ભાજપ / પ્રેસ કોન્ફરન્સમાં પણ 'મન કી બાત', પત્રકારોના સવાલો સામે મોદીનું મૌન, તેમનાં વતી શાહે જવાબ આપ્યા

Modia and Amit Shah BJP Press conference on last day of lok sabha election 2019
X
Modia and Amit Shah BJP Press conference on last day of lok sabha election 2019

  •  'દરેક વાતના જવાબ વડાપ્રધાને ન આપવાના હોય' એમ કહીને શાહે એકપણ સવાલ મોદી તરફ જવા ન દીધો 
  • 'બંગાળમાં અમારા 80 કાર્યકરો માર્યા ગયા છે' એમ કહીને શાહે હિંસા માટે મમતાને જવાબદાર ઠરાવ્યા
  •  'એકલે હાથે 300થી વધુ બેઠકો મેળવશું' એવો દાવો કર્યા પછી શાહે પરિણામ પછી જોડાવા માંગતા પક્ષોને ય આમંત્રણ પાઠવી દીધું

divyabhaskar.com

May 17, 2019, 07:30 PM IST

અમદાવાદઃ દેશભરમાં ચાલેલા દોઢ મહિનાથી વધુ લાંબા ચૂંટણીપ્રચાર અભિયાનની સમાપ્તિ સમયે ભાજપના કેન્દ્રિય કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપીને પ્રસાર માધ્યમોમાં ભારે ઉત્તેજનાનું વાતાવરણ સર્જી દીધું હતું. દેશભરના માધ્યમોએ તેને 'વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ' તરીકેનું હેડિંગ તો આપી દીધું, પણ જેમ જેમ પ્રેસ કોન્ફરન્સ આગળ વધતી ગઈ તેમ તેમ આ પણ ટિપિકલ મોદી સ્ટાઈલ હોવાનું સ્પષ્ટ થતું ગયું. મોદીએ ફક્ત 'મન કી બાત' કહી અને પછી મોં સીવી લીધું. મોદીને પૂછાયેલા સવાલોના જવાબ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપ્યા હતા, જેમાં મુખ્યત્વે ચૂંટણી પ્રચારની વિગતો જ હતી.

'આપ કે પાસ આને મેં થોડા સમય લગા'
 
વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં પ્રવેશતાં જ ઉપસ્થિત પત્રકારોને સંબોધીને કહ્યું હતું કે, 'નમસ્કાર દોસ્તોં, આપ કે પાસ આને મેં થોડા સમય લગા' ત્યારે ઘડીભર એવો અહેસાસ ઊભો થયો કે પાંચ વર્ષના શાસન દરમિયાન પોતે એકપણ પત્રકાર પરિષદ ન કરી હોવા અંગે કહી રહ્યા છે પરંતુ તરત જ તેમણે ઉમેરી દીધું હતું કે, 'મૈં મધ્યપ્રદેશ મેં થા, ઈસ લિયે આને મેં જરા દેર હો ગઈ' એ પછી તેમણે એકપક્ષી ઉદબોધન કર્યું, જેમાં દેશની લોકતાંત્રિક પ્રણાલિની સફળતાની બિરદાવલીઓ હતી, ચૂંટણીપ્રચાર માટેના ભાજપના ચુસ્ત આયોજનની વાત હતી, સમગ્ર અભિયાન દરમિયાન પોતાનો એકપણ કાર્યક્રમ રદ નથી થયો એવું પણ એમણે કહ્યું.

અમિત શાહે આપેલ જવાબો

* ચૂંટણીના પરિણામ અંગેઃ ભાજપ એકલે હાથે 300થી વધુ બેઠકો જીતશે. એનડીએ ગઠબંધન જ સત્તા પર આવશે અને નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે.

* પરિણામ પછીના ગઠબંધન વિશેઃ એનડીએ ગઠબંધન એ પ્રિ-પોલ એલાયન્સ છે. છતાં પરિણામો પછી અન્ય કોઈ પક્ષ અમારી નીતિ અને કાર્યક્રમથી પ્રેરાઈને અમારી સાથે જોડાવા ઈચ્છે તો એ દરેકનું સ્વાગત છે. 

* સાધ્વી પ્રજ્ઞાના વિવાદાસ્પદ વિધાન અંગેઃ આ દુઃખદ છે. ગોડસે વિશે એમણે જે કહ્યું એ તેમનો અંગત મત છે. પક્ષને તેની સાથે કોઈ લેવાદેવા નથી.

* સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવવા અંગેઃસમજૌતા એક્સ્પ્રેસ કેસમાં કોંગ્રેસે વોટબેન્કની રાજનીતિ રમી હતી. હિન્દુ આતંકવાદના નામે હિન્દુ ધર્મને બદનામ કર્યો હતો. હવે જ્યારે અદાલતમાં એ કરતૂત ઊઘાડું પડી ચૂક્યું છે ત્યારે આ અમારો સત્યાગ્રહ છે.

* બંગાળની હિંસા અંગેઃબંગાળમાં છેલ્લાં પાંચ વર્ષમાં અમારા પક્ષના 80 કાર્યકર્તાઓના મોત નીપજ્યા છે. તો હિંસા અમે કરીએ છીએ કે તૃણમૂલ? તમે કેમ આ સવાલ ઊઠાવતાં નથી?

* સરકારની સિદ્ધિઓઃ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે પાંચ વર્ષમાં 133 એટલે કે દર પંદર દિવસે એક યોજના મૂકી છે. દેશભરમાંથી અમને જનતાએ આશીર્વાદ આપ્યા છે.

* વિકાસની વાત ન કરવા અંગેઃખોટો આરોપ છે. અમારા દરેક નેતાના કોઈપણ ભાષણ ચેક કરી જુઓ. દરેકમાં વિકાસની વાતો જ મુખ્ય છે. અડધી કલાકના ભાષણમાં ત્રણ-ચાર મિનિટ આતંકવાદ, રાષ્ટ્રીય સુરક્ષા કે પાકિસ્તાન વિશે હોઈ શકે. પરંતુ મીડિયા એ જ વાતને ચગાવે તો એ અમારો વાંક?

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી