ઉત્તરાખંડમાં મોદી / કેદારનાથ ખીણની ગુફામાં મોદીનું ધ્યાન, આખી રાત સાધના, આજે બદ્રી દર્શન

  • પીએમ મોદી આજે કેદારનાથ અને 19મેના રોજ બદ્રીનાથ જશે
  • વડાપ્રધાન આજે કેદારનાથમાં બનેલી ગુફાઓમાં ધ્યાન પણ ધરશે
  • ગયા વર્ષે નવેમ્બર અને 2017માં બે વાર કેદારનાથ ગયા હતા મોદી

divyabhaskar.com

May 19, 2019, 12:54 AM IST

કેદારનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ પહોંચ્યા હતા. બાબા કેદારનાથની પૂજા કર્યા બાદ મોદી 2 કિલોમીટર સુધી ચાલીને એક ગુફામાં પહોંચ્યા હતા અને ત્યાં જ ધ્યાનમાં બેસી ગયા હતા. 5 મીટર લાંબી અને 3 મીટર પહોળી આ ગુફામાં મોદી રવિવારે સવાર સુધી સાધના કરશે. ત્યારબાદ તેઓ બદ્રીનાથના દર્શન કરવા જશે.

12250 ફૂટની ઊંચાઈએ આવેલા કેદારનાથ ધામમાં મોદીએ ભુખરા રંગનો સ્થાનિક પહેરવેશ, પહાડી ટોપી અને કમરમાં ભગવો ખેસ બાંધ્યો હતો. હેલિપેડથી કેદારનાથ મંદિર સુધી ચાલતા સમયે તેઓ હાથમાં લાકડી લઈને મંદિર પહોંચ્યા હતા. કદાચ પહેલીવાર વડાપ્રધાન સંપૂર્ણપણે આધ્યાત્મિક રંગમાં રંગાયા હોય તેવું જણાતું હતું. મોદીએ પાંચ વર્ષમાં ચોથીવખત કેદારનાથ ધામની મુલાકાત લીધી છે.

અગાઉ મોદી 3 મે 2017, 20 ઓક્ટોબર 2017, 7 નવેમ્બર 2018ના રોજ કેદારનાથના દર્શને જઈ ચૂક્યા છે. બીજીબાજુ ભાજપના પ્રમુખ અમિત શાહે પરિવાર સાથે શનિવારે સૌરાષ્ટ્રમાં સોમનાથના દર્શન કર્યાં હતા. વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ પણ તેઓ સોમનાથના દર્શને ગયા હતા.

દેશના સૌથી ઊંચા સ્થળે વોટિંગ

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન રવિવારે યોજાશે. 7 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 59 બેઠકો પર મતદાન થશે. આ 59 બેઠકોમાંથી એનડીએ પાસે 2014માં 41 એટલે કે 69% બેઠકો હતી. કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી હતી. અંતિમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક તથા દેશના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના ટશીગંગમાં પણ મતદાન થશે. મંડી લોકસભા બેઠકનું આ મતદાન કેન્દ્ર 15256 ફૂટની ઊંચાઈએ આવેલું છે.

તેની આસપાસના બરફને હટાવાયો છે. ઇવીએમ પણ હેલિકોપ્ટર મારફતે પહોંચાડાયા હતા. છેલ્લા તબક્કાના મતદાન સાથે જ 543 બેઠકોમાંથી 542 બેઠકો પર મતદાન પૂરું થશે. તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક પર રોકડ રકમ વહેંચણીનો મામલો બહાર આવતા તેની ચૂંટણી યોજાઈ નથી. રવિવારે સાંજથી જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થશે. 23મી તારીખે મત ગણતરી યોજાશે. મધ્ય પ્રદેશની 8, બિહારની 8, હિમાચલની 4, ચંદીગઢની 1, બંગાળની 9, ઉત્તર પ્રદેશની 13 અને પંજાબની 13 બેઠકો પર રવિવારે મતદાન યોજાશે.

સોનિયાનો નવો દાવ- યુતિ સરકારમાં માયાવતી કે મમતા પીએમ બની શકે
જો NDA સિવાયના પક્ષોને 300થી વધુ બેઠક મળે તો મોદીને બહાર રાખવા કોંગ્રેસ વડાપ્રધાનપદ જતુ કરીને માયાવતી કે મમતાને આગળ કરી શકે છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસે આ પ્રકારે કરેલું છે. NDA સિવાયના પક્ષ ભેગા થાય તો સર્વસંમત ઉમેદવાર હોવો જોઈએ તેનો સોનિયાને ખ્યાલ છે.

નવા મોરચા માટે નાયડુ રાહુલ, પવાર, અખિલેશ, માયાને મળ્યાં

અંતિમ તબક્કાના મતદાન પહેલાં આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ રાહુલ ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ અને માયાવતીની મુલાકાત લીધી હતી. નાયડુની આ મુલાકાતને ત્રીજા મોરચાની સંભાવના તરીકે જોવામાં આવી રહી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી