• Home
  • National
  • P. Mamta Dei's fire test in Bengal, right wing left wing

રાજનીતિ / પ. બંગાળમાં મમતા દીદીની અગ્નિપરીક્ષા, ડાબેરી કાઢતાં જમણેરી પેઠાં

P. Mamta Dei's fire test in Bengal, right-wing left-wing

  • રાજ્યમાં ડાબેરીઓનો જનાધાર જેટલો ઘટી રહ્યો છે એટલો જ ભાજપનો જનાધાર વધતો જાય છે
  • તૃણમૂલ વિરોધી મતો ડાબેરી, કોંગ્રેસમાં વહેંચાવાને બદલે હવે મહદ્ અંશે ભાજપ તરફ ઢળી રહ્યા છે
  • બે વર્ષ પછી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા દીદી માટે ભાજપ જ મોટો પડકાર બની રહેશે


 

Divyabhaskar.com

May 15, 2019, 07:13 PM IST

અમદાવાદઃ ચૂંટણી તો લોકસભાની છે એટલે તેની તીવ્રતા સમગ્ર દેશમાં હોય પરંતુ ખરું સમરાંગણ તો જાણે પ. બંગાળ જ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં શાસક મમતા બેનર્જી માટે અસ્તિત્વનો સવાલ છે અને ભાજપ માટે પોતાનું સ્થાન બનાવવા ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં અન્યત્ર થનારું નુકસાન સરભર કરવાનો મરણિયો પ્રયાસ પણ છે. સરવાળે અહીંનો ચૂંટણીજંગ માત્ર વાક્પ્રહારો પૂરતો મર્યાદિત રહેવાને બદલે હિંસક બની રહ્યો છે. તૃણમૂલ અને ભાજપ વચ્ચેની આ હિંસક અથડામણ શું પરિણામ આપશે એ તો 23 મેએ જાણવા મળશે, પરંતુ એટલું નિશ્ચિત છે કે બંગાળની રાજનીતિમાં અગાઉ જે સ્થાન ડાબેરી પક્ષોનું હતું એ હવે જમણેરી વિચારધારા ધરાવતા ભાજપનું રહેશે.

ભાજપને દોડવા માટે અનુકૂળ ઢાળ

નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાજપના ભાથામાં જે શસ્ત્રો છે તેમાં વિકાસવાદ, હિન્દુવાદ અને રાષ્ટ્રવાદ મુખ્ય છે. ભાજપ આ ત્રણેય શસ્ત્રો મોકો, મેદાન અને હરીફ મુજબ જરૂરિયાત પ્રમાણે વાપરતું રહે છે. પરંતુ સમગ્ર દેશમાં આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ બંગાળ એવા રણમેદાન છે જ્યાં ભાજપના એકસાથે આ ત્રણેય બ્રહ્માસ્ત્રો કારગત નીવડે એમ છે. અહીં ડાબેરીઓના લાંબા સમયના શાસનને લીધે મૂડીવાદી ઔદ્યોગિકીકરણ નહિવત્ત છે. પરિણામે આંજી દેતી ચકાચૌંધનો અભાવ છે. આથી મોદી જેમાં માહેર છે એ વિકાસનું કાર્ડ અહીં ચાલે તેમ છે. મુસ્લિમોની વસ્તી સમગ્ર રાજ્યમાં ખાસ્સી ઊંચી છે. ડાબેરીઓ પછી મમતા બેનર્જીએ પણ આ વોટબેન્ક સાબૂત રાખવાની નીતિ અપનાવી છે. આથી ગુજરાતમાં અને પછી ઉત્તરપ્રદેશમાં કર્યું એમ બંગાળમાં પણ ભાજપ આક્રમક હિન્દુત્વનો મુદ્દો ઉપસાવી શકે છે. બાંગ્લાદેશમાંથી ઘૂસી આવેલા લોકોના કારણે અહીં સલામતીના પ્રશ્નો પણ ભારે ગંભીર છે. આથી રાષ્ટ્રવાદનું કાર્ડ રમવાનું પણ અહીં આસાન છે.

ડાબેરી, કોંગ્રેસની સદંતર ગેરહાજરી

કોંગ્રેસથી અલગ પડીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કર્યા બાદ ડાબેરી શાસન સામે એકધારી લડત આપનાર મમતા દીદી ઝુઝારુ લડવૈયા તરીકેની છાપ ધરાવે છે. દેખાવમાં જેટલાં નાજુક છે, સ્વભાવથી એટલાં જ કઠોર અને જીદ્દી છે. 'મા, માટી, માનુષ'ના નારા સાથે રાજ્યમાં સત્તા પર આવેલા મમતા દીદીએ કોંગ્રેસ અને ડાબેરી બંનેનો સફાયો કરી નાંખ્યો છે. 2011માં તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન રચ્યું હતું, પરંતુ બહુ ઝડપથી તેઓ કોંગ્રેસથી અળગા થઈ ગયા હતા.
આજે સ્થિતિ એવી છે કે લોકસભા, વિધાનસભાથી માંડીને પંચાયતી સંસ્થાઓ સુધી સર્વત્ર તૃણમૂલ છવાયેલી છે અને વિપક્ષ તરીકે ડાબેરીઓ તેમજ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. વિપક્ષોની આ નબળાઈને લીધે મમતાવિરોધી મતદારો બહુ ઝડપભેર ભાજપ તરફ કેન્દ્રિત થવા લાગ્યા છે.

સતત વધતો ભાજપનો જનાધાર

2014ની ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશ ઉપરાંત આસામ અને પ.બંગાળમાં પણ તમામ તાકાત કામે લગાડી દીધી હતી. આ ચૂંટણીમાં ભાજપને ફક્ત 2 બેઠક પર જીત મળી હતી પરંતુ તેને મળેલા મતોની ટકાવારી 17.2 ટકા હતી. ડાબેરીઓને પણ ફક્ત 2 જ બેઠક મળી હતી અને ડાબેરીઓને 2009ની સરખામણીએ 18.6 ટકા મત ઓછા મળ્યા હતા. એ પછી 2016માં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપને 10.16 ટકા મત મળ્યા હતા. 2011ની સરખામણીએ ડાબેરીઓને 9.7 ટકા મત ઓછા મળ્યા હતા. 2017માં પંચાયતોની ચૂંટણીમાં ભાજપે જનાધાર ખાસ્સો વધાર્યો હતો અને 18.12 ટકા મતો મેળવ્યા હતા. જ્યારે ડાબેરીઓનો જનાધાર સાફ થઈ ગયો હતો. તેના મતમાં અગાઉની ચૂંટણીની સરખામણીએ 19.01 ટકાનું ગાબડું પડ્યું હતું. અહીં નોંધપાત્ર બાબત એ છે કે ડાબેરીઓના ઘટી રહેલા મત જેટલાં જ ભાજપના વધી રહેલા મત દર્શાય છે. એ જ સુચવે છે કે, રાજ્યમાં તૃણમૂલવિરોધી મતદારોને આકર્ષવામાં ભાજપ હવે મક્કમ રીતે ડાબેરીઓનું સ્થાન મેળવી ચૂક્યો છે. જે આગામી વિધાનસભાની ચૂંટણી સુધીમાં મમતા દીદી માટે સૌથી મોટો પડકાર બની રહેશે.

X
P. Mamta Dei's fire test in Bengal, right-wing left-wing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી