કલાકે રવાના થઇને બીજા દિવસે સવારે 8.20 કલાકે ભગત કી કોઠી પહોંચશે. જ્યારે ભગત કી કોઠીથી દર રવિવાર અને બુધવારે બપોરે 3.00 કલાકે રવાના થઇને બીજા દિવસે સવારે 11.45 કલાકે બાંદ્રા પહોંચશે. 


સ્પેરમાં રહેલા કોચથી મોતીહારી ટ્રેન દોડવાશે 
મોતીહારી એક્સપ્રેસ લાંબા સમયથી રદ કરાતા તેના કોચનો અન્ય ટ્રેનોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેથી હવે સ્પેરમાં રહેલા કે અન્ય કોચ મગાવી નવી ટ્રેન તૈયાર કરવામાં આવશે.